Skip to content

Categories:

હું રીટાયર થયો

હું રીટાયર થયો

ACT-1 Scene-1 

(પડદો ખુલતા સામે ટેબલ પર એવોર્ડ, શાલ, કવર અને ફૂલો પડ્યા છે.. પાછળ ‘શ્રી અનંતરાય વિદ્યાપતિ અભિવાદન સમારોહ’ લખેલું બેનર )

ઉદઘોષક આવીને બોલે છે -…. )

ઝુકાવી છે ગરદન બધી  ફૂલોની યે નીચી નજર થઈ  ગઈ

ઉદઘોષક :-

રસિક પ્રેક્ષકો આજે આપણે ગુજરાતી રંગભૂમિના લોકલાડીલા અભિનેતા નટસમ્રાટ શ્રી અનંતરાય વિદ્યાપતિજીનું અભિવાદન કરવા એકત્રિત થયા છીએ. છેલ્લા પાંચ  દાયકાઓથી શ્રી વિદ્યાપતિજીએ એમની આગવી અભિનયકળાથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે. તો હું શ્રી વિદ્યાપતિજીને વિનંતી કરું છું કે આ મંચ પર પધારે..      

              આવો આવો પધારો…

(અનંતરાય વિદ્યાપતિ હાથ જોડતા સ્ટૅજ પર આવે છે… અને બેનર જોઈને ખુશ થાય છે)

આજના સન્માન પ્રસંગે ગુજરાતી નાટ્ય સંસ્થા વતી એમની જ્વલંત કારકીર્દીના પુરસ્કારરૂપે આ શાલ અને આ એવોર્ડ એમને એનાયત કરીએ છીએ  

અનંતરાય વિદ્યાપતિ

થેંક યુ થેંક યુ

ઉદઘોષક :-

અને ગુજરાતી નાટ્ય સંસ્થા તરફથી રૂ. એક લાખ એકાવન હજારનો ચેક આપને  અર્પણ કરીએ છીએ.

( અ.વિ. એકદમ દંગ થઈને જોઈ રહે છે…)

અનંતરાય વિદ્યાપતિ

થેંક યુ…

ઉદઘોષક :-

હવે કલા મહર્ષિ શ્રી વિદ્યાપતિજીને પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવાની વિનંતી કરું છું

અનંતરાય વિદ્યાપતિ

આભાર…ધન્યવાદ   દોસ્તો, મારો પ્રતિભાવ વ્યક્ત કરું એ પહેલા મારો ભાવ તો જાણે જાહેર થઈ જ ગયો છે. એક લાખ એકાવન હજાર રૂપિયા (તાળીઓ) મિત્રો, આ તાળીઓ જરા જો ઓછી પાડશો તો વાસ્તવિક લાગશે…. ના નહિ તો લોકોને શું થશે કે મેં મારા જ માણસો બેસાડ્યા છે. અમારે નાટકમાં આવું ઘણીવાર કરવું પડતું હોય છે… ઓડિયન્સ ભરી દેવું પડતું હોય છે પરંતુ  આજે એવુ નથી, એટ્લે તમે તારે પસંદ  પડે  ત્યારે  દીલ  દઈને તાળીઓ પાડજો..

                                                              (હસે છે…)

મિત્રો, આજે આપ મારું  નહી  પરંતુ અભિનયકલાનું સન્માન કરી રહ્યા છો. આપ સૌ નાટ્યકલાના પ્રશશકો છો જેનું મને ગર્વ છે.

પ્રેક્ષક મિત્રો મારી વાત કરું તો    અભિનય…અભિનયની ઘેલછા મને નાનપણથી  જ હતી…  યુવાનીમાં હતો ત્યારે એ દિવસોમાં અમારા ગામમાં એક  નાટક કંપની આવી હતી. રોજ રાત્રે ગામને પાદરે નાટક ભજવાય અને મને નાટક જોવાનો જબરો શોખ એટલે, હું શું કરતો… ઘરના બધા સુઇ જાય ને પછી ગુપચુપ ઘરની બહાર સરકી જાઉં અને ગામને પાદરે  જઈ પીપળાના ઝાડ પર ચડીને નાટક જોતો. રોજ એક

 નું એક નાટક જોતો. હવે…આ નાટકમાં એક નોકરનું પાત્ર હતું એક  છોકરો એ ભજવતો હતો. એને થયો કોલેરા આ વાતની મને ખબર પડી. અને મને ખબર પડી એટલે હું જઈને પહોચી  ગયો એ નાટકના ડાયરેક્ટરની પાસે … સંવાદો તો મને બધા જ મોઢે થઇ ગયા હતા… કડકડાટ બોલી ગયો, ડાયરેક્ટર ખૂશ  થઇ ગયો  અને મને નોકરનું  પાત્ર  કરવાની નોકરી મળી ગયી .. ટૂંકમાં કહેવાનો  સાર  એ છે કે આ રંગમંચ પર, આ રંગભૂમિ ઉપર મારો જે પ્રવેશ થયો તે  એક નોકર  તરીકેની ભૂમિકામાં થયો. આજથી વર્ષો પહેલા નોકર તરીકે ખભે જે કપડું નાખ્યું હતું…. આજે આટલા વર્ષે એ આ શાલ બનીને શોભી ઉઠ્યું છે….

(હાથ જોડીને ઓડિયન્સને પ્રણામ કરતાં કહે છે…)

પછી તો સમયના કૈંક વહેણ વહી ગયા… અકસ્માત થયો, બંને પગ ગુમાવ્યા  બનાવટી  પગ પહેર્યા પણ અભિનયની  રત   છૂટી નહી . કૈક  અવનવા ખેલ મેં આ રંગભૂમિ ઉપર ભજવ્યા.. પચાસ  વર્ષને અંતે આજે મારા ક્ષેત્રસન્યાસનો દિવસ છે — મારી નિવૃત્તિનો દિવસ છે. આજે હું રીટાયર થાઉં છું.  એક સોનેરી સુવાક્ય છે કે માણસ દુઃખ ભલે પોતાની પાસે રાખે પરંતુ પોતાનુ સુખ  હમેશા વહેંચવું જોઇએ. તો હું પણ મારું સુખ,  જેમના થકી મને આજનો આ દિવસ જોવા મળ્યો છે, એવા મારા સાથી કલાકારો અને કસબીઓ સાથે વહેંચવા માંગું છું .અને તેથી જ આપ સૌ કદરદાન પ્રેક્ષકોએ ખુબ જ ઉમળકાથી, વહાલથી મને જે આ જે ચેક  અર્પણ કર્યો છે, રૂ. એક લાખ એકાવન હજારનો…. તે… હું આજે મારા વતી ગુજરાતી નાટ્ય કલાકાર સંઘને અર્પણ કરું છું. નાનકડી ભેટ છે મારી આ…. દોસ્તો,  જીવનની સાર્થકતા કેટલું જીવ્યા એમાં નથી પણ કેવું જીવ્યા એમાં છે. હું  મન ભરીને જીવ્યો છું. જિન્દગીને ખુબ માણી છે મેં.—- અરે આપ સહું  રસિક પ્રેક્ષકોએ મને બિરદાવ્યો છે….. તો તો… મારા કુટુંબે મને નિભાવ્યો છે… ખરેખર નિભાવ્યો છે…..  સાહેબો,  તમને કહી દઉં કે એક નાટકિયા સાથે જીવન વિતાવવું  બહુ અઘરું કામ છે. એને એ બદલ મેં મારા કુટુંબનો ક્યારેય આભાર નથી માન્યો. પણ  આજે મને આ તક મળી છે જાહેરમાં આભાર માનવાની,  તો પ્રથમ આભાર માનું છું આપ સૌ રસિક પ્રેક્ષકગણનો અને ત્યાર બાદ આભાર માનું છું મારા કુટુંબનો… મારો દિકરો અમર, મારી દીકરી માયા… મારી પુત્રવધુ જ્યોતિ અને—– સૌથી વિશેષ આભાર મારે માનવાનો તે સરકારનો… જો જો ભાઈ કાંઈ ગેરસમજ નહીં કરતા સરકાર એટલે કઈ દિલ્હીવાળી કે વોશીન્ગ્ત્ન ડી. સી.વાળી નહીં  આ તો મારી સરકાર, એટલે કે મારી પત્ની મંગળા હું એને લાડથી, વહાલથી સરકાર કહીને બોલાવું છું…….. ખેર,  મારી કલાસાધનાની વાત કરું તો આપ સૌ તેના સાક્ષી રહ્યા છો. રંગમંચ પર  ક્યારેક ભિખારી બન્યો તો ક્યારેક ભગવાન બન્યો ક્યારેક રાણા પ્રતાપ બન્યો તો ક્યારેક શહેનશાહ અકબર બન્યો અને બન્યો એટલું જ નહીં. પણ પ્રેક્ષકોને પણ બનાવ્યા. એમને હસાવ્યા, રડાવ્યા ધ્રુજાવ્યા….. (ઉધરસ ખાતા ખાતા…) અને અને દોસ્તો આવી જ મારી  એક ભૂમિકા તે વીર વિદ્યાપતિ નાટકમાં  રાજા વિદ્યાપતિની . એ નાટકને એ જમાનામાં પ્રેક્ષકોએ એટલી દાદ આપી કે એ ભૂમિકા મારા નામ સાથે એકરૂપ થઈ ગઈ. અને એ દિવસથી હું અનંતરાય દવે મટી અને અનંતરાય વિદ્યાપતિ તરીકે ઓળખાતો થઈ ગયો.. નટમાંથી નટસમ્રાટ બની ગયો. કલાકારમાંથી સ્ટાર બની ગયો….  બધી  આપની મહેરબાની છે. મિત્રો, આજે આપની સમક્ષે વીર વિદ્યાપતિ નાટકની વાત નીકળી છે તો એમાંનો એક નાનકડો અંશ રજૂ કરવાનું મન થાય છે.

 વિદ્યાપતિને  એના જ સ્વજનોએ એને રસ્તે રઝળતો કરી મૂક્યો, બન્દીવાન બનાવી દીધો  છતાંય… છતાંય… વિદ્યાપતિનું અભિમાન.. એનું સ્વાભિમાન.. લેશમાત્ર ડગ્યું નહોતું.

(શાલ ખભે લપેટીને રાજા વિદ્યાપતિના રોલમાં એ નાટકના જ સંવાદો બોલે છે )

હું વીર વિદ્યાપતિ… વિદ્યાનગરનો સમ્રાટ… આજે નથી રહ્યો સમ્રાટ    મારો  મુગટ ભલે છિન્વાય ગયો પણ આ માથુ હજી સલામત છે….અરે ચાંડાળો…. દુ:ખ મને એ વાતનું નથી કે તમે મારો વિશ્વાસઘાત કર્યો… દુ:ખ મને એ વાતનું છે કે મેં તમારો વિશ્વાસ કર્યો….. નરાધમો… તમે મને ખાબોચિયામાં શું ડુબાડશો…? સમુન્દર પી ગયો છું. અરે આ આંધી મને  શું સતાવશે…? ઝંઝાવાત સહી ગયો છું હું…. રસાતાળ ભલે થાય આ પૃથ્વી… ફાટી પડી ભલે આ આકાશ… થાય ભલે આ છાતીના સહસત્ર  ટુકડા…. આંસુનું એક બિન્દુ હું નહીં ટપકવા દઉં હું મારી આંખોમાંથી…. કારણ… કારણ ભલે હું વિદ્યાનગરનો  સમ્રાટ  નથી  રહ્યો   પરન્તુ મારા સ્વાભિમાનનો  હું સમ્રાટ છું…હું  નિર્ભય છું  હું અજેય છું… હું વિરાટ છું…. હે જગતનિયંતા … હે જગતનિયંતા…. તું મારી શક્તિઓને કોઈ ગજથી માપી ન શક્યો… તેં મને દુ:ખ દીધા તો પણ સંતાપી ન શક્યો… અરે આપણે બન્ને એટલા મગરૂર હતા કે હું કશું માગી ન શક્યો અને તું કશું આપી ન શક્યો…

(સંવાદ પૂરો)

             (દ્રશ્ય બદલાય છે.)             ACT-1   Scene-2 

નેપથ્યમાંથી   અમર અને માયાનો  બોલાચાલીનો અવાજ.

અમર

માય એ કાગળો મારાછે,  મને આપી દે.

માયા

જા જા હવે તુ         ( દોડતી  દોડતી બહાર આવે છે.

માયાના હાથમાં કાગળો છે અને અમર એ લેવા માટે પાછળ દોડે છે… માયા હસતા હસતા આગળ જાય છે….)

માયા

તું જો જે હોં ,  હું બધાને બતાડું… મમ્મી… મમ્મી….

અમર

 Don’t be silly Maya —-Give those letters back to me.

 

 

માયા

No, No, No.   નહીં આપું –હું પાછા નહીં આપુ…

અમર

માયાડી આપ નહિ તો તારી ખેર નથી…

માયા

મમ્મી,— પપ્પા જલદી બહાર આવો તો.

અમર

Come on Maya, આપીદે મને  

 

મંગળા (સરકાર)   દાખલ થાય છે

ઓહો હો… શેની ધમાલ છે..?  આ હજી તમારું  બાળપણ  ગયુ નથી. અમરિયા છોડ છોડ.. છોડ  આ શેની ધમાલ છે? 

માયા

મમ્મી મને કશુંક જડ્યું છે

મંગળા (સરકાર)

એમ..?અરે એવું તે તને  શું જડ્યું છે…?

અમર

મમ્મી તું જ કહે  મારી  પર્સનલ  વસ્તુ હાથમાં  આવી હોય  તો તરત મને આપી દેવી જોઈએ

 ને ?  (માયાને )   તું આપી દે મને Come on let me have them Maya—-…

માયા

એ અમર, તારો આ જુનો ખજાનો તને પાછો  ંમળવાનો  જ નથી..  નહીં  આપુ, નહીં આપુ.

નહીં આપું

અનંતરાય વિદ્યાપતિજી—— દાખલ થાય છે

શું ચાલી રહ્યું છે અહી

અમર

પપ્પા તમે અંદર જાવ ને

 

 

અનંતરાય વિદ્યાપતિજી

અરે તારી ભલી થાય… આ હમણાં સુતેલો ને આ છોકરીએ બૂમાબૂમ કરી એટલે સફાળો ઉભો થઈને બહાર આવ્યો અને હવે તું કહે છે અન્દર જાવ….  આ હું તો અહીંયાં જ બેઠો છું…. શેની ધમાચકડી છે સરકાર… શું થયું?

મંગળા (સરકાર)

આ બન્ને છોકરા પરણી ગયા તોય હજુ એમનું રમતિયાળપણું નથી ગયું…

અરે…

માયા

સાંભળો સાંભળો સાંભળો…   રોશની ચાંદ સે હોતી હૈ સિતારોં સે નહીં…    મુહબ્બત એક સે હોતી હૈ હજારોં નહીં.

અનંતરાય વિદ્યાપતિજી

અરે વાહ વાહ સુભાન અલ્લાહ…  મુહબ્બત એક સે હોતી હૈ હજારોં સે નહીં

માયા

હવે બીજી સાંભળો…

અનંતરાય વિદ્યાપતિજી

સંભળાવો  

માયા

જેમ ફૂલને ફોરમ મળી સાગરને લહેર મળી…  તાલને સરગમ મળી એમ અમરને જ્યોતિ મળી

અનંતરાય વિદ્યાપતિજી

અરે વાહ ભાઈ અતિ સુંદર   આ…..  આ કયા નાટકનો સંવાદ છે  સરકાર ?ં…

અનંતરાય વિદ્યાપતિજી

માયા

પપ્પા, આ નાટકનો સંવાદ નથી –તમારા ચિરંજીવીના પ્રેમપત્રો છે

અનંતરાય વિદ્યાપતિજી

શું વાત કરે છે અમરિયા…. લુચ્ચા…તે તો સાહિત્ય સરિતાના કવિઓ જેવું સરસ લખ્યું છે ….. ફૂલને ફોરમ  મળી અને અમરને જ્યોતિ  મળી

અમર

પપ્પા, તમારી દીકરી સાસરેથી આવી છે એટલે એને બહુ ના ચડાવો.  

મંગળા (સરકાર)

 અમરિયા  માયા તારે મોટીબેન છે

માયા

(લહેકો કરી)    સાંભળ્યું મારા નાના ભાઈ તમે ?

અમર

 પપ્પા , મમ્મી,  એટલે  શું  એને  મારો કબાટ ખોલીને ખાંખાખોળા કરવાના હક મળ્યા? તમે મારી આ મોટીબેનને મેનર્સમાં  રાખવાનું કહો ,—— ઉભી રહે તું આપે છે કે નહિ મારા લેટર્સ ?

મંગળા (સરકાર) 

 ચાલ એ છોકરી  આપી દે એને કાગળો આપી દે

માયા

 લે આ તારા લવલેટર્સ .

અમર

બીજીવાર મારા કબાટને હાથ લગાડ્યો છે ને તો યાદ રાખજે 

મંગળા (સરકાર)

એ માયા તારે શું જરૂર પડી  એના કબાટમાં આમ  હાથ નાખવાની?

માયા

મમ્મી જો ને હું પુનાથી જે પાર્સલ લાવી હતી તે ક્યાંક મુકાઈ ગયું છે

મંગળા (સરકાર)

માયા, આ વસ્તુ મુકીને ભુલી જવાની તારી ટેવ હજુ ય ગઈ નથી ઘર કેમ કરીને  સંભાળતી હઈશ ?

અમર

મને તો જિજાજીની ચિંતા થાય છે એમને ક્યાંક ભુલી ન જતી 

માયા

એય ચુપ રહે ચિબાવલા

જ્યોતિ (દાખલ થાય છે )

માયાબેન … આ પેકેજ ક્યાંક  તમારું તો નથી ને?

માયા

અરે હા…એ જ હું શોધતી હતી, ક્યાં હતું?

જ્યોતિ

ડ્રેસિંગ ટેબલના ડ્રોઅરમાં પડ્યું હતું

માયા

ત્યાં કોણે મુક્યુ?

મંગળા (સરકાર)

તેં જ મુક્યું હશે…

અનંતરાય વિદ્યાપતિજી

અરે ના ભાઈ આતો મેં જ મુક્યુ હતું ડ્રેસિંગ ટેબલના ડ્રોઅરમાં મને એમ કે આમ બહાર રખડે તે સાચવીને અંદર મૂક્યુ

અમર

અને જોયું તમે એને અમારા ખાના ખોલવાનો ચાન્સ આપ્યો.

જ્યોતિ

ચાલો માયાબેનને એમનું પેકેજ મળી ગયું એટલે વાતનો અંત આવ્યો.

અનંતરાય વિદ્યાપતિજી 

એ વાત જ્યોતીએ સાચ્ચી કરી—- હવે કાઈ બીજી વાત કરો. 

મંગળા (સરકાર)

માયા બેટા,

માયા

હા મા… ?

મંગળા (સરકાર)

પુનામાં ફાવી ગયું ને…? જમાઈરાજ આમ બરાબર તને સાચવે તો છે ને?

માયા

હા મમ્મા… એકદમ ફૂલની જેમ…

અમર

ફુલની જેમ? તો સાથે થોડા કાંટા પણ રાખે છે કે નહિ? 

 

 

માયા

મારીશ એક તને હોં…  જ્યોતિ, આ તારો વર બહુ બોલે છે હોં…  

જ્યોતિ

માયાબેન તમે અહી આવ્યા તેનો આ બધો આનંદ અને ઉલ્લાસ છે.

મંગળા

સાચી વાત છે ઘર ભરેલું લાગે છે, અમર અને જ્યોતિ પણ કેટલા ખુશનસીબ છે.  ઘરની દરેક વાતમાં બન્ને વચ્ચે  કેવો  સુમેળ છે ? આ અમર તો જ્યોતિની વાતમાં હા હા કરતો જ રહે છે

અનંતરાય વિદ્યાપતિજી

નહીં એવું નથી…. સરકાર તમે આમ છોકરાને  ઉતારી પાડો એ મને નહીં ગમે હોં.. શું હા એ હા કરતો હોય ચોય છે… આ જ્યોતિ જ્યારે ના પાડે છે ત્યારે અમર ધડ દઈને ના પણ પાડે છે… બરાબરને દીકરા.(  જ્યોતી અને માયાને તાળી પાડે છે અને ખુર્શીમાં બેસી પડે છે)

(બધા ખડખડાટ હસે છે…)

..( ઉભા થઈને ).. અરે વાહ ભઈ વાહ,  સરકાર..,. સાચું કહું ભાઈ….અરે આવું હસતું રમતું કિલ્લોલ કરતું કુટુંબ  જોઈને મારું તો  હૈયું ગદગદ્ થઈ જાય છે… મન ભરાઈ આવે છે મારું…  છોકરાઓ… આ તમારા સ્નેહનો બદલો અમે ડોસાડોસી કઈ રીતે ચુકવીશું…?  

 માયા

પાર્શીયાલીટી છોડીને…

મંગળા (સરકાર)

હેં…? બેટા  પણ અમે શું કર્યું?

માયા

તમે ભાઈ સાથે રહો છો અને મારે ત્યાં એક અઠવાડિયું પણ રહેવા નથી આવ્યા …

 

જ્યોતિ

માયાબેન આ ઘર પણ તો તમારું જ છે ને? 

માયા

જ્યોતિ સાચું કહું…? વાંક તારો જ છે 

 

 

 

જ્યોતિ

મારો?

                                            માયા

હા , તું મમ્મી પપ્પાને એટલા સાચવે છે કે દીકરીને તો ભૂલી જ ગયા છે. એમને મારે ત્યાં આવવનુ મન જ નથી થતું… 

અમર

અને હું જ્યોતિને એટલી સાચવું છું કે એને પિયર જવાનું મન  નથી થતું… જો કે ત્યાંથી કોઈ બોલાવતું નથી એ વાત જુદી છે…. (બધા હસે છે)

માયા

અમર… 

જ્યોતિ

પપ્પાજી….    

અનંતરાય વિદ્યાપતિજી

લે આ તું… ય  

માયા

પપ્પા… પપ્પા આ વખતે તમારે બન્ને એ મારી સાથે પુના આવવાનું છે…

અનંતરાય વિદ્યાપતિજી

એમ..? તો ચાલો લેટ્સ ગો…

માયા

હમણાં નહીં પપ્પા…

અનંતરાય વિદ્યાપતિજી

તો?

માયા

હું જાઉં ત્યારે…

 

અમર

અરે તો … હજી આ રોકાવાની છે…?  

 

 

 

 

માયા

તું છુપ બેસ ને .પપ્પા મમ્મી હવે તો નવું ઘર પણ મળી ગયું છે. અને અશ્વિને તો ખાસ આગ્રહ કર્યો છે કે તમને બન્નેને હું સાથે જ લઈ આવું…

અનંતરાય વિદ્યાપતિજી

હા તે આપણે જવું જ છે… આ અશ્વિનકુમારની જીપમાં આખા પુનામાં  ફરશું… હેં..? 

મંગળા (સરકાર)

શું ફરશું…? હમણાં નહીં બેટા…  પછી ક્યારેક આવીશું…  

અનંતરાય વિદ્યાપતિજી

હવે  પછી પછી કરતી, રહેવા દે ને… આવો જમાઈ શોધ્યો નહીં જડે… સાસુને તેડાવે છે બોલો…

મંગળા (સરકાર)

અરે રહેવા દો ને … કોઈ વાતની સમજણ ન પડતી ન હોય તોય વચમાંશું બોલ બોલ કર્યા કરો છો…  

અમર

અને અમને નથી બોલાવવા માયા?

માયા

અરે  તું ને જ્યોતિ આવશો તો તો અશ્વિન ખૂબ જ ખુશ થશે . 

મંગળા (સરકાર)

પણ   માયા બેટા, હમણાં અમારાથી નીકળાય તેમ નથી

માયા

શું છે મમ્મા… 

અનંતરાય વિદ્યાપતિજી

શું છે…? શું પ્રોબ્લેમ શું છે…?  

મંગળા (સરકાર)

તમને નથી કહેવાનું… રહેવા દો ને 

અનંતરાય વિદ્યાપતિજી

અરે હા ભાઈ હા… ખાનગી છે…. આમ આવતા રહો બધા   

                                             મંગળા (સરકાર)      ( માયાને  સ્ટેજની  કોર્નરમાં લઈ જઈને )

શું છે કે જ્યોતિ પ્રેગ્નન્ટ છે…  

માયા

વાઉ… ( બન્ને ગૂસપૂસ કર્યા કરે છે-અવાજ  વગર. ) 

અનંતરાય વિદ્યાપતિ

 અમરિયા…. આ શેની ગુસપુસ કરે  છે  મા દીકરી ?  

અમર

પપ્પા લાગે છે એ લોકો આપણી કૈંક મજા ઉડાવતા લાગે છે.   

માયા

અમરિયા… કંજૂસ… મારવાડી,… હવે તો હું તને છોડીશ નહીં…હવે તારે મને સોનાનો નેકલેસ કરાવી આપવાનો છે…  

અમર

કેમ મારા બીજા લગન છે?

માયા

ગધેડા,,,, તું બાપ બનવાનો છે બાપ…. 

અમર

હે   શું હું બાપ બનવાનો છું ? 

મંગળા (સરકાર)

હા હા   પૂછ જ્યોતિને.

જ્યોતિ

મમ્મીજી.. તમે કેમ કહી દીધું…? 

મંગળા (સરકાર)

અરે તો શું થઈ ગયું…? 

અમર

અરે મત શરમા મેરે આનેવાલે બચ્ચેકી અમ્મા…   

 

 

જ્યોતિ

બધા જુએ છે…   

અમર

અરે તો શું થઈ ગયું..સૂનો,  સૂનો  અરે સાલા મૈં તો બાપ બન ગયા   

અનંતરાય વિદ્યાપતિજી

અરે સાલા મૈં તો દાદા બન ગયા … (ખડખડાટ હસતા) અરે સરકાર તુમ તો દાદી બન ગઈ…   

મંગળા (સરકાર)

શું તમે પણ ભઈસાબ… ? કહું છું… હજી તો સાત  મહિનાની વાર છે… આ તો માયા એ જીદ કરી ને એટલે જરા કહેવું પડ્યું…   

અમર

એટલે તમે લોકો ખાનગી રાખવાના હતા? 

અનંતરાય વિદ્યાપતિજી

એ ડોબા,…. આ આ વાત કંઈ ખાનગી રહેતી હશે? (પેટ તરફ ઇશારો કરતા…)  

મંગળા (સરકાર)

બેસો બેસો… રાયજી બેસો તમે નિરાંતે બેસો…. હવે તું જ કહે માયા બેટા… હમણાય મારાથી કેમ નીકળાય દીકરા…?  

મંગળા (સરકાર)

મમ્મી… હવે તો તું જ્યોતિને લઈને મારે ત્યાં આરામ કરવા આવજે;… 

અમર

લે પપ્પા… તમારું પત્તું કટ…  

અનંતરાય વિદ્યાપતિજી

એ વાંધો નહીં ભલે જતા… ભાઈ જવાદે પુના એમને  … આપણે બન્ને અહીંયાં એકલા..હઈશુંને—. એક રિટાયર બાપ અને એક થનારો બાપ… રોજ પાર્ટી કરશું… હા હા હા  

મંગળા (સરકાર)

માયા બેટા… હવે તું ક્યારે સારા સમાચાર આપે છે.. હાં..? 

માયા

અરે શું મમ્મા તું પણ…?   

જ્યોતિ

yes માયાબેન , અમે પણ તમારા good news  ની   રાહ જોઈએ છીએ  

માયા

એ સમાચાર હું તો તમને તરત જ આપીશ . ખાનગી નહી રાખું

અનંતરાય વિદ્યાપતિજી

 સરકાર… આપણું કુટુંબ તો નજર લાગી જાય એવું છે નહીં…? ખરેખર બહુ આનંદ થાય છે મને, તમને બધાને આમ.ખૂશ  જોઈને..દિકરા અમર,.. માયા બેટા… જ્યોતિ વહુ… ભઈ હવે અમારા જીવનનાટકનો  આ…. અંતિમ અંક ભજવાઈ રહ્યો છે..હું રીટાયર થયો છું, અને

જવાબદારીઓ  મારે.હવે બધી સંકેલી લેવી છે.  જીવનમાં કૈંક તડકા છાયા જોયા પણ હવે લીલીવાડી જોવાના દિવસો આવ્યા છે… લીલીવાડી… આ તમારો બાપ દીકરા… અનંતરાય વિદ્યાપતિ… કોઈ કરોડોપતિ નથી… તમે જાણો છો… મારી પાસે કોઇ દલ્લો નથી… પણ છે… મારી પાસે વહાલનો વૈભવ છે… સ્નેહનો ખજાનો છે.. મારી પાસે… આહ… તમે

  આદર્શ સંતાનોનો પાઠ બરાબર ભજવો છો —- પણ આજે મારે એક  આદર્શ પિતાના પાત્રને ન્યાય આપવાનો છે.

અમર

પપ્પા શું બોલો છો…? 

અનંતરાય વિદ્યાપતિજી

અરે ભઈ તું વચ્ચે નહીં બોલ ને… આ બધું ગોખેલું છે હું ભુલી જઈશ… ચુપ રે… હા … એટલે સૌથી પહેલા તો મુદ્દો એ કે મેં અને સરકારે વર્ષો પહેલા બેંકમાં  જોઇન્ટ એકાઉન્ટ  ખોલ્યો  હતો …. સમજ્યા..? … . હા… તે એમાં કેટલા રૂપિયા   જમા થયા છે…સરકાર…?

મંગળા (સરકાર)

પંચ્યાશી હજાર રૂપિયા….

અનંતરાય વિદ્યાપતિજી

પંચ્યાશી હજાર રૂપિયા છે —–બેટા માયા એ પંચ્યાશી હજાર રૂપિયા તારા…

માયા

મમ્મી આ શું?  પણ પપ્પા મને કોઇ જરૂર નથી…

અનંતરાય વિદ્યાપતિજી

અરે પણ તો દીકરા હવે અમને પણ ક્યાં એની જરૂર છે? હેં?

માયા

પણ પપ્પા…

અનંતરાય વિદ્યાપતિજી

ચાલો બસ તારો સીન પૂરો થયો હવે ચુપચાપ બેસી જા બાજુમાં…  દીકરા અમર તને શું આપું ભઈલા બોલ?

અમર

તમારા આશિર્વાદ પપ્પા–…

અનંતરાય વિદ્યાપતિજી..

 આહા… (જ્યોતિ તરફ જઈને તેને કહેતાં.)  જોયું  આને તાળીઓનો ડાયલોગ કહેવાય હાં… નાટકમાં આજ્ઞાંકિત છોકરો આવો સંવાદ બોલે એટલે લોકો જોરદાર  તાળીઓ. પાડે  હા હા હા..   અરે બેટા.. અમારા આશિર્વાદ તો હમેશા તારી સાથે ને સાથે જ છે. પણ આવતીકાલથી  આ ઘર તારું…

અમર

અરે પણ પપ્પા… આપણે બધા સાથે જ તો રહીએ છીએ 

અનંતરાય વિદ્યાપતિજી

રહીશું… સાથે જ રહેવાના છીએ… પણ હવે ઓફિશિયલી આ ઘર તારું.. મેં સોસાયટીમાં અરજી મોકલાવી દીધી છે… સમજ્યો? તારા નામની એક તક્તી બનાવ.,  કાલથી દરવાજા   ઉપર તારું નામ લાગી જશે… જ્યોતિવહુ… તમે રહી ગયા કાં…? હવે તમને,  સરકાર…

મંગળા (સરકાર)

હં…

અનંતરાય વિદ્યાપતિજી

યોર ડિપાર્ટમેંટ … યોર ડિપાર્ટમેન્ટ…

મંગળા (સરકાર)

જ્યોતિબેટા… મારી પાસે થોડાક દાગીના છે એ આજથી તારા… ગમે તો રાખજે નહિતો ભંગાવીને નવી ડિઝાઈન કરાવજે હં..? 

જ્યોતિ  

ના મમ્મીજી, હું નહીં લઉં…

અનંતરાય વિદ્યાપતિજી

ચાલો… આને કહેવાય કહાનીમેં ટ્વિસ્ટ… વહુને વાંકું પડ્યું…

 

જ્યોતિ

એવું નથી પણ લગ્નમાં જે સેટ આપ્યો હતો એ તો છે મારી પાસે…

મંગળા (સરકાર)

મારે હવે દાગીનાની જરૂર નથી  તું તારે રાખને તારી પાસે.

અનંતરાય વિદ્યાપતિજી 

હાશ,.. ચાલો પતી ગયું…  

માયા

પણ પપ્પા તમારું શું?

અનંતરાય વિદ્યાપતિજી

મારું શું દીકરા…? અમારું જે કાંઈ પણ હતું તે આજથી તમારું થયું એટલે અમે ડોસાડોસી પણ હવે તમારા… સમજ્યા ને? તમે અમારી મૂડી ને તમે અમારું વ્યાજ… ખાશુંપીશું ને કરશું રાજ… તાતા  થૈયા થૈયા  થૈ…..   

મંગળા (સરકાર)

અમર, માયા… બેટા અમારી સાચી મૂડી તો તમે જ છો બેટા… એનાથી વધારે અમારે શું જોઇએ  હં…??

અનંતરાય વિદ્યાપતિજી

અરે આ જોઇએ તે પરથી મને ઠીક યાદ આવ્યું સરકાર… ભઈ તમારા માટે પણ હું એક નાનકડી ગિફ્ટ લાવ્યો છું….

 અમર, માયા અને જ્યોતિ   

શું લાવ્યા છો બતાવો… મને બતાવો… (અમર, માયા અને જ્યોતિ )

અનંતરાય વિદ્યાપતિજી

ચુપ…! અલ્યા પણ તૂટી જ પડ્યા બધા બતાડો… બતાડો… બતાડો… ખાનગી છે જાવ… અરે ભાઈ… હવે છોકરાઓ અંદર જાવ અમને હીરો હીરોઈનને જરા ગોષ્ટી કરવા દો… ચાલો બધા ભાગો ભાગો… .

અમર અને માયા

આહા… નોટી… નોટી…

અનંતરાય વિદ્યાપતિજી 

નોટી નોટી…. આ તો છે  મારી કાયદેસરની સરકાર એમાં નોટી શું…?

મંગળા (સરકાર)

શું તમે હવે વેવલાવેડા કરો છો? 

અનંતરાય વિદ્યાપતિજી

અરે સરકાર… નાનકડી ભેટ લાવ્યો છું… જરા આંખ બંધ કરી દો જોઉં…

મંગળા (સરકાર)

એમાં આંખ બંધ કરવાનો ક્યાં સવાલ ઊભો થાય છે?  આમેય મને ઝાઝું દેખાતું નથી…

અનંતરાય વિદ્યાપતિજી

અરે ભઈ આ તો કૌતુક છે કૌતુક છે 

મંગળા (સરકાર)

એમ…? સારું લ્યો બંધ કરી દઉં… 

અનંતરાય વિદ્યાપતિજી

બરાબર..?

મંગળા (સરકાર)

હા…

અનંતરાય વિદ્યાપતિજી

હવે જો ઊભા રહેજો હોં…?

મંગળા (સરકાર)

હા…

અનંતરાય વિદ્યાપતિજી

એ…(ખિસ્સામાંથી હાર કાઢીને સરકારના ગળમાં પહેરાવતા) ખોલો… 

મંગળા (સરકાર)

ઓ મા… આવો… આવો સરસ હાર…? મારે માટે…?

અનંતરાય વિદ્યાપતિજી

ના તારે માટે નથી … બાજુવાળી રંભાડોશી માટે છે… 

 મંગળા (સરકાર)

શું તમેય પણ…?

અનંતરાય વિદ્યાપતિજી

અલી પણ તું કેવું પૂછે કે… તારે માટે નહીં તો… કેટલા પ્રેમથી   

 

મંગળા (સરકાર)

પણ રાયજી આ તો કેટલો મોંઘો હશે…? 

 

અનંતરાય વિદ્યાપતિજી

હવે ઠીક જ છે… એમાં કાંઈ… હવે જો મારે કંઈક ઓલા સી ડીમાં પૈસા હતા ને તે પૈસામાંથી તારે માટે હાર ખરીદ્યો…. ગમ્યો?

મંગળા (સરકાર)

હા… સાચું કહું રાયજી…. મારા સાચા હાર તો તમે જ છો…

અનંતરાય વિદ્યાપતિજી

ઓહો હો હો… તારો સાચો હાર હું છું સાચે? તો હવે આ હારને પણ જરા તારા ગળે લગાડ.

મંગળા (સરકાર)

અરે શું તમે ય રેવા દો હવે આ ઉંમરે આવું બધું…  

અનંતરાય વિદ્યાપતિજી

ડોસી સરકી ગઈ…  સાવ મુંજી જ છે કોઈ જાતની રસિકતા જ નથી…

મંગળા (સરકાર)

હા હા…. રહેવા દો રહેવા દો…

અનંતરાય વિદ્યાપતિજી

સરકાર…. આજે ખરેખર આનન્દ થાય છે… સંતોષ છે બસ… બધું વહેંચી સાટીને મોકળા થઈ ગયા… અને આ બધું એટલે પતાવ્યું આજે કે ભવિષ્યમાં મારા ગયા પછી તારે માથે કોઇ ચિંતા નહીં…

મંગળા (સરકાર)

રહેવા દો રહેવા દો હોં… તમે મને મુકીને ક્યાંય જવાના નથી…હા…

અનંતરાય વિદ્યાપતિજી

ખાંડ  ખાય છે તું   ક્યાય જવાના નથી?    જો …. હમણાં જ  જાઉં છું…. હા 

મંગળા (સરકાર)

ક્યાં…?

અનંતરાય વિદ્યાપતિજી

આજે મને ઇંવીટેશન છે કોકટેલ પાર્ટીનું….

 

 

મંગળા (સરકાર)

હેં..?

અનંતરાય વિદ્યાપતિજી

કોકટેલ એટલે દારુની પાર્ટી… આજે છ સાત પેગ લગાવવાનો છું… ના નહીં પાડતી… 

મંગળા (સરકાર)

અરે…

અનંતરાય વિદ્યાપતિજી

અરે… જિન્દગીના રસને પીવામાં કરો જલ્દી મરીઝ

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે…

મંગળા (સરકાર)

હવે દારુને મુકો બાજુએ અને દવા પી લો… ડોક્ટરે શું કહ્યં હતું યાદ છે ને? 

 અનંતરાય વિદ્યાપતિજી

ચુપ કર… તારા ડૉક્ટરને નાખ ખાડામાં…  

મંગળા (સરકાર)

હેં…ડોક્ટરે તમને  નીયમીત  દવા  લેવાનું  કહ્યું છે 

અનંતરાય વિદ્યાપતિજી

ડૉક્ટરની વાત જ નહીં કરતી મારી પાસે…

મંગળા (સરકાર)

કેમ …?

અનંતરાય વિદ્યાપતિજી

આ દુનિયામાં બુઢ્ઢા ડોક્ટરો કરતા બુઢ્ઢા દારુડિયાઓ વધારે જીવે છે.  (બન્ને ખડખડાટ હસતા…. ) અને સાંભળ… તારે પીવડાવવી હોય ને તો દવાને બદલે એકાદ કડક ચા પીવડાવ… ભાઈ… 

મંગળા (સરકાર)

હા સારુ… લાવી લાવી…

અનંતરાય વિદ્યાપતિજી

એય દિલબર

મંગળા (સરકાર)

હં…

અનંતરાય વિદ્યાપતિજી

હં… ડોસી પાછી દિલબર સાંભળીને સાચે જ  રોકાઈ ગઈ…. એય દિલબર… હમ ચાહતે હૈ તુઝે તેરી ચાહ કે લીયે … દો કપ જલ્દી સે બના લા,  એક તેરે લિયે એક મેરે લિયે…  (બન્નેતાળી દઈને હસે છે… મંગળા ચા બનાવવા જાય છે)  જા ચા લઈ આવ ચા… (કંઈક ગણગણતા…) (દ્રશ્ય પૂરુ )

                                                     ACT-1   Scene-3  

   

. થોડા વર્ષો પછીનું દ્રશ્ય…  એ જ બેઠકરૂમ..અનંતરાય વિદ્યાપતિ લાકડી સાથે અકળાતા અકળાતા આમતેમ ચાલી રહ્યા છે )

અનંતરાય વિદ્યાપતિજી

અરે ચા ક્યાં છે…? અરે… (ઉધરસ ખાતા ખાતા) કહું છું મારી ચા ક્યાં છે…? (સોફા પર બેસે છે.) અરે ઘરમાં કોઈ જીવે છે કે બધા મરી ગયા…? ચા લઈ આવો…

મંગળા (સરકાર)

રાયજી… રાયજી…

અનંતરાય વિદ્યાપતિજી

હા—-, ચા ક્યાં છે ?

મંગળા (સરકાર)

તમને ચા હમણાં જ તો આપી…

અનંતરાય વિદ્યાપતિજી

ક્યારે આપી?

મંગળા (સરકાર)

આ શું રહી…?  આ જુઓ… આ આ જુઓ આ કપરકાબી.

..

અનંતરાય વિદ્યાપતિજી

માફ કરજો સરકાર મને માફ કરજો… સરકાર મારું મગજ હવે બહેર મારી ગયું છે..સાચ્ચે જ

બહેર મારિ ગયું છે. આહ.. ચિત્તભ્રમ જેવું થઈ ગયું છે મને… ઘડી પહેલાની વાત ભૂલી જાઉં છું અને ભૂતકાળ કેમે કર્યો ભૂલાતો નથી સરકાર… તમે માનશો… સરકાર… હમણાં હમણાં અહીંયા આ અહીંયાં આંખો બન્ધ કરીને બેઠો’તો ને ભૂતકાળના બધા જ દ્રશ્યો મારી નજર સામે આમ જીવંત બનીને ઊભા’તા… મારા મારા સન્માનનો એ દિવસ … લોકોની તાળીઓનો એ ગડગડાટ… આપણું હસતું રમતું , કિલ્લોલ કરતું ઘર….  એ  બધું ક્યાં ગયું સરકાર ક્યાં ગયું…?

મંગળા (સરકાર)

રાયજી… તમારા સન્માન સમારોહને તો બાર વર્ષ વીતી ગયા… બાર વર્ષ …

અનંતરાય વિદ્યાપતિજી

આહા હા… બાર વર્ષ… આહ… બરાબર છે બાર વર્ષ વીતી ગયા… સરકાર… માણસ જ્યારે ભૂતકાળને વાગોળ્યા કરે ને ભવિષ્યના ભયથી ફફડ્યા કરે એનું જ નામ ઘડપણ

મંગળા (સરકાર)

અરે રાયજી… મેં તમને હજાર વાર કહ્યું છે ને કે મોટેથી ના બોલો,… જ્યોતિવહુને ગમતું નથી…

અનંતરાય વિદ્યાપતિજી

અરે તમારી જ્યોતિવહુને તો હું જ ગમતો નથી…

મંગળા (સરકાર)

જો જો પાછું શરુ નહીં કરતા હોં…

અનંતરાય વિદ્યાપતિજી

અરે આ બાર વર્ષમાં બધું બદલાઈ ગયું હેં… બધું બદલાઈ ગયું. હું  એમ પૂછું કે આ  બાર  વર્ષ્ માં  બધું બદલાઈ ગયું પણ તમારી જ્યોતિવહુનો સ્વભાવ કેમ નથી બદલાતો…?

મંગળા (સરકાર)

હશે… છોકરું છે બિચારી…

અનંતરાય વિદ્યાપતિજી

હવે  શું છોકરુ  છોકરું કર્યા કરો છો… બસ છાવરવાના પ્રયત્નો કરો છો પણ આજે એમની દીકરી રિંકુ આજે નવ વર્ષની થઈ…. પણ જ્યોતિમાં છે  કોઈ જવાબદારીનો છાંટો સુધ્ધા..? સવાર પડી નથી ને ટાપટીપ કરીને ઘરની બહાર ઉપડી… આ ગામમાં જઈને સોશિયલ વર્ક કરે છે પણ એને કહો ને ભાઈ તું ઘરમાં સોશિયલ વર્ક કર આ ઘરમાં જરૂર છે…

મંગળા (સરકાર)

બસ બસ રાયજી બસ… તમને કેટલી વાર કહું કેઓછું  બોલો….ઓછું  બોલો…. પણ તમે તો  બસ મારું સાંભળતા જ નથી….

 

 

અનંતરાય વિદ્યાપતિજી

તમારી વાત બરાબર છે… ભૂલી જાઉં છું… બોલ્યા વગર રહી નથી શકતો… નાટકીયો છું ને… બોલ્યા વગર મને ચેન નથી પડતું… હશે… અરે… એક જમાનો હતો જ્યારે આ જ ઘરમાં પડ્યો બોલ ઝીલાતો’તો… અને આજે આ જ ઘરમાં બોલુ  તો માથે પસ્તાળ પડે છે. હંહ…  એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી…  એકસરખા દિવસ સુખના કોઇના જાતા નથી…

મંગળા (સરકાર)

કહું છું…

અનંતરાય વિદ્યાપતિજી

હા…

મંગળા (સરકાર)

હું મન્દિરે જઈને આવું છું રાયજી…

અનંતરાય વિદ્યાપતિજી

એ ભાઈ ઉભા ર્યો.. ઊભા ર્યો સરકાર… તમે હવે મને આ રાયજી કહેવાનું બધ કરો 

મંગળા (સરકાર)

હેં શું કામ… ?

અનંતરાય વિદ્યાપતિજી

અરે બસ આ રાયજી કહેવાનું બંધ કરો કહું છું ને…

આ નવો નોકર રાખ્યો છે.. એનું નામ છે રામજી… સવાર પડે ને જ્યોતિ બૂમો પાડે રામજી… રામજી… મને સંભળાય ઓછું એટલે હું દોડીને બહાર આવું… મને થાય રાયજી… રાયજી કરે છે… એમાં ગોટાળા થાય ને તમારી વહુનું મગજ પાછું ફટકે છે… આ બાર વરસમાં બાવન નોકરો બદલાયા… પણ હજી જ્યોતિનો સ્વભાવ નહીં… હું તો કહું આ મારે …….(પાછળ ફરે છે ત્યાં મંગળા(સરકાર) જતા રહ્યા છે… નિરાશ થઈને) ચાલો આ ઓડિયન્સમાં  એક જણ હતું એ પણ ગયું… હશે…(બાલ્કનીમાંથી) અરે… અરે…. સરકાર… એ સરકાર… એ આ કહું છું… મંદિરેથી આવો ત્યારે જરા દાબેલા ચણા લેતા આવજો મોઢામાં સ્વાદ લાગે … આહા…. આહ (ઉધરસ ખાતા).(નોકર દાખલ થાય  છે).. કેમ છો રામજીભાઈ…? રામચન્દ્રજી વન્દન કરું છું પ્રભુ વન્દન કરું છું….

રામજી

ખસો… ખસો… ખસી જાઓ…

અનંતરાય વિદ્યાપતિજી

અરે હા ભાઈ ખસી જાઉં ખસી જાઉં…   હં… કોણ જાણે … ચાલો ભાઈ હું શું…?

રામજી

હટો… આઘા ખસો… ખસી જાઓ

અનંતરાય વિદ્યાપતિજી

મારો સાળો એવો રુઆબ ઝાડે છે નોકર છે કે મારો માલિક છે એ જ સમજાતું નથી… બટકો કામ ઓછું કરે છે ને દોડાદોડી વધારે કરે છે…. એ ભાઈ રામજી…. રામપ્રસાદ,–   

રામજી

જૂઓ, તમે મને જૂદા જૂદા  દસ નામથી  બોલાવવશો  તો પણ હું બદલવાનો નથી..   

 અનંતરાય વિદ્યાપતિજી

જાણું છુ ભાઇ, પણ એ રામજીભાઇ, તે મારી તમાકુની ડબ્બી જોઈ છે ભાઈ….?  

રામજી

હા,

અનંતરાય  વિધયાપતિજી

 

   ક્યાં છે ભાઈ…?  

રામજી

એ ડબ્બી તો મેં નાખી દીધી    

અનંતરાય વિદ્યાપતિજી

શું? નાખી દીધી?   તે મારી એ ડબ્બી નાખી દીધી ?

રામજી

કેમ કે જ્યોતિભાભીએ તમને આ ઘરમાં તમાકુ ખાવાની  ના પાડી છે… એટલે મેં એ ડબ્બી નાખી દીધી. 

અનંતરાય વિદ્યાપતિજી   

તારી ભલી થાય હાળા તારું નામ રામજી નહીં હરામજી હોવું જોઈએ…

રામજી

શું…? 

 

 

 

અનંતરાય વિદ્યાપતિજી

કાંઈ નહીં… ભાઈ કાંઈ નહીં ઘાંટા એવા પાડે છે ને તું…… એ ભાઈ રામજી… મને જરા કહે જોઉં… તારી જ્યોતિભાભીએ બીજું શું કહ્યું છે તને? 

 

 

રામજી

એ જ કે ડોસો  બહુ કચકચ કરે છે ને એના પર વધારે ધ્યાન નહીં આપવાનું…

અનંતરાય વિદ્યાપતિજી

હા ડોસો  કચકચ કરે… ( છાપુ   વાંચીને આમતેમ  મૂકે છે )( રામજી  કામ  કરતા જૂએ છે )

રામજી

છાપુ સરખું  મૂકો . આ અમરભાઈ પણ વાંચીને  છાપુ આમતેમ મૂકે તો   જ્યોતીભાભીનૂં  મગજ  ફરે છે.

અનંતરાય વિદ્યાપતિજી

અરે એમનું  મગજ ક્યારે નથી ફરતુ એ કહે ને.  (વાત કરતા પગ  ટેબલ પર ચડાવે છે  )

 

અમર

 

નીચે નીચે પગ નીચે…આ ટેબલકલોથ  મેલો થાય છે સમજાતું નથી..?

અનંતરાય  વિધ્યાપતિજી

ટેબલકલોથ મેલો થાય એની ચિંતા છે માણસના મન મેલા ન થાય એનું ધ્યાન રાખો ભાઈ…. એ  એ રામજી… એ ભાઈ… ઓ બટકા આમ આવ આમ આવ… હું શું કહું છું… આ એકાદ કપ સરસ ચા બનાવ ને ભાઈ….

રામજી

નહીં મળે…

અનંતરાય વિદ્યાપતિજી

એ બહુ થયું હોં…. હવે હવે… મારું મગજ ફાટશે…

રામજી

જ્યોતિભાભીએ તમને આખા દિવસમાં બે કપથી વધારે ચા આપવાની ના પાડી છે.

 

 

અનંતરાય વિદ્યાપતિજી

ચા આપવાની ના પાડી છે….. પોતાના જ સામ્રાજ્યમાં વિદ્યાપતિ આજે ખંડીયો રાજા બની ગયો છે. લાચાર થઈ ગયો વિદ્યાપતિ … લાચાર…. આ ઘડપણ કેણે મોકલ્યું ભાઈ…. આ ઘડપણ કેણે મોકલ્યું….? દીકરા તો જુજવા થયા ને વહુઓ દે છે ગાળ, દીકરીને જમાઈ લઈ ગયા થયા જીવતરના બેહાલ…. આ ઘડપણ કેણે મોકલ્યું ભાઈ…. આ ઘડપણ કેણે મોકલ્યું…?

                                                 (નિસાસો નાખતા… ઘંટડી વાગે છે….)

એ મારી મારી રિંકુ નિશાળેથી આવી ગઈ…. ઓહો હો હો હો જગદંબા કેટલી ઘંટડીઓ વગાડે છે…. ઊભી રે ખોલું છું ખોલું છું બેટા… અરે ઊભી તો રે દીકરા… ઊભી રે…. 

રિંકુ

આહ આહ મમ્મા….

અનંતરાય વિદ્યાપતિજી

અરે… 

 રિંકુ

આહ… મા મરી ગઈ…. આહ….  આહ….

અનંતરાય વિદ્યાપતિજી

શું થયું…? દીકરા પડી ગઈ…? કાંઈ વાગ્યું…?

રિંકુ

આહ…

અનંતરાય વિદ્યાપતિજી

શું થયું…?

રિંકુ

આહ… આહ…

અનંતરાય વિદ્યાપતિજી

એ રામજી… શું થયું…? શું થયું છે દીકરા? પેટમાં દુખે પેટમાં…? 

રિંકુ

હા હા હા…. કેવા બનાવ્યા…?   

 

 

 

અનંતરાય વિદ્યાપતિજી

તારી ભલી થાય… લુચ્ચી… આવી એકટિંગ કરે છે..? દાદાનો જીવ ઉંચો થઇ ગયો બેટા…

રિંકુ

બનાવી દીધા ને તમને દાદાજી?

 

 

અનંતરાય વિદ્યાપતિજી

બની ગ્યો બની ગ્યો મારી માં…. આ મને  બનાવે એમાં શું …? આ તારી માં ને બનાવે તો ખરી કહું,,,

રિંકુ

એટલે… ?

અનંતરાય વિદ્યાપતિજી

એ કાંઈ નહીં કાંઈ નહીં…

રિંકુ

દાદાજી… દાદાજી… તમને ખબર છે આજે તો સ્કૂલમાં બહુ મજા પડી ગઈ…

અનંતરાય વિદ્યાપતિજી

મજા પડી ગઈ…? શું થયું…?  આજે તારા બધાં ક્લાસ  કેન્સલ થઈ ગયા ?

રિંકૂ

નો ગ્રાંડપા, આજે તો છે ને,   સ્કુલમાં ફંકશન હતું… એમાં મોટા  મિનિસ્ટર આવેલા

અનંતરાય વિદ્યાપતિજી

મોટા મિનિસ્ટર… મિનિસ્ટરો બધા મોટા જ હોય…

રિંકુ

તમે વચમાં નહીં બોલો…

અનંતરાય વિદ્યાપતિજી

હા..

રિંકુ

તો મારા ટીચરે મને ગીત ગાવાનું કહ્યું…?  

 

 

 અનંતરાય વિદ્યાપતિજી

કયું ગીત ગાવાનું કહ્યું..? મેરા  દીલને પુકારા…?

રિંકુ

ના ના  હવે… ગુજરાતી ગીત

અનંતરાય વિદ્યાપતિજી

હેં…? પછી   તે  કયું ગીત ગાયું ?

 

રિંકુ

તમે શીખવાડેલું ને…? 

 અનંતરાય વિદ્યાપતિજી

મેં કયું ગીત શીખવાડેલું… બેટા ? 

રિંકુ

તમે તો બધું ભૂલી જાવ છો યાર….    પેલું…

અનંતરાય વિદ્યાપતિજી 

કયું…? 

 

રિંકુ

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા….

અનંતરાય વિદ્યાપતિજી

અરે હા…દેશી નાટ્ક સમાજનું જૂનું,  મોતીબાઈનુ ગાયેલું એ ગીત તને  હજી યાદ છે.?

રિંકુ

હાસ્તો એક્ટિંગ સાથે…

અનંતરાય વિદ્યાપતિજી

એક્ટિંગસાથે..?

રિંકુ

હાસ્તો…

અનંતરાય વિદ્યાપતિજી

તેં કરીને દેખાડ્યું બધાને ?  (રિંકુ હા પાડે છે…) તે મને નહીં દેખાડે…?

રિંકુ

ના બાબા ના…

અનંતરાય વિદ્યાપતિજી

કેમ?

 

રિંકુ

મમ્મીને નથી ગમતું…

 

અનંતરાય વિદ્યાપતિજી

હવે મમ્મીને માર ગોલી…

રિંકુ

એટલે..?

અનંતરાય વિદ્યાપતિજી

અરે એટલે કે તારી મમ્મી ઘરમાં નથી સમજી…?  જો બેટા આપણે ગમ્મત કરીએ… તું અને હું બન્ને એકલા છીએ… હાં.. તું મને ગીત ગાઈને બતાવ એક્ટિંગ સાથે હં… મજા પડશે….

રિંકુ

હા ચાલો…

અનંતરાય વિદ્યાપતિજી

અરે મોતીબાઈના દિવસો … ઊભી રે આપણે એમ નહીં હં… એ પહેલા તને ઓઢણી ઓઢાડી દઉં… (સુકવેલી ઓઢણે લેતા…) આ સારુ થયું… આ જરા ભીની છે હોં પણ જરા સારુ લાગે ઓઢણી ઓઢીને ,… આહા આ લે … મીઠા લાગ્યા તે… એ…. હા અને આ બરાબર..?  લે હવે જરા મેકઅપ કરવો પડે… કામ કરો ને  બધું વ્યવસ્થિત કરાય…. ઊભી રે જે જરા… લાલી લિપસ્ટિક લગાડવા પડે… આ જો લે મળી ગ્યું…  આહા ક્યાંથી ખુલે છે ભાઈ…? આ રહ્યું…. ઉભી રે જે મને એ…. હા… (લિપસ્ટિક લગાડતા….) અને જરા… આહા…(હસતા…)  હા હા હા  હવે બરબર એક્ટિંગ કરીને બતાડવાનું…. ચાલ શરું કર જોઉં… ચાલ…

રિંકુ

મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા…. મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા… જોતી’તી વાલાની વાટ રે… (સાથે સાથે તાળી પાડતા પાડતા…. ) જોતી’તી વાલાની વાટ રે…. અલબેલા કાજે ઉજાગરા….. (બન્ને તાળી પાડીને ગાય છે…. અનંતરાય સાથે ગાય છે….) 

અનંતરાય વિદ્યાપતિજી

અરે વાહ…. કેટલું મજાનું ગાય છે બેટા,  બહુ મજા પડી —- (ઉધરસ ખાતા ….)

રિંકુ

તમને ખબર છે…? 

અનંતરાય વિદ્યાપતિજી

શું ?

 

 

 

રિંકુ

પેલા મિનિસ્ટર ગીત સાંભળીને ખુશ ખુશ થઈ ગયા… મને ઉંચકી લીધી અને મને પુછ્યું… તારું નામ  શું છે…?

અનંતરાય વિદ્યાપતિજી

હા,….

રિંકુ

તો મેં કહ્યું…. My name is Rinku  Amarkumar Dave . પછી મને પૂછ્યું… આ ચીન નાટકનું ગીત તને કોણે શીખવાડ્યું…?

અનંતરાય વિદ્યાપતિજી

ચીન નાટક …?

 

રિંકુ

હા…

અનંતરાય વિધ્યાપતી

ચીન  નાટક…? અરે પ્રાચીન કહ્યું હશે

રિંકુ

હા હા  એમ  જ ….

અનંતરાય વિદ્યાપતિજી

આહા .. ..? આ બહુ જૂના નાટકનું  ગીત હતું ને એટલે

તમે અંગ્રેજી  મિડિયમના છોકરાઓ ચીન ને પ્રાચીન ને બધું….  (રિંકુ હસતા) પછી….?

 

 

 

 

 

 

 

રિંકુ

કહું..? મેં કહ્યું મારા દાદા એક જમાનામાં બહુ મોટા એકટર હતા….અનંતરાય વિદ્યાપતિ…. નામ સાંભળીને એ તો મને ભેટી પડ્યા…. મને કહ્યું તારા દાદા તો બહુ ગ્રેટ માણસ છે… એમને તો મોટો એવૉર્ડ પણ મળવાનો છે….

હા હા એ જ એજ  ને પછી મને આ ફૂલ આપ્યું… ને કહ્યું તારા દાદાને આપજે… 

અનંતરાય વિદ્યાપતિજી

સરસ…

રિંકુ

અને આ લો કેડબરી…

અનંતરાય વિદ્યાપતિજી

કેડબરી…? એ મિનિસ્ટરે કેડબરીય આપી…?

રિંકુ

ના ના આતો હું મારા પોકેટમનીમાંથી લાવી છું… ખાસ તમારા માટે… તમને બહુ ભાવે છે ને…? અને મને ખબર છે એટલા માટે તો મેં બપોરે ફ્રુટી પણ ન પીધી….

અનંતરાય વિદ્યાપતિજી

 (કેડબરીની સામે જોઈ રહે છે… રિંકુને વહાલ કરતા…) બેટા, મારી દીકરી… તારા દાદાને આટલો બધો પ્રેમ શું કામ કરે છે…? દીકરી મારી… તારા પ્રેમનું એક ટીપું ભળી ગયું તેથી જિન્દગીની બધી કડવાશ મેં પી લીધી…. (વહાલ કરતા) આ લે કેડબરી તું જ રાખ તું ખાજે તું જ ખાજે… તું ખાઈશ એટલે આવી ગયું…

રિંકુ

દાદાજી હવે તમારો વારો…

અનંતરાય વિદ્યાપતિજી

હં…? શું કરવાનું મારે…?

રિંકુ

તમે મને પેલું છુક છુક ગાડીવાળું ગીત સંભળાવો ને… 

 

 

અનંતરાય વિદ્યાપતિજી

જબરી લુચ્ચી… એક કેડબરી આપીને તરત પછી ફરમાઈશ મુકી દીધી… છુક છુક ગાડીનું ગીત સંભળાવો…પણ ચાલ, તારા માટે તો તારા દાદા તૂં કહીશ  તે બધું  કરશે.. ચાલો તૈયાર થઈ જાવ હોં…? શરુ થાય છે એન્જિન… ડબ્બો જોડાઈ ગ્યો…? બરાબર ટાઈટ પકડજે હોં…?

રિંકુ

હા….

અનંતરાય વિદ્યાપતિજી

બહુ એક્સપ્રેસ ટ્રેન છે…   એક્સપ્રેસ…. શરું કરું…?

રિંકુ

ચાલો….

અનંતરાય વિદ્યાપતિજી

હા એક મિનિટ,… (હાથ ને મોં આગળ રાખીને એંજિનનો છુક છુક અવાજ કરતા….) છુક છુક કરતી…. ગાડી આવી છુકછુક કરતી ગાડી આવી…. મનગમતા માણસને લાવી…. (તાળી પાડતા) માણસ મારો એવો દુલારો ઝગમગતો આકાશનો તારો…. આકાશમાંથી વરસે પાણી…. તું દાદાની દીકરી શાણી… ને દીકરી તારો લાવ ને હાથ… આપણો જીવન ભરનો સાથ…(રિંકુના હાથમાં તાળી દેતા…. રિંકુ હાથ લઈને તાળી ચૂકવી દે છે…) અરે તારી ભલી થાય…

રિંકુ

ડિંગો…. ડિંગો….

અનંતરાય વિદ્યાપતિજી

લુચ્ચી… લબાડ…. ડિંગો બતાવે છે દાદાને…

રિંકુ

પકડો મને….

અનંતરાય વિદ્યાપતિજી

ઉભી રે ઉભી રે…

રિંકુ

પકડો પકડો…. મને … પકડો… મને…

 

 

અનંતરાય વિદ્યાપતિજી

લુચ્ચી..  મારા આ પગે તરી જેમ દોડી નથી શકવાનો,  ઊભી રહે તું..

જ્યોતિ

જ્યોતિ આવે છે… જોરથી બુમ પાડતા કહે છે…. સ્ટોપ ઇટ— What is this nonsense    

આ બધું શું ચાલી રહ્યું છે…? આ તે મારુ ઘર છે કે તરગાળાનો ઓટલો…?ઘરમાં આમ દો]ડાદોડી  કરો છો તે પડશો તો  કોણ  ધ્યાન રાખશે તમારું ?   (રિંકુ તરફ ફરીને…)  અને આ આ શું ? આ શું વેશ માંડ્યા છે તેં… હેં….?  આ ઓઢણી… આ લિપસ્ટિક મોઢુ લુછ તારું… નાચણિયા બનવું છે તારે?… (અનંતરાય તરફ ફરીને…) તમને મેં હજાર વાર કહ્યું છે કે મારી દીકરીને આ રીતે તમે….

રિંકુ

મમ્મી… આમાં દાદાજીનો કોઈ વાંક નથી…

જ્યોતિ

શટઅપ… આમની સાથે રહીને તું પણ નફ્ફટ થઈ ગઈ છે….આખો દિવસ ધમાચકડી… (અનંતરાય તરફ ફરીને…) તમે એને સારુ ન શીખવી શકો તો કાંઈ નહીં… બગાડો છો શું કામ…? (રીન્કુ તરફ) તને મેં હજારવાર ના પાડી છે ને આમની પાસે જવાની… ? તોય તું ગઈ…?

અનંતરાય વિદ્યાપતિ

ના પાડી છે…?     જ્યોતિવહુ, તમે મારી રિંકુને મારી પાસે આવવાની ના પાડી દીધી…?

જ્યોતિ

હા…

અનંતરાય વિદ્યાપતિજી

પણ શું કામ…?

જ્યોતિ

હું નથી ઈચ્છતી કે એનામાં પણ  ભવાયાના સંસ્કાર આવે…  (રિંકુને) બીજી વાર આમની પાસે ગઈ છે ને તો ટાંટિયો તોડી નાખીશ તારો….  ચાલ અંદર ચાલ….

અનંતરાય વિદ્યાપતિજી

એક મિનિટ.. મિનિટ… ઊભા રો ઊભા રો જ્યોતિવહુ… મારે જાણવું છે કે તમારા મનમાં છે શું…? 

જ્યોતિ

મારા મનની પડી છે જ કોને આ ઘરમાં…? સૌ પોતપોતાની રીતે વર્તે છે… હું તો જાણે ભાજીમૂળો છું….

અનંતરાય વિદ્યાપતિજી

અરે પણ. તમે શું ઇચ્છો છો…?

જ્યોતિ

મારી ઇચ્છા પ્રમાણે કાંઈ થાય છે  આ ઘરમાં…? સાસુજીની મરજી  પ્રમાણે રસોડું ચાલે અને સસરાજીની મુનસફી પ્રમાણે દિવાનખાનું… મારો કોઇ હક જ ક્યાં છે…?

અનંતરાય વિદ્યાપતિજી

અરે પણ હક ભોગવવો હોય તો પહેલા ફરજો પણ પૂરી કરતા શીખો વહુ… 

 

 

 

જ્યોતિ

એટલે…? તમે શું કહેવા શું માગો છો? હું મારી ફરજો પૂરી નથી પાડતી…? તો પછી આ ઘરના કામો કોણ કરે છે… મારો કાકો?  

અનંતરાય વિદ્યાપતિજી

કાકો…. મને ખબર નહીં કે રામજી તમારો કાકો થતો હશે…    (રિંકુ હસે છે…)

જ્યોતિ

હસવું આવે છે તને…? (કાન પકડીને ) હસ હસ… 

અનંતરાય વિદ્યાપતિજી

અરે રહેવા દો છોકરીને શું કામ મારો છો? ભાઈ રહેવા દો… 

જ્યોતિ

તમે રહેવા દો… હું બરાબર સમજુ  છું.  મારી પાસેથી મારી છોકરીને પણ છીનવી લેવા માંગો છો તમે… હવે તો મારી પાસે ફરકતી પણ નથી આ… 

અનંતરાય વિદ્યાપતિજી

ક્યાંથી ફરકે છોકરી તમારી પાસે… અરે તમે ઘરમાં હો તો તમારી પાસે આવે ને…? આહ…

જ્યોતિ

એટલે..? હું શું આખો દિવસ બહાર ભટક્યા કરું છું…?  બોલો ચુપ કેમ થઈ ગયા?  બોલો ને..  

રિંકુ

મમ્મી પનીશ કરવી હોય તો મને કર… પણ દાદાજીને કંઈ નહીં કે…

જ્યોતિ

ઓહો હો હો શું ભુરકી નાખી છે….? અંદર જા નહીંતો ટાંટિયો તોડી નાખીશ તારો…

રિંકુ

ના… હું તો દાદાજીની પાસે જ રહીશ… 

જ્યોતિ

સામે બોલે છે…? મારી સામે બોલે છે…?  ( મારતા મારતા અન્દર લઈ જાય છે )

અનંતરાય વિદ્યાપતિજી

અરે રહેવા દો… કહું છું ઓ જ્યોતિવહુ… છોકરીને શું કામ મારો છો… એનો વાંક નથી—- નહીં મારો છોકરીને… બેટા…. હાય… બંધ કરો આ ચિત્કાર…. 

 

રિંકુ

ઓહ… ઓહ… દાદાજી…. દાદાજી… 

અનંતરાય વિદ્યાપતિજી

બંધ કરો આ મારવાનું .. બંધ કરો મારાથી હવે આ સહન નથી થતું;…. હે ભગવાન… મારી આંખોનું તેજ તો ઓછું થઈ ગયું છે હવે આ આ શ્રવણશક્તિ પણ છીનવી લે આ રોજે રોજનો કકળાટ મારાથી સહન નથી થતો… નથી થતો… (ઉધરસ ખાતા…) 

હણી નાખ્યો…. હણી નાખ્યો… નાનકડા અભિમન્યુને એના જ સ્વજનોએ વિશ્વાસઘાત કરીને… હણી નાખ્યો… અરે ભિષ્મ પિતામહ જેવા ભિષ્મ પિતામહ પણ મૌન બનીને જોતા રહ્યા એ ખૂની ખેલ…  કારણ… દુર્યોધનનું અન્ન ખાધું હતું… આ અન્ન બડી જાલીમ ચીજ છે… અરે રોટલા માટે ઓશિયાળો બની ગયેલો આ વિદ્યાપતિ… આજે બની ગયો છે વીસમી સદીનો ભિષ્મ..   હું હથિયાર વગરનો લાચાર, નિરાધાર, ગુનેગાર નતમસ્તકે ઊભો છું તમારી સામેં .. અરે કોઈ છે…? કોઈ સાંભળે છે મારો આર્તનાદ

 દ્રશ્ય બદલાય છે    

                      ACT-1   Scene-4        અનંતરાય ગેલેરીમાં બેઠા છે સરકાર આવે છે

મંગળા (સરકાર)

રાયજી… રાયજી… 

અનંતરાય વિદ્યાપતિજી

હં…

મંગળા (સરકાર)

આમ સંધ્યાકાળે અંધારામાં કેમ બેઠા છો? લાઈટ તો કરો…

અનંતરાય વિદ્યાપતિજી

રહેવા દો સરકાર… અંધારું જ રહેવા દો… વાસ્તવિકતાના ઉજાસ કરતા આ અંધકાર જ મને વધારે સારો છે…

મંગળા (સરકાર)

શું છે…? કાંઈ થયું…? 

અનંતરાય વિદ્યાપતિજી

કાંઈ નથી થયું….  

 

 

મંગળા (સરકાર)

રાયજી હું તમારા માટે દાબેલા ચણા લેતી આવી છું…

અનંતરાય વિદ્યાપતિજી

હા…  

મંગળા (સરકાર)

આ લો..

અનંતરાય વિદ્યાપતિજી

લાવ 

મંગળા (સરકાર)

આ શું…?

અનંતરાય વિદ્યાપતિજી

શું…?

મંગળા (સરકાર)

તમારી આંખ કેમ સુજેલી છે…? શું થયું… ? 

અનંતરાય વિદ્યાપતિજી

અરે ભઈ કાંઈ નથી થયું… તું લપ મૂક ને ભઈસાબ

 

મંગળા (સરકાર)

આમ વાત કેમ ઉડાવો છો…?

અનંતરાય વિદ્યાપતિજી

કારણ કે હવે ઉડાવવા માટે આપણી પાસે બીજું બાકી ય શું રહ્યું છે…? સરકાર… સંબંધોની અમીરી વધે એ ખાતર આપણ બન્ને એ ફકીરી સ્વીકારી… શું મળ્યું અપણને છેવટે… હાથમાં શું આવ્યું…? કશું નહીં…  

મંગળા (સરકાર)

રાયજી….

અનંતરાય વિદ્યાપતિજી

કશું નહીં….

મંગળા (સરકાર)

જ્યોતિ સાથે બોલાચાલી થઈ…? 

 

અનંતરાય વિદ્યાપતિજી

હં… હં… બોલવાના દિવસો હવે પૂરા થયા સ્રકાર… હવે તો સાંભળવાના દિવસો છે… એ પૂરા થાય એટલે છૂટીએ બસ…

મંગળા (સરકાર)

અરે આમ કેમ બોલો છો? હું છું ને તમારી સાથે…

અનંતરાય વિદ્યાપતિજી

સરકાર … તમારા સહારે તો જીવી રહ્યો છું…

મંગળા (સરકાર)

હા… તમે બેસો રાયજી…. હું તમારે માટે ચા બનાવીને લઈ આવું…

અનંતરાય વિદ્યાપતિજી

રહેવા દો… આ ઘરમાં બે કપથી વધારે ચા પીવાની મને મનાઈ છે… સરકાર… કેવી અવસ્થા છે નહીં આ…? આ ઘડપણ સાલું માણસને લાચાર બનાવી મૂકે છે લાચાર… નથી આપણે પાછા વળીને જુવાન થઈ શકતા… કે નથી આગળ વધીને મોતને ભેટી શકતા… પરવશ બનીને જીવ્યા કરવાનું… 

 

 

 

 

મંગળા (સરકાર)

બસ… બસ… તમે શાંત થઈ જાવ હોં… મારે કંઈ સાંભળવું નથી…. હું તમારે માટે ચા બનાવી લઈ આવું છું… હમણાં ચા બનાવી ને… (પાછળૅથી જ્યોતિ અને અમર આવે છે) અરે જ્યોતિ બેટા… આવી ગઈ તું.,,? અરે અમર બેટા આજે તું વહેલો આવી ગયો બેટા…

અમર

હા આવવું પડ્યું… પપ્પા, મારે તમારી સાથે અગત્યની વાત કરવી છે. 

અનંતરાય વિદ્યાપતિજી

અરે દીકરા મારા, તું અમારી સાથે વાત કરે એ જ અગત્યનું છે દીકરા…   આજે કેટલા દીવસે તને જોયો બેટા… આ મા-બાપ ઘરમાં રહે છે એ તો સમજ્યા પણ જીવે છે એટલું તો યાદ છે ને…?           

મંગળા (સરકાર)

તમે પણ શું… બિચારો કામમાં રોકાયેલો હશે… બેસ બેટા… બેસ.. હું ચા બનાવતી હતી… તમારા માટે પણ બનાવું બેટા…

 

 

જ્યોતિ

ના અમે ડીનર માટે બહાર જવાના છીએ… 

અમર

પપ્પા મારે તમારા વિશે વાત કરવી છે…

અનંતરાય વિદ્યાપતિજી

મારા વિશે…? 

અમર

હા આજે ફેસલો કરવો છે… 

અનંતરાય વિદ્યાપતિજી

ફેસલો…? ઓહો… અચ્છા એટલે મારે માટે અદાલત ભરાઈ છે… વાહ સરકાર આવો બેસી જાવ અહીં. આ બચાવ પક્ષ છે બેસો… બોલો સાહેબ…

અમર

મારે ફક્ત એટલું જ કહેવું છે કે માણસની સહનશક્તિની પણ એક હદ હોય છે…

અનંતરાય વિદ્યાપતિજી

એટલે કોની? તારી બૈરીની…? કારણ કે આ ઘરમાં માણસ તો ફક્ત એક જ છે ને….

 

અમર

આ બધું બોલતા મને કેટલી તકલીફ થાય છે એની કલ્પના  નહીં હોય તમને પણ …  

અનંતરાય વિદ્યાપતિજી

એ ભાઈ મને બધી જ કલ્પના છે તું તારે બોલ ને…   

જ્યોતિ

તું સીધે સીધું કહી કેમ નથી દેતો…? તમારું મિસબીહેવીયર અમારા ઘરમાં નહીં ચાલે…   

અનંતરાય વિદ્યાપતિજી

 (ગુસ્સ્સામાં એકદમ ઊભા થઈને જ્યોતિને કહે છે) તમારું ઘર?    

મંગળા (સરકાર)

હા… હા… ઘર તો વહુનું જ કહેવાય ને? આપણે તો એમને સોંપી દીધું છે

અમર

આઈ એમ. સોરી ટુ સે પપ્પા પણ તમે ઘરમાં બરાબર એડજસ્ટ થઈને નથી રહેતા…

 અનંતરાય વિદ્યાપતિજી

અરે ડોબા એડજેસ્ટ તો ફર્નિચર કરાય… ઘરના માણસો તો એકબીજાને હળે મળે.. 

મંગળા (સરકાર)

તમે ચુપ રહો ને પહેલા એનું પુરેપુરું સાંભળી તો લો…

અમર

હું અને જ્યોતિ તમને સાચવાના બધા જ પ્રયત્નો કરી છીએ. અમારો પણ સ્વતંત્ર સંસાર છે …We have our own private life. એ વાત ભૂલીને. ઘણી બધી વાર તમારું મન રાખવા અમારું મન મારીને રહી છીએ… પણ તમને એની કદર નથી….

અનંતરાય વિદ્યાપતિજી

શું કરું ભાઈ… કદરમાં હું શું કરું…? રોજ સવારે ઊઠીને તમને દંડવત પ્રણામ કરું..? પ્રમાણપત્ર લખી આપું… આખી સોસાયટીમાં જઈને કહું કે મારો દીકરો મારી વહુ અમારા માટે લાખ વાના કરે છે…. શું કરું….? 

જ્યોતિ

જુઓ ભાષા જુઓ એમની….

 

 

અનંતરાય વિદ્યાપતિજી

અરે ભાષા નહીં વહુ ભાષા પાછળનો ભાવ જુઓ…

 

અમર

જુઓ પપ્પા હું એમ નથી કહેતો કે  ભૂલ માત્ર તમારી છે… હા ક્યારેક અમારાથી પણ ભૂલ થઈ જતી હશે… પણ આજે સ્પષ્ટ શબ્દોમાં કહેવું પડે છે કે તમે તમારી મર્યાદા જાળવતા નથી. 

અનંતરાય વિદ્યાપતિજી

શાબાશ…. સાંભળ્યું તમે સરકાર…? આને કહેવાય કળિયુગ હવે સંતાનો મા-બાપને મર્યાદાના પાઠ શીખવાડશે….

મંગળા (સરકાર)

એવું નથી…. એ તો…

અનંતરાય વિદ્યાપતિજી

અરે એવું જ છે એવું જ છે… શું કામ તારી જાતને છેતર્યા કરે છે… એવું નથી… એવું નથી…. સરકાર કોઈકે સાચું જ કહ્યું છે કે તમારા સંતાનોને એમની યુવાનીમાં બરાબર શીખવાડજો જેથી તમારા ઘડપણમાં એ તમને ન  શીખવાડે..

જ્યોતિ

સાંભળી એમની અવળવાણી…? હું તો દિવસમાં સત્તરવાર સાંભળું છું….

અમર

જુઓ પપ્પા… મમ્મી…, હું સમજું છું કે વાંક તમારો નથી તમારી ઉંમરનો છે….  પણ તમારે સમજવું જોઈએ કે તમે હવે ઘરડા થયા છો… બાંધછોડ તમારે કરવાની હોય…. અમારે….

અનંતરાય વિદ્યાપતિજી

અરે બાંધછોડ એટલે અમે શું કરીએ…? અમે શું કરીએ તો….?   (ઉધરસ ખાતા)

મંગળા (સરકાર)

તમે બેસો રાયજી… શાંતિથી બેસો… હું પાણી લઈ આવું…

અમર

હું લાવું છું….

 

 

અનંતરાય વિદ્યાપતિજી

રહેવા દે છોકરા તારે કશું યે લાવવાના જરૂર નથી… આપણા આપવા લેવાના સંબંધો તો ક્યારનાય પૂરા થયા…. જાઓ તમે…

મંગળા (સરકાર)

હા…

જ્યોતિ

તમે ચાર જણાની હાજરીમાં એમ બતાવવા માંગો છો… કે દીકરો ને વહુ તમારા માટે કંઈ જ નથી કરતા કેમ ?  

અનંતરાય વિદ્યાપતિજી

ચાર જણાની હાજરી…. ચાર જણાની હાજરી તો ક્યારનીયે પૂરી થઈ… હવે તો હિસાબ રહ્યો છે બે જણાનો સરકાર…. બે જણાનો હિસાબ… (ઉધરસ ખાઈને પાણી પીતા)  આ પ્યાલો…. પ્યાલો પૂરો થાય ખાલી થઈ જાય એ પહેલા પી જવાની બધી ખટપટ ચાલી રહી છે… બટ માય ડીયર સન…. એ ગ્લાસ ઇઝ નોટ યુઝ્ફુલ… ધ એમ્પ્ટીનેસ ઓફ ગ્લાસ ઇઝ યુઝફુલ… અરે પાત્ર ખાલી હોય તો એમાં કશુંક ભરી શકાય એ જ રીતે તમારા હૃદયમાં જ્ગ્યા હોય તો અંદર પ્રેમ સીંચી શકાય… લાગણી…. (વાક્ય અધુરું છોડીને…)   જવા દો આ બધું તમારે માટે નકામું છે… જવા દો…

અમર

પપ્પા તમે  વાતને ખોટું સ્વરૂપ ન આપો… જો હું કંઈ મારી જવાબદારી ટાળવા નથી માંગતો…

અનંતરાય વિદ્યાપતિજી

ચાલો બસ ક્લોરોર્ફોર્મ બહુ થયું હવે ઓપરેશન પતાવો… કહી નાખ તારે જે કહેવું હોય તે કહી નાખ છોકરા….

જ્યોતિ

અમારે ફક્ત એટલું જ કહેવું છે  કે મા-બાપ તરીકે તમારો અધિકાર હશે પણ એનો મતલબ એ નથી કે અમારે આખી જિંદગી દબાઈને રહેવાનું….

મંગળા (સરકાર)

ના ના બેટા…. અમારા મનમાં એવું કાંઈ નથી…

 

 

જ્યોતિ

પણ મારા મનમાં છે ઘણું બધું છે.. તમે લોકો તો પરવારી ચૂક્યા છો… દીકરો વહુ હજી જુવાન છે… અમને પણ કંઈ હોંશ હોય, ઇચ્છાઓ હોય, અરમાનો હોય એનો વિચાર કર્યો છે તમે લોકોએ ક્યારેય…?

મંગળા (સરકાર)

અરે પણ બેટા… અમે તમારી કઈ ઇચ્છાને આડે આવ્યા હં…?

જ્યોતિ

અમને આ ઘરમાં સ્વતંત્રતા જેવું છે જ કયાં…? અમને પણ અમારી લાઈફ  હોય, કંઈ શોખ  હોય,  ફ્રેંડ સર્કલ હોય… તમારે કરણે ઘરે કોઈને ઇન્વાઈટ કરતા પણ અચકાઉં છું….

અમર  

અરે અમારી તો આજે શું લાઈફ થઇ ગયી છે ?  We cannot enjoy anything.— ઘરમાં પાર્ટી કરવી હોય તો દસ વખત વિચાર કરવો પડે છે. અને ગેસ્ટ આવે ત્યારે ફફડાટ થાય કે કંઈક આડૂઅવ્ળૂ  તો બોલી નહિ નાખોને ચોક્ખા શબ્દોમાં કહું તો અમારી જિંદગી તો સાવ નીરસ બની ગઇ  છે.

મંગળા (સરકાર)

અમે  ક્યારે વચ્ચે  આવ્યા છે તારી પાર્ટીમાં. તમે તારે બોલાવોને તમારા મિત્રોને

જ્યોતિ

 અહીં રીતભાત કે સભ્યતા જેવું  તો કંઈ છે જ નહીં… મારી હાઈ સોસાયટીના ફ્રેન્ડઝ્ને અહીંયા ઇન્વાઇટ કરીને મારે મારું નાક નથી કપાવવું. 

અનંતરાય વિદ્યાપતિજી

હાઈ સોસાયટી… તમને તમારી હાઈ સોસાયટીની આટલી બધી ચિંતા થતી હોય વહુ તો જાવ જઈને શોધી લો કોઈ નવું ઘર.. તમારી હાઈ સોસાયટીમાં… જાવ ચાલો  ચાલતા થાવ…ચાલતા  થઈ જાવ… ગેટ આઉટ

મંગળા (સરકાર)

આ શું… બોલો છો રાયજી..?  

જ્યોતિ

લ્યો સાંભળ્યું.. સમજદારી કે કોમ્પ્રોમાઈઝની વાત તો બાજુ પર રહી ઉપરથી ધમકી આપે છે 

 

અમર

જ્યોતિ…. 

જ્યોતિ

અરે ગેટઆઉટ કહે છે યાર આપણને

અમર

જ્યોતિ તું, પ્લીઝ…

 

જ્યોતિ

તું મને ચુપ નહીં કર. મોટે ઉપાડે દીકરાના નામે ઘર કરી આપ્યું હતું તે શું નાટક હતું…? 

અનંતરાય  વિધ્યાપતી

નાટક નહોતું છોકરી નાટક નહોતું…. ત્યારે અમને દીકરો હતો… 

મંગળા (સરકાર)

બસ કરો રાયજી બસ કરો…    

અમર

પપ્પા મને તો એ જ નથી સમજાતું કે તમને…..

અનંતરાય વિદ્યાપતિજી

તને કેમ કશું સમજાતું નથી છોકરા… નાનો કીકલો છે તું..? ઘોડિયામાં રમે છે હજી..? 

 અમર

જુઓ પપ્પા, જ્યોતિએ તમારું અપમાન કર્યું હોય તો….

અનંતરાય વિદ્યાપતિજી  

તો પણ તું કાંઈ કરી શકે તેમ નથી…. અરે ભાઈ તારા જેવા પતિઓ એટલે બૈરીએ કમર પર ખોસેલો હાથ રૂમાલ…. તારું કામ એના કપાળ પરનો પરસેવો લૂછવાનું છે…

જ્યોતિ

ધીસ ઇઝ ટૂ મચ…. અમર તારું આવું અપમાન થાય છે તું ચુપચાપ સાંભળી રહ્યો છે…? આ જ રીતે આ લોકો આખો દિવસ ઝેર ઓકતા હોય છે… એમાંય હું તો એમને દીઠી ગમતી નથી… કારણ કે હું એમને ટોકું એમનાથી સહન નથી થતું માટે…. ઘરને તો જાણે ધરમશાળા બનાવી દીધી છે… આમને કારણે હવે નોકરો પણ ટકતા નથી ઘરમાં… બહુ વર્ષ સહન કર્યું નાઉ ઇટ ઇઝ ઇનફ ….

 

 

મંગળા (સરકાર)

સારું સારું બેટા ચાલો…. અમારી ભૂલ થઈ ગઈ બસ…? પણ હવે આનો ઉકેલ શો છે બેટા…?

અરે

અનંતરાય વિદ્યાપતિજી

ઉકેલ છે સરકાર… ઉકેલ મારી પાસે છે…  થઈ જવા દો એમને જુદા…

જ્યોતિ

અરે વાહ… અમે શું કામ જુદા થઈએ…? અમારે ત્યાં શું પૈસાના ઝાડ લાગે છે…? અરે બાર બાર વરસથી તમને લોકોને રાખ્યા નહીં અમે…?

અનંતરાય વિદ્યાપતિજી

તમે રાખ્યા અમને….?

જ્યોતિ

રાખ્યા એટલે કે સાચવ્યા છે…. તે અમને ખર્ચો નહીં થયો હોય…?  ખાનામાંથી ) અરે ઊભો શું છે બતાવ ને હિસાબ આમને… ખબર પડે…

અમર

એની વાત ખોટી નથી… છેલ્લા બે વર્ષમાં તમારી પાછળ અઠ્ઠાણું હજારનો ખર્ચો થયો છે… 

 

મંગળા (સરકાર)

એટલે એટલે બેટા… તેં  તેં એનો હિસાબ રાખ્યો છે…? 

અમર

હિસાબ તો રાખવો જ પડે ને…? આ પપ્પાના મોતિયાના ઓપરેશનના પાંત્રીસ હજાર, મમ્મીની દવાનું બિલ પંદર હજાર… તમારા કપડાલત્તાના પાંચ હજાર તમારા લોકોના વ્યવહારના દસ  હજાર… તમે લોકો જાત્રાએ ગયા હતા એના ત્રીસ હજાર અને તમારા પરચૂરણ ખર્ચાના છ હજાર… આ બધું મળીને અઠ્ઠાણું હજાર.. 

અનંતરાય વિદ્યાપતિજી

ભૂલ છે હિસાબમાં તારી છોકરા ભૂલ છે… આવો નુકસાનીનો હિસાબ રાખતા તને કોણે શીખવાડ્યું હેં ભાઈ….?  તને ભણાવ્યો ગણાવ્યો આ બધું તો નકામું ગયું…. લખ હું તને લખાવું… અરે આમાં તો કેટલું બધું લખવાનું રહી ગયું છે હાં…. અરે અમને અહીંયા જમાડ્યા રાખ્યા એ બધો ખર્ચો કેમ નથી ઉમેરતો હેં…? 

 

 

મંગળા (સરકાર)

રહેવા દો રાયજી… રહેવા દો…. 

અનંતરાય વિદ્યાપતિજી

ના ના આ વીજળી ને તારી લાઈટ ને પંખા વાપર્યા આ બેડરૂમમાં… બાથરૂમમાં પાણી વાપર્યા આ બધો ખર્ચો કેમ નથી ઉમેરતો…? 

અમર

તમારે ઝગડો વધારવો છે…?

અનંતરાય વિદ્યાપતિજી

હું તારો હિસાબ સુધારું છું હાથરૂમાલ…. 

અમર

ઇમ્પોસિબલ…(૨) જ્યોતિ યુ આર રાઈટ આ લોકોની સાથે ચર્ચા કરવાનો કોઈ અર્થ જ નથી…. અને તમે લોકો એક વાત સમજી લો…. આ ઘરની કર્તાધર્તા જ્યોતિ છે એટલે આ ઘર જ્યોતિની મરજી પ્રમાણે  જ ચાલશે…. એટલે એની કોઈ પણ ફરિયાદ મારે કાને ન આવવી જોઈએ…  લેટ્સ ગો… 

મંગળા (સરકાર)

ઊભો રે છોકરા… તેં તારો હિસાબ મૂક્યો છે તો મારે પણ મારો હિસાબ તારી પાસે મૂકવો છે….  તને જનમ આપ્યો કિમ્મત કાંઈ નહીં…. તને ઉછેર્યો, તને ધવરાવ્યો કિમ્મત કાંઈ નહીં, … તારા મળમૂત્ર લૂછ્યા…. અમે ભૂખ્યા રહીને તારું પેટ ભર્યું કિમ્મત કાંઈ નહીં…. માંદે સાજે  રાત રાતના ઉજાગરા કર્યા…  તને પ્રેમ કર્યો… તને પરણાવ્યો,,, તને ભણાવ્યો કુલ્લે કિમ્મત કાંઈ નહીં….  હવે હવે તારા અઠ્ઠાણું હજારમા આ રકમ ઉમેરવી હોય તો ઉમેર ને બાદ કરવી હોય તો બાદ…… 

જ્યોતિ

થઈ ગયા નાટક શરુ થઈ ગયા….

અમર

જ્યોતિ….  પપ્પા… મમ્મી તમારે એક વાત સ્વીકારવી પડશે કે અમે જુવાન છીએ અને તમે વૃધ્ધ છો… તમે જિંદગી જીવી લીધી છે પણ અમારે જીવવાની બાકી છે… એટલે ફક્ત એટલું યાદ રાખો કે તમારી દુનિયા અલગ છે અને અમારી દુનિયા અલગ…. (બન્ને જતા રહે છે…. સરકાર રડે છે…) 

 

ACT-1  Scene-5   અનંતરાય બાલ્કનીમાં બેઠા છે

મંગળા (સરકાર)

રાયજી…. ચાલો ઊભા થાવ

અનંતરાય વિદ્યાપતિજી

મને આજે ઉંઘ નથી આવતી તું જઈને સુઈ જા…  હું અહીંયા જ બેઠો છું તું જા… 

મંગળા (સરકાર)

નીંદર તો મારીયે વેરણ થઈ ગઈ છે… મેં બેગ ભરી દીધી છે… ચાલો…

અનંતરાય વિદ્યાપતિજી

ચાલો…? ક્યાં ચાલો…?

મંગળા (સરકાર)

આ ઘરની બહાર

અનંતરાય વિદ્યાપતિજી

ઘરની બહાર એટલે સરકાર આ ઘર છોડીને ?

હા…

અનંતરાય વિદ્યાપતિજી

અરે પણ સરકાર આપણે ક્યાં જશું… ક્યાં ભટકીશું આમ નિરાધાર…?

મંગળા (સરકાર)

કેમ ? મારા પર વિશ્વાસ નથી…? હું છું ને સાથે…

 

અનંતરાય વિદ્યાપતિજી

તમારા સથવારા સિવાય હવે બીજું સિલક શું રહ્યું છે મારી પાસે…? લાગણીના રહ્યા સહ્યા સંબંધો પણ આજે તૂટી ગયા….

મંગળા (સરકાર)

આમ હિમ્મત ન હારો રાયજી….

અનંતરાય વિદ્યાપતિજી

હિમ્મત નથી હાર્યો સરકાર.,, હૈયું ભાંગી ગયું… અરે આપણા જ સંતાનોની આંખોમાં આપણી જાતને રોજ થોડું થોડું મરતાં જોવાની શિક્ષા હવે મારાથી સહન નથી થતી….  સરકાર…

 

 

 

મંગળા (સરકાર)

રાયજી… ઘડપણમાં જ્યારે બધી શક્તિઓ ક્ષીણ થઈ જાય ત્યારે સહનશક્તિના જોરે જ જીવવાનું હોય છે… ચાલો… અમર આવે એ પહેલા  આપણે ઘરમાંથી નીકળી જઈએ….

અનંતરાય વિદ્યાપતિજી

હા… પણ આપણે ક્યાં જઈશું ક્યાં સરકાર… ? 

મંગળા (સરકાર)

અરે બીજે ક્યાં?  આપણી દીકરીને ત્યાં…  માયાના ઘરે નાસિક…

અનંતરાય વિદ્યાપતિજી

અરે પણ આટલી મોડી રાત્રે કઈ ગાડી મળશે…?

મંગળા (સરકાર)

સવારની ગાડી પકડીશું…

અનંતરાય વિદ્યાપતિજી

અરે પણ તો આખી રાત પ્લૅટફોર્મ પર પડ્યા રહીશું…?  

મંગળા (સરકાર)

અરે પ્લેટફોર્મ પર કૈંક લોકો તો આખું જીવન વીતાવતા હોય છે… અપણે તો ખાલી એક રાત કાઢવાની છે… ચાલો…

અનંતરાય વિદ્યાપતિજી

સરકાર…

મંગળા (સરકાર)

હા…

અનંતરાય વિદ્યાપતિજી

કઈ રીતે જશું…? 

મંગળા (સરકાર)

હેં…?

અનંતરાય વિદ્યાપતિજી

મારી પાસે તો ટિકીટ લેવા જેટલા પૈસા નથી ગજવામાં…. 

મંગળા (સરકાર)

રાયજી…. એની વ્યવસ્થા પણ મેં કરી લીધી છે… ગયા અઠવાડીયે અમરે જ્યારે તમને પૈસા આપવાની આનાકાની કરી ને ત્યારે જ હું મારો હાર વેચી આવી હતી…

અનંતરાય વિદ્યાપતિજી

શું…? અરે… હાર વેચી કાઢ્યો તેં હેં…? હું તારે માટે હાર લઈ અવ્યો હતો તે વેચી કાઢ્યો… ? 

મંગળા (સરકાર)

રાયજી… લાચારી ભોગવવા કરતા હાર વેચીને સ્વમાન ખરીદ્યું છે મેં… મેં ખોટું કર્યું..?

અનંતરાય વિદ્યાપતિજી

ના… સાચું કર્યું સરકાર તમે સાચું કર્યું… બરાબર…

મંગળા (સરકાર)

છે ને આપણે નાસિક પહોંચીને અશ્વિનકુમારને ફોન કરી દેશું…

અનંતરાય વિદ્યાપતિજી

હા…

મંગળા (સરકાર)

કે આપણને સ્ટેશન લેવા આવે…

અનંતરાય વિદ્યાપતિજી

હા…

મંગળા (સરકાર)

દીકરી ને જમાઈ આપણને જોઈને રાજી ના રેડ થઈ જશે…

અનંતરાય વિદ્યાપતિજી

હા….

મંગળા (સરકાર)

અને હા અહીંયાની કોઈ પણ વાત એ લોકોને નહીં કરતા… ગમે તેમ તોય અમર આપણો દીકરો છે…

અનંતરાય વિદ્યાપતિજી

એક મિનિટ સરકાર…

મંગળા (સરકાર)

હા… 

અનંતરાય વિદ્યાપતિજી

 (ટેબલ પરથી નટરાજની મૂર્તિ ઉપાડી લે છે )  ચાલો… સરકાર…

મંગળા (સરકાર)

હં…

અનંતરાય વિદ્યાપતિજી

એ હું એકવાર જઈને મારી છછુંદરીને તો મળી લઉં…

મંગળા (સરકાર)

ના રહેવા દો…

અનંતરાય વિદ્યાપતિજી

અરે પણ… એ સવારે છોકરી ઉઠશે… દાદા દાદા કરતી મને ગોતાગોત કરી મૂકશે બિચારી…

અને અત્યારે તમને જોઈને કકળી ઉઠશે ત્યારે એને કેમ સમજાવશો…?

(મૂર્તિ મંગળાના હાથમાં આપીને રિંકુના રૂમ તરફ ફરીને )

છછુંદરી… આવજે બેટા…  તારા દાદાને ભૂલી નહીં જતી દીકરી…. તારા દાદાને…. (રડતા રડતા પાછા વળી જાય છે…) અમર…  જ્યોતિ… સુખી રહેજો છોકરાઓ સુખી રહેજો… (ઘરની દિવાલોને પંપાળતા… મંગળાને કહે છે…) ચાલો…

રિંકુ

દાદાજી… તમારી શાલ….

અનંતરાય વિદ્યાપતિજી

મારી છછુંદરી…. એ મારી દીકરી… (રિંકુને વહાલ કરતા રડીને શાલ લઈ લે છે… રિંકુ જાય છે… અનંતરાય શાલ ખભે નાખીને આંસુ લૂછતા અને ઘરને જોતા જોતા બહાર નીકળી જાય છે…) 

(દ્રશ્ય પૂરું…)                                          ACT-1    END 

ACT-2    Scene-1     માયાનું ઘર

(ફોનની રિંગ વાગે છે….)

મોહન પ્યારે

હાં હાં ઉઠાતા હું ઉઠાતા હું.,.. જોની મેરા નામ હૈ મુઝે બહુત સારે કામ…. આહ ધત તેરીકી (ફરી રિંગ વાગે છે) ખામોશ…. (ફોન ઉપાડીને) ઠાકુર બહુત જાન હૈ તેરી ઉંગલીયોં મેં…. બાર બાર ફોન લગા રહા હૈ…. ચિલ્લા ઓર જોર સે ચિલ્લા કુત્તે…. હા હા હા…. ડર ગયા સાલા… હાં….  (ફોન મૂકી દે છે…) મોહન પ્યારે અગર તુઝે સુપર સ્ટાર બનના હૈ તો ભગવાન કો પ્રણામ કર ઔર અપની પ્રેક્ટીસ ચાલુ… (દિવાલ પરના ફોટાને ઉંધો ફેરવી નાખે છે…) મૈં શાહરુખ … મેરા દિલ તો પાગલ હૈ… હર કિસીકો દેખ કે મુજે કુછ કુછ હોતા હૈ… રામ જાને  ક્યા હોગા અગર કીસી દિન મેરા ડુપ્લિકેટ આ જાયે તો ઈસ અંજામ કો સોચકર કે મુજે ડર લગતા હૈ…. હે રામ. યે ક્યા હુઆ… લોગોંને મુઝે બાજીગર સમજા ઔર મૈં બાદશાહ નિકલા… ઐશ્વર્યા…. તુમ્હે દેખકર મેરી મુહબ્બતેં જિન્દા હો જાતી હૈ ઔર મૈં જોશ મેં આ જાતા હું… કભી ખુશી હો યા કભી (બારણામાંથી મંગળાજ અને અનંતરાય આવે છે…. અને એક્ટિંગની પ્રેક્ટીસ કરી રહેલા મોહનને જોઈ રહે છે…) ગમ મૈં હમેશા તુમ્હારા દેવદાસ બનકર રહુંગા તુમ્હારે સંગ ઔર અશોકા બનકર મૈં સિર્ફ ઇતના હી કહેના ચાહુંગા …. હમ તુમ્હારે હૈં સનમ… હમ તુમ્હારે હૈં સનમ …. ઔર ઇસ સ્વદેશ મેં એક પહેલી બનકર મૈં હું ના… હ્મ્મ્મ… એ… (શાહરુખખખાનની એક્ટિંગ કરતા કરતા બોલે છે…)

મંગળા (સરકાર)

એ ભાઈ… આ શ્વિનકુમાર કા ઘર આ જ છે…?

મોહન પ્યારે

કૌન અશ્વિનકુમાર… જાની….

અનંતરાય વિદ્યાપતિજી

જાની નહીં ભાઈ અશ્વિનકુમાર દેસાઇ… વો એંજિનીયર હૈ એંજિનીયર…

મંગળા (સરકાર)

ઔર હમેરે જમાઈ હૈ….

અનંતરાય વિદ્યાપતિજી

હા….

મોહન પ્યારે

મતલબ…. આપ માયા મેમસાબ કી મમ્મી હૈ…. ? 

મંગળા (સરકાર)

હા..  

અનંતરાય વિદ્યાપતિજી

હા હા ….. 

મોહન પ્યારે

ઔર યે આપ કે ડેડી…?

અનંતરાય વિદ્યાપતિજી

હા હા ….. 

મંગળા (સરકાર)

ના ના 

મોહન પ્યારે

અરે મેરા મતલબ હૈ…. માયા મેમસાબ કે ડેડી…?

અનંતરાય વિદ્યાપતિજી

હાં માયા મેમસાબ કે ડેડી….

મોહન પ્યારે

યે આપકી બેટી કા હી ઘર હૈ… આઇયે આઇયે… તશરીફ લાઈએ…

અનંતરાય વિદ્યાપતિજી

લે અરે આ માયાનું જ ઘર છે આ….

મંગળા (સરકાર)

આ શું લાવવાનું કહે છે…?

અનંતરાય વિદ્યાપતિજી

અરે એ કાંઈ લાવવાનું નહીં…. તશરીફ લાઈયે એટલે અંદર ચલીયે એમ કહે છે..  

મંગળા (સરકાર)

હા હા ચાલો

અનંતરાય વિદ્યાપતિજી

તને છે ને કોઈ જાતની…  અરે આ બેટી બેટી કહીને હાળાએ પેટી ખેંચી લીધી… આહા….મળી  ગયું આખરે… મેં કહ્યું….

મોહન પ્યારે

દાદામુનિ…

અનંતરાય વિદ્યાપતિજી

હાં…

મોહન પ્યારે

આપ કલાકાર હૈં ના…? 

અનંતરાય વિદ્યાપતિજી

હાં હાં ભાઈ મૈં કલાકાર હૈ… હાં હાં…. 

મોહન પ્યારે

મૈં ભી કલાકાર હું… ઔર આપકો મિલકે ઐસ લગા જૈસે અજ્ઞાની કો જ્ઞાની મિલા… પ્યાસે કો પાની મિલા….

અનંતરાય વિદ્યાપતિજી

ઔર ભૂખે કો બિરયાની મિલા… 

મોહન પ્યારે

અરે વાહ વાહ ક્યા ડાયલોગ મારા… દાદામુનિ…. ઝક્કાસ…

મંગળા (સરકાર)

આ મુઓ મને આંખ શેનો મારે છે… હં…?

અનંતરાય વિદ્યાપતિજી

તને આંખ મારી…?

મંગળા (સરકાર)

હાસ્તો વળી….

અનંતરાય વિદ્યાપતિજી

ભલે મારી મને વાંધો નથી….   (મંગળા હસે છે…)  સરસ છે ઘર હોં હાઈક્લાસ છે… આ શું… આ શાહરુખખાનના ફોટા ઘરમાં રાખે છે છોકરી….? આ મારી હમણાં…(પ્યારે મોહન ફોટો ઉંધો કરી નાખે છે…)

(અનંતરાય જોઈ રહે છે…) 

અનંતરાય વિદ્યાપતિજી

 (મંગળાને કહે છે…) તારી ભલી થાય..  જબરો છે આ…. અરે પણ ભાઈ એમ કહું આ…. (પ્યારે મોહન સામે જોતાં) તારું નામ શું છે ભાઈ…? 

મોહન પ્યારે

કભી શાહરુખ તો કભી અભિષેક, કભી વીરુ તો કભી ગબ્બર… વૈસે આપ મુઝે પ્યાર સે મોહન પ્યારે ભી કહ સકતી હૈ મમ્મી…

મંગળા (સરકાર)

જો જો પાછી પાછી એણે મને આંખ મારી…

અનંતરાય વિદ્યાપતિજી

હા એ… તું એને ગમી ગઈ લાગે છે…

મંગળા (સરકાર)

હેં…?  

અનંતરાય વિદ્યાપતિજી

અરે પણ ઓ ભાઈ… શું નામ? અરે કેટલા નામ ભૂલી ગયો આનું…

મંગળા (સરકાર)

મોહન

અનંતરાય વિદ્યાપતિજી

હા મોહન  એ ભાઈ પ્યારેલાલ…  આ માયા ને અશ્વિનકુમાર કેમ દેખાતા નથી…?

મોહન પ્યારે

વો લોગ તો સુભાષ ઘાઈ કે સાથ શીરડી ગયે હૈં…

અનંતરાય વિદ્યાપતિજી

સુભાષઘાઈ કે સાથ ?

મોહન પ્યારે

અરે યાની કિ અપને વી.પી. સાબ,,, અશ્વિનસાબ કે બોસ…. ઔર સ્ટાર કંસ્ટ્રક્શન કે માલિક… વો ક્યા હૈ ના વૈસે તો બિલ્ડર હૈ લેકિન ઉનકો નાટક લાઈન કા ભી શૌક હૈ…

અનંતરાય વિદ્યાપતિજી

ક્યા બાત કરતા હૈં…?

મોહન પ્યારે

હાં…. વો ડાયરેક્શન કરતે હૈં ઔર ઉનકી વાઈફ એક્ટિંગ કરતી હૈ… 

અનંતરાય વિદ્યાપતિજી

લે આ મજાનું થઈ ગ્યુ હોં…  હાળું..અહીં નાટકવાળા મળી જશે…

મોહન પ્યારે

ઔર નાટક કા નામ હૈ હેલ્મેટ…

અનંતરાય વિદ્યાપતિજી

હેલ્મે…ટ….  હેમ્લેટ હોયેગા…

મોહન પ્યારે

હાં હાં… વહી… વહી…

અનંતરાય વિદ્યાપતિજી

હેલ્મેટ કરી નાખ્યું આણે… અહા હા  સરસ હેં…..

મોહન પ્યારે

દાદામુનિ ક્યા હૈ ના કિ કંપની કા બહુત બડા ફંક્શન હૈ ઔર ઉસમેં અપુન કા ભી આઈટમ હૈ.  

અચ્છા…?

મોહન પ્યારે

હાં… (હસે છે… નાના પાટેકરની એક્ટિંગ કરતા…) આ ગયે આ ગયે મેરી મૌત કા તમાશા દેખને… નહીં સુધરેંગે સાલે કભી નહીં સુધરેંગે… બચ્ચા સમજ કે કન્ધે પે બિઠાયા તો કાનમેં મુતતા હૈ… વો કલમવાલી બાઈસાબ સબકો જગા રહી થી…  લેકિન  મૈં જાગ ગયા. મૈં જાગ ગયા… મૈં જાગ કે કુછ કરકે જા રહા હું…. સુકુન હૈ સુકુન હૈ ગલી કે કુત્તે… ગલીમેં પૈદા હુએ ગલીમેં હી મર જાયેંગે… નહીં સુધરેંગે સાલે કભી નહીં સુધરેંગે…

અનંતરાય વિદ્યાપતિજી

અરે ભાઈ… ઓ સોરી…

મોહન પ્યારે

અરે દાદામુનિ યે તો આઈટમ હૈ જો મૈં કરનેવાલા હું ફંક્શન મેં. 

અનંતરાય વિદ્યાપતિજી

આઈટમ…?   

હાં… હાં… બૈઠીયે ના

અનંતરાય વિદ્યાપતિજી

હું ડરી ગ્યો કે આ નહીં સુધરે નહીં સુધરે…. શું…? એને ખબર પડી ગઈ કે હું…. હારો  કમાલનો માણસ છે આ તો નહીં સુધરેંગે… હા હા હા જબરો… ..

મંગળા (સરકાર)

આ માયા સાંજ સુધીમાં પાછી તો આવશે ને…?

મોહન પ્યારે

બસ અભી આતે હી હોંગે… આપ લોગ ટેન્શન નહીં લેને કા… યે ઘર કો અપના ઘર સમજને કા ઔર અપુઅન આપકી બેટી..

બેટી….?

મોહન પ્યારે

મેરા મતલબ નેટા… બેટા… બેટા… ક્યા લાઉં આપ કે લિયે…? ચાય પાની… ઠંડા… ?

પાની…

——————–

અનંતરાય વિદ્યાપતિજી

ભાઈ આ જબરો શોધી કાઢ્યો માયાએ મારો બેટો… આવો નાનો જાણે વાંદરો વસાવ્યો છે હેં… કુદકા ને ભૂસકા મારે છે…

મંગળા (સરકાર)

એટલે જ એક્ટર છે…  

અનંતરાય વિદ્યાપતિજી

આ એક્ટર છે એટલે …

મોહન પ્યારે

દાદામુનિ…. પાની….

અનંતરાય વિદ્યાપતિજી

આ લે દે ઇસકો દે….

મોહન પ્યારે

નાની મા…. દાદામુનિ…

આહા… 

મોહન પ્યારે

દાદામુનિ…. દાદામુનિ….

અનંતરાય વિદ્યાપતિજી

હા બેટા….

મોહન પ્યારે

આજ સે આપ મુઝે ટ્રેનિંગ દેના….

અનંતરાય વિદ્યાપતિજી

એ ભાઈ મૈં ક્યા ટ્રેનિંગ દૂં તેરેકો…

મોહન પ્યારે

આજ સે આપ મેરે ગુરુ ઔર મૈં આપકા ચેલા…

અનંતરાય વિદ્યાપતિજી

ચેલા…. હાળા તુ ચેલા નહીં હૈ તુ પહોંચેલા હૈ પહોંચેલા… હા હા હા

મોહન પ્યારે

અરે સાબ ઔર મેમસાબ આ ગયે…

અનંતરાય વિદ્યાપતિજી

અરે… ગાડીનો અવાજ…

મંગળા (સરકાર)

માયા આપણ ને જોઈને રાજીના રેડ થઈ જશે…

અનંતરાય વિદ્યાપતિજી

આવી ગ્યા ચાલો પહોંચીને ઘેર…

માયા

મમ્મી…. મમ્મી…

મંગળા (સરકાર)

કેમ છે તુ બેટા..?

માયા

મજામાં મમ્મી…

અનંતરાય વિદ્યાપતિજી

અરે એ…. આ બાપ અહીયા ઉભો છે આમ …

માયા

પપ્પા… 

અનંતરાય વિદ્યાપતિજી

અરે મારી દીકરી… મારી દીકરી…. કેમ છે તને…?

માયા

મજામાં પપ્પા તમે કેમ…?

અનંતરાય વિદ્યાપતિજી

અરે અમે તો બેટા… એમ… બેટા અમે અચાનક અહીંયા આવી પહોંચ્યા કંઈ તકલીફ જેવુંતો…,

માયા

પપ્પા તમે ય શું…?

અનંતરાય વિદ્યાપતિજી

અરે અમે આમ…

અશ્વિનકુમાર

પપ્પાજી….

અનંતરાય વિદ્યાપતિજી

અશ્વિનકુમાર જીવતા રહો…. ભાઈ જીવતા રહો અશ્વિનકુમાર

અશ્વિનકુમાર

કેમ છો મમ્મી…?

મંગળા (સરકાર)

સુખી રહો … સુખી રહો…

અશ્વિનકુમાર

વ્હોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ… એટલે આખરે તમે લોકોએ તમારું પ્રોમીસ પાળ્યું ખરું…?

અનંતરાય વિદ્યાપતિજી

હા…

માયા

પણ પપ્પા તમારે એક ફોન તો કરી દેવો હતો…?

અનંતરાય વિદ્યાપતિજી

ફોન….? અરે ભાઈ ફોનની તું રહેવા દે ને … આ અમે કેટલા ફોન કર્યા…  સ્ટેશનેથી કર્યો,… અહીંયા ગલીના નાકેથી હમણાં કર્યો થોડીવાર પહેલા… હવે ખબર નહીં નંબર બરાબર જોડું… કોક ફોનમાં રાડો પાડતું’તું… ચિલ્લા… ઔર ચિલ્લા કુત્તે…

મોહન પ્યારે

વો રોંગ નંબર હોગા… દાદામુનિ રોંગ નંબર… આજ કલ ઐસા બહોત હોતા હૈ… બહોત હોતા હૈ… ઐસા…

માયા 

હા….   હા….

અનંતરાય વિદ્યાપતિજી

કોને ખબર…

માયા

પપ્પા તમે બેસો ને પપ્પા… આવ મમ્મા…

અનંતરાય વિદ્યાપતિજી

બેટા…મજાનું ઘર… હેં… હાઈક્લાસ… નાસિકમાં હવા પાણી સારા…

માયા

હા પપ્પા…

મંગળા (સરકાર)

માયા બેટા

માયા

હાં મમ્મા…?

મંગળા (સરકાર)

આ દેવલ અને દિપાલી ક્યાં છે…? તમારી સાથે નથી આવ્યા…?

અનંતરાય વિદ્યાપતિજી

હા…? 

માયા

મમ્મી ભૂલી ગઈ ને…

મંગળા (સરકાર)

હેં…?

માયા

એ લોકો પંચગીની ગયા છે…

અનંતરાય વિદ્યાપતિજી

એ લે નાના નાના  છોકરાઓને ત્યાં ફરવા મોકલી દીધા બન્નેને…

માયા

ના પપ્પા… ત્યાની બોર્ડિંગમાં ભણવા મૂક્યા છે…

અનંતરાય વિદ્યાપતિજી

બોર્ડિંગમાં મૂકી દીધા…?

માયા

હા… 

અનંતરાય વિદ્યાપતિજી

હેં..? આ શું…  અશ્વિનકુમાર… આ તમે આટલા નાના ટાબરિયાઓને અત્યારે તમારાથી દૂર કરીને આમ નિશાળમાં બોર્ડિંગમાં મૂક્યા…? શું કામ ભાઈ શું કામ…? ભારે પડ્યા છોકરા…? ને એ માયાડી તારામાં છોકરાઓને ઉછેરવાની જો ત્રેવડ નહોતી તો જણ્યાં શું કામ…?

મંગળા (સરકાર)

રાયજી રહેવા દો…

માયા

પપ્પા હવે જમાનો બદલાઈ ગયો છે……

અનંતરાય વિદ્યાપતિજી

હા… જમાનો બદલાઈ ગયો…. હું તો કહું છું અશ્વિનકુમાર જમાનો હજી બદલાશે… તમે જો જો ને ભવિષ્યામાં રેડીમેડ સંતાનો મળવાના…. હા… પાંચ લાખમાં બી.એ. ને દસ લાખમાં સી.એ.. ડૉક્ટર હશે તો પચાસ લાખ ને એક્ટર હશે તો મફત…

માયા

પપ્પા…

અશ્વિનકુમાર

હોતું હશે કાંઈ પપ્પાજી… આજકાલ તો એક્ટરો કરોડપતિ થઈ ગયા છે…

માયા

હા…

અનંતરાય વિદ્યાપતિજી

અને મારા જેવા રોડપતિ થઈ ગયા છે… કેમ સરકાર…?

મંગળા (સરકાર)

રહેવા દો… રહેવા દો…

અનંતરાય વિદ્યાપતિજી

હા ભાઈ હા…

મંગળા (સરકાર)

રહેવા દો…

અનંતરાય વિદ્યાપતિજી

હશે…

મંગળા (સરકાર)

અશ્વિનકુમાર આ અમે આવ્યા છીએ તો તમને કોઈ અગવડ તો નહીં…

અશ્વિનકુમાર

અરે હોતું હશે મમ્મી… ઉલટાનું હવે તો ઘર ભર્યું ભર્યું લાગશે…

માયા

હા…

અનંતરાય વિદ્યાપતિજી

માયા અમે અહીં આવ્યા તે તને ગમ્યું ને દીકરી હેં…?

માયા

પપ્પા આ તે કાંઈ પૂછવાની વાત છે? પ પ્પા, પપ્પા  હું શું કરું કે તમને ખાત્રી થાય…? શું કરું…?  નાચું… ?

અશ્વિનકુમાર

 માયા માયા પ્લીઝ… નાચવાનું રહેવા દે… 

માયા

તો ગીત ગાઉં…? ગીત ગાઉં…?

અનંતરાય વિદ્યાપતિજી

હેં… કયું?

માયા

છૂકછૂક કરતી ગાડી આવી… મનગમતા માણસને લાવી…. માણસ મારો એવો દુલારો…

અનંતરાય વિદ્યાપતિજી

ઝગમગતો આકાશનો તારો… આકાશમાંથી વરસે પાણી…. તું દાદાની દીકરી શાણી…. દીકરી તારો લાવ ને હાથ આપણો જીવ… સરકાર…

મંગળા (સરકાર)

રાયજી…

માયા

પપ્પા…

અનંતરાય વિદ્યાપતિજી

મારી છછુંદરી…

માયા

હ…

અનંતરાય વિદ્યાપતિજી

મારી છછુંદરી. વગર મને નહીં ગમે…

માયા

પપ્પા… 

અનંતરાય વિદ્યાપતિજી

છછુંદરી. (રડે છે…)

(દ્રશ્ય પૂરું)

(માયા ફોન પર વાત કરે છે….)

માયા

હા જી વી.પી. સાહેબ જી જી જરૂર… હા જી.. હા જી… ઓકે સર… જી? મારા ફાધર?  સર એ હમણાં આવતાં જ હશે… તમે આવો ને… ઓકે સર… હા હા જી… ઓકે ઓકે સર. ઓકે થેન્ક્યુ… હા તમે જલદી આવો અમે તમારી રાહ જોઈએ છીએ સર… ઓકે ઓકે… ઉફ્ફ્ફ

માયા

મોહન… મોહન શું થયું પપ્પા મળ્યા…?  

મોહન પ્યારે

નહીં મેડમ ગુરુદેવ કા કહીં પતા નહીં હૈ… મૈં માર્કેટ ગયા… લાઈબ્રેરી ગયા… લાસ્ટ મે પાનવાલે સે પૂછા… ઉસને ભી નહીં દેખા….

માયા

એટલે તું પાછો આવી ગયો…?

મોહન પ્યારે

નહીં મેડમ… રસ્તે મેં સાહબ મિલે થે ઉન્હોંને બોલા… તુ ઘર પે જા… મૈં ગાડી મેં ઢૂંઢતા હું…

માયા

આ પપ્પા પણ કમાલ કરે છે… આજે જ ક્યાંક ગૂમ થઈ ગયા… ઠીક છે…ઠીક છે. તું ઉભો છે શું? જા જલદી કિચનમાં જઈને નાસ્તો તૈયાર કર,…

મોહન પ્યારે

હા… હા…

માયા

અને હા સાંભળ…  

મોહન પ્યારે

હા…

માયા

બે ચાર ગ્લાસ મેંગો મિલ્કશેક બનાવી દેજે…

માયા

અને હા.. મોહન

મોહન પ્યારે

હા…

માયા

તું મમ્મીની દવા લાવ્યો…?

મોહન પ્યારે

દવા…? હા…

માયા

આપ જલદી…

મોહન પ્યારે

સોરી…

માયા

અને હવે જા કિચનમાં જા…. (માયા રૂમમાં જાય છે… ફોનની રિંગ વાગે છે… મોહન ફોન ઉપાડે છે… )

મોહન પ્યારે

હેલ્લો.. હા બોલ સહદેવ… ક્યા હુઆ…? દાદામુનિ કા કુછ પતા ચલા…? નહીં… ? કમાલ હૈ યાર… સાત સાડેસાત બજે તક તો આ જાતે હૈં… હાં હાં તો એક કામ કર પુલિસચોકી મેં જા ઔર કમ્પ્લેન લિખા… બાદ મેં મુઝે એસ.ટી.ડી. કરના… અરે હાં વહી… લોકલ… ચલ અભી રખ…  (ફોન મુકીને જાય છે… પાછળથી માયા બૂમ પાડે છે…)    

મોહન ઓ મોહન…

હાં…

માયા

આ લોટો અંદર ધોઈને મૂકી દે…

(અશ્વિન આવે છે)

અશ્વિનકુમાર

હાય માયા…

માયા

અશ્વિન અશ્વિન શું થયું…? પપ્પા  મળ્યા?

અશ્વિનકુમાર

ના… બધે ગોતીને આવ્યો… પપ્પાનો ક્યાંય પત્તો નથી… લાગે છે આજે પાછા ક્યાંક નરસિન્હ મહેતાની જેમ મંડળી જમાવીને બેસી ગ્યા હશે…

માયા

અશ્વિન તું આમ બેસ નહીં ઉભો થા…

અશ્વિનકુમાર

અરે પણ હું ઉભો થઈને શું કરું…?

માયા

અરે વી.પી. સાહેબનો હમણાં જ ફોન આવ્યો હતો.. એમણે પાછુ રીમાઈન્ડ કરાવ્યું કે તમારા પપ્પાને કહેજો કે ઘરે રહે…મારે ખાસ મળવું છે… અને તું તો જાણે છે ને એમનો સ્વભાવ…?

અશ્વિનકુમાર

પત્યું… ? હવુ હું કાંઈ બોલું…?

માયા

બોલ…

અશ્વિનકુમાર

જો માયા… વી.પી. સાહેબને ગરજ છે પપ્પાજીને મળવાની… પપ્પાજીને કોઈ ગરજ નથી વી.પી.સાહેબને મળવાની…

માયા

અશ્વિન આમાં ગરજની વાત નથી… વી.પી. સાહેબને સારું લગાડવાની વાત છે… અને જો આજે પપ્પા નહીં મળ્યા ને તો એમને ઇન્સલ્ટ જેવું લાગશે… એટલે કહું છું… (બારી બહાર જોઈને બોલે છે)… અરે બાપ રે અશ્વિન… અશ્વિન… વી.પી. સાહેબ આવી ગયા છે… વી.પી. સાહેબ આવી ગયા…

અશ્વિનકુમાર

રિલેક્સ માયા રિલેક્સ… તું તો એવી રીતે રિએક્ટ કરે છે જાણે વાઘ આવ્યો હોય…

માયા

હાસ્તો… એમનું નામ જ તો છે… વાઘજી નાગજી પોપટ…

અશ્વિનકુમાર

ચલ ચલ હવે…

(બહારથી બૂમ સંભળાય છે… )

વી.પી.સાહેબ

વોચમેન… વોચમેન…  ઓહો હો હો હો… કડ આવ્યો… વોચમેન કડ આવ્યો…?

અશ્વિનકુમાર

જી…?

વી.પી.સાહેબ

અરે વોચમેન ક્યાં છે…?

અશ્વિનકુમાર

ઓહ… સર અમારા ઘરે વોચમેન નથી…

વી.પી.સાહેબ

તો રાખો… ને નહીં રાખી શકતા હો ને તો બંગલાના ગેટ કઢાવી નાખો…

માયા

સોરી સર…

વી.પી.સાહેબ

સેમ ટૂ યુ… આપણા દેશમાં બધાને બધું હાફાટ્રેટ કરવું છે…

માયા

સર તમે આવો ને બેસો ને…

વી.પી.સાહેબ

ટાઈમ કેડા હૈ… વેજો ટાઈમ કેડા હૈ…?  મિસ્ટર દેસાઈ…

અશ્વિનકુમાર

હા સર… હા સર…

વી.પી.સાહેબ

આપણા દેશમાં લોકો બેસી રહે છે એમાં આખો દેશ બેસી ગયો છે… 

અશ્વિનકુમાર

એકદમ સાચી વાત છે… સર…

વી.પી.સાહેબ

પણ એમાં તમે શું કામ ઊભા રહી ગયા ? તમે બેસો…

 અશ્વિનકુમાર

ઓહ આઈ એમ સો સોરી સર..

માયા

એક્સક્યુઝ મી સર હું તમારા માટે પાણી લઈ આવું છું…

વી.પી.સાહેબ

એ એડા જ ર્યો…

માયા

જી શું લાવું.. ?

વી.પી.સાહેબ

અરે મારો કહેવાનો મતલબ છે…અહીંયાં જ રહો પાણીની જરૂર નથી…

માયા

ઓહો…

વી.પી.સાહેબ

હું તમને જે સમાચાર આપવાનો છું ને એ સાંભળીને તમે પાણી પાણી થઈ જશો…

માયા

ઓહ શું વાત કરો છો સર…?

વી.પી.સાહેબ

મિસ્ટર દેસાઈ તમે નસીબમાં માનો છો?

અશ્વિનકુમાર

ઓહ… હા…

વી.પી.સાહેબ

હું નથી માનતો…

માયા

એમ…? તો તો અમે પણ નથી માનતા સર… નહીં અશ્વિન…?   

અશ્વિનકુમાર

હા નથી માનતા…

વી.પી.સાહેબ

ધેર ઇઝ નથીંગ લાઈક નસીબ,,,

હા…

વી.પી.સાહેબ

હું જન્મ્યો ત્યારે જ્યોતિષે શું કીધેલું…?  આ છોકરો છ મહિનાથી વધારે નહીં ટકે… પણ શું થ્યું?

અશ્વિનકુમાર

શું થયુ…? 

વી.પી.સાહેબ

ત્રણ મહિનામા જ્યોતિષ જ ઉકલી ગયો…  (ત્રણે જણા ખડખડાટ હસે છે.)

માયા

સર તમે પણ…

વી.પી.સાહેબ

નાઉ વેસ્ટ ડોન્ટ ટાઈમ… વેસ્ટ ડોન્ટ ટાઈમ  આઈ વોન્ટ યુ ટુ સરપ્રાઈઝ… આઈ ડીસાઈડ યુ ટુ રિમુવ ફ્રોમ યોર જોબ.

માયા

વ્હોટ…?

અશ્વિનકુમાર

સર મારી કાંઈ ભૂલ થઈ ગઈ? 

માયા

સર કેમ…?

વી.પી.સાહેબ

હું તમને પાર્ટનરશિપ ઓફર કરું છું… (ત્રણે જણા ખુશ થઈને હસે છે.)

માયા

ઓહ વાઉ… કોંગ્રેટ્સ અશ્વિન…  

અશ્વિનકુમાર

થેન્ક્સ…

વી.પી.સાહેબ

હું તમને સ્ટાર કંસ્ટ્રક્શનમાં ચાલીસ ટકાનો ભાગીદર બનાવું છું…

અશ્વિનકુમાર

થેન્ક્યુ વેરી મચ સર…

માયા

સર… આર યુ સિરિયસ…?

વી.પી.સાહેબ

નો… આઈ એમ ઓલરાઈટ…

અશ્વિનકુમાર અને માયા

ઓહ…

અશ્વિનકુમાર

સર તમે સાચે જ બહુ મોટી સરપ્રાઈઝ આપી…

વી.પી.સાહેબ

હા…  

અશ્વિનકુમાર

સર પણ હું શું કહું છું કે … આટલી મોટી જવાબદારી હું કઈ રીતે ઉપાડીશ…?

વી.પી.સાહેબ

લ્યો એની મને ખબર હોત તો તમને શું કામ સોંપત…?

મંગળા (સરકાર)

અરે માયા બેટા…

માયા

મમ્મી…

મંગળા (સરકાર)

તારા પપ્પા  આવ્યા બેટા…?

માયા

ના… મમ્મી આવને…

મંગળા (સરકાર)

હા…

માયા

મમ્મી આ છે વી.પી. સાહેબ… અશ્વિનના બોસ…

વી.પી.સાહેબ

નમસ્તે માજી…

માયા

એમણે આવતા મહિનાથી અશ્વિનને પોતાની કંપનીમાં પાર્ટનર બનાવવા નિર્ણય લીધો છે…

મંગળા (સરકાર)

અરે વાહ… સરસ સરસ..

અશ્વિનકુમાર

મમ્મી આ બધા જ તમારા વડીલોના આશીર્વાદના પરિણામ છે…

માયા

હા…

મંગળા (સરકાર)

હા બેટા આશીર્વાદ તો ખરા જ પણ સાથે નસીબની  મહેરબાની પણ ખરી જ…

વી.પી.સાહેબ

નો… નો… નસીબની નહીં… કહેવી હોય તો પોપટની મહેરબાની કહો… હા…હા,,,હા…

મંગળા (સરકાર)

પોપટ…?

માયા

એમની સરનેમ છે…

અશ્વિનકુમાર

બેસો બેસો મમ્મી…

માયા

મમ્મી… તું અને પપ્પા અમારી સાથે આવીને રહ્યા એટલે આ તમારા પગલાનું પરિણામ છે…

વી.પી.સાહેબ

બાય ધ વે… નટસમ્રાટ કેડા વ્યા?

મંગળા (સરકાર)

હેં…? તેડાવ્યા…? ક્યાંથી તેડાવ્યા.,..?

વી.પી.સાહેબ

મારો કહેવાનો મતલબ છે માજી નટસમ્રાટ… તમારા હસબન્ડ ક્યાં છે…? મારે એમને મળવું છે…

માયા

સર પપ્પા હમણાં આવતા જ હશે…

હા…

મોહન પ્યારે

નમસ્તે સાબ…

વી.પી.સાહેબ

હા નમસ્તે નમસ્તે… તારી પ્રેક્ટિસ કેમ ચાલે છે હેં…?

મોહન પ્યારે

એકદમ ઝક્કાસ … દીખાઉં ક્યા…?

અશ્વિનકુમાર

મોહન રહેવા દે… (ફોનની રિંગ વાગે છે…)

માયા

તું ફોન લે…

મોહન પ્યારે

હેલ્લો… હા બોલ સહદેવ… ક્યા? ક્યા બાત કર રહા હૈ…?

મંગળા (સરકાર)

હેં…?

મોહન પ્યારે

હાં હાં તુ ફોન રખ હમલોગ આતે હૈં…

અશ્વિનકુમાર

શું થયું

મંગળા (સરકાર)

શું થયું…  શું થયું… 

માયા

શું થયું… મોહન…?

વી.પી.સાહેબ

વ્હોટ મેટર ઇઝ…?

મોહન પ્યારે

સહદેવ કા ફોન થા… વો બોલ રહા થા કિ રેલ્વે ફાટક કે પાસ એક બુઢ્ઢે કા એક્સિડન્ટ હો ગયા હૈ…

માયા

વ્હોટ…? 

મંગળા (સરકાર)

નહીં…  ચાલો ચાલો હવે આપણે જલદી જઈએ ચાલો બેટા…   

અનંતરાય વિદ્યાપતિજી

અય હકીમો જાવ દુનિયામાં દવા મારે નથી… ઇશ્કનો બિમાર છું હું… બીજી બિમારી કંઈ નથી… હા હા હા….  કેમ બધા મારી સામે ભૂત જોતા હો એમ ઊભા છો હેં…? આ  સ્વાગત માટે ઉભા છો કે મને કાઢી જવા… હેં…?

મંગળા (સરકાર)

રાયજી…

માયા

પપ્પા… 

અનંતરાય વિદ્યાપતિજી

અરે પણ…

મોહન પ્યારે

દાદામુનિ…

અનંતરાય વિદ્યાપતિજી

ચોંટી પડ્યો…ધોતિયું છોડ… છોડ ધોતિયું….

મોહન પ્યારે

દાદામુનિ અપુન કો લગા….  

માયા

એય શું…?

અનંતરાય વિદ્યાપતિજી

એ ક્યા લગા તેરેકો…

મોહન પ્યારે

અરે કાંટા લગા… કાંટા લગા અપુન કો…  કાંટા લગા… હાય લગા…  

અનંતરાય વિદ્યાપતિજી

જબરો છે… હા હા હા…

માયા

હા પપ્પા… 

પપ્પાજી આ મારા બોસ વી.પી. સાહેબ તમને ખાસ મળવા આવ્યા છે…

અનંતરાય વિદ્યાપતિજી

અરે હા ઓળખું તમને આપણે મળ્યા’તા પેલા રિહર્સલમાં…

વી.પી.સાહેબ

હા… રિહર્સલમાં…

અનંતરાય વિદ્યાપતિજી

બરાબર… હા… ભાઈ વાહ… સારુ મજા આવી હોં… આ લો સાહેબ… આ.. ભજીયા ખાવ બી.પી.સાહેબ

વી.પી.સાહેબ

બી.પી.. નહીં વી.પી…. વાઘજી નાગજી પોપટ… 

અનંતરાય વિદ્યાપતિજી

વાઘજી નાગજી પોપટ…? તો લો આ મરચું ખાવ…

માયા

પપ્પા….

અનંતરાય વિદ્યાપતિજી

હા હા હા… અરે ભઈ…આજે આજે ગમ્મત પડી ગઈ… હા… એમાં જ મોડું થયું… શું છે સરકાર… આ રોજ બગીચામાં જાઉં છું ને તે આજે અમારી મંડળી જામી ગઈ સાહેબ…

વી.પી.સાહેબ

અચ્છા…

મંગળા (સરકાર)

હા…

અનંતરાય વિદ્યાપતિજી

આ પેલો ગંડેરીવાળો ને પેલો ગોળા વેચે છે ઈ… ને માલિશવાળો ને બધા ટાબરિયા ને છોકરાઓ ભેગા થઈ ગયા મને કે’ દાદામુનિ શેરો શાયરી કરતે હૈં… અરે એમાં ને એમાં કલાક નીકળી ગયો… ને પછી ઘરે આવતો’તો ને દીકરા ત્યાં… આ બા’ર પેલો હરિહર છે ને એની લારી છે ભજીયાની….

માયા

હા… હા…

અનંતરાય વિદ્યાપતિજી

શું હાઈક્લાસ ભજીયા બનાવે છે હાળો હેં… સરકાર… ખાવા જેવા.. એટલા ટેસ્ટી…. આ જરા ટ્રાય કરવા જેવા છે…. ચાખો ચાખો…

વી.પી.સાહેબ

નહીં વડીલ શું છે કે મને ભજીયા નથી ભાવતા….

અનંતરાય વિદ્યાપતિજી

અર ર ર ર આ કઈ જાતનો માણસ છે…? અરે ભજીયા નથી ભાવતા તો જીવો છો શું કામ? અરે શાસ્ત્રોમાં કહ્યું છે ભાઈ શાસ્ત્રોમાં… કે દુનિયા છે તો ભજીયા છે ને ભજીયા છે તો દુનિયા છે… ને જેના ઘરમાં ન થાય ભજીયા… એના ઘરમાં કજીયા જ કજીયા…

માયા

પપ્પા…

મંગળા (સરકાર)

રહેવા દો…

વી.પી.સાહેબ

શું છે સાહેબ

અનંતરાય વિદ્યાપતિજી

હં…

વી.પી.સાહેબ

મારે તમારી સાથે હેલ્મેટનું થોડું પોસ્ટમોર્ટમ કરવું છે…

અનંતરાય વિદ્યાપતિજી

પોસ્ટમોર્ટમ કરવું છે…?

વી.પી.સાહેબ

એટલે કે ચર્ચા કરવી છે…

અનંતરાય વિદ્યાપતિજી

અ તમે જે બનાવ્યું હેલ્મેટ…?

વી.પી.સાહેબ

હા… 

અનંતરાય વિદ્યાપતિજી

એનું તો પોસ્ટમોર્ટમ જ થઈ ગયું છે… રહેવા દ્યો ને આપણે નથી કરવી ચર્ચા…  

માયા

પપ્પા…

અનંતરાય વિદ્યાપતિજી

જવા દ્યો…

માયા

પપ્પા… 

અનંતરાય વિદ્યાપતિજી

હં…

માયા

પપ્પા વી.પી.સાહેબે અશ્વિનને પાર્ટંરશિપ ઓફર કરી છે…

અનંતરાય વિદ્યાપતિજી

હેમ્લેટમાં?

અશ્વિનકુમાર

અરે  ના ના…  

અનંતરાય વિદ્યાપતિજી

તો…?

અશ્વિનકુમાર

બિઝનેસમાં પપ્પા…

અનંતરાય વિદ્યાપતિજી

બિઝનેસમાં…?

અશ્વિનકુમાર

હા…

વી.પી.સાહેબ

શું છે વડીલ ઘણું કર્યું… ઘણા ક્ષેત્રે કર્યું… હવે….

અનંતરાય વિદ્યાપતિજી

હવે કોનું કરી નાખવું છે…?

વી.પી.સાહેબ

ના… એટલે હવે પ્રસ્નલ સેટિસ્ફેક્શન માટે  મારે કંઈક કરવું છે…

અનંતરાય વિદ્યાપતિજી

પ્રસનલ…?

વી.પી.સાહેબ

હા… શું છે કે મારે તમારી સાથે કલા બાબત થોડી ચર્ચા કરવી છે…

અનંતરાય વિદ્યાપતિજી

ઓહો.. હો હો હો હો અભિનય કલા…?

વી.પી.સાહેબ

નહીં નહીં….

અનંતરાય વિદ્યાપતિજી

તો નાટ્યકલા.. નાટ્યકલા…?

વી.પી.સાહેબ

નહીં નહીં કલા… કલા… મારી વાઈફ …

અનંતરાય વિદ્યાપતિજી

તમારી વાઈફ…?

વી.પી.સાહેબ

તમે રિહર્સલમાં જોઈ હતી ને તે… ? ચન્દ્રકલાનું પાત્ર ભજવતી’તી તે…

અનંતરાય વિદ્યાપતિજી

ઓહો હો હો હો…. જબરી …. કલા …, જબરી કલા છે ભાઈ…, ઓહો… આમ એકલી સ્ટેજ પર ઊભી રે તો આખું સ્ટેજ ભરેલું લાગે…. અલા ભાઈ જબરજસ્ત છે…. કલા તમારી…. તે ક્યાંથી જડી…?

વી.પી.સાહેબ

સ્ટેજ પરથી….

અનંતરાય વિદ્યાપતિજી

મા-બાપ મૂકીને જતા રહ્યા,… હતાં…?  

વી.પી.સાહેબ

નહીં નહીં એમાં એવું છે ને કે એને નાનપણથી એક્ટિંગનો  જબરો શોખ…

અનંતરાય વિદ્યાપતિજી

હા લ્યો…

વી.પી.સાહેબ

જ્યારથી મેં એને જોઈને ત્યારથી બસ… પાગલ થઈ ગ્યો… હ્હા હા હા

અનંતરાય વિદ્યાપતિજી

અને હજી સુધી અસર ઉતરી નથી…

વી.પી.સાહેબ

હા….

અનંતરાય વિદ્યાપતિજી

હશે… હશે… ચાલો હું જાઉં… મારે હવે,,,

વી.પી.સાહેબ

એમ કેમ ચાલે વડીલ…? હેમ્લેટ વિશે જરા સલાહ…. સૂચન…?

અનંતરાય વિદ્યાપતિજી

અરે નહીં ભાઈ જવા દો… હું શું સલાહ આપવાનો …. મારો કાંઈ કશું……

અશ્વિનકુમાર

પપ્પાજી આટલે લાંબેથી આવ્યા છે મારા બોસ છે અને હવે કહે છે તો સલાહ સૂચન આપી દો ને….

માયા

હા પપ્પા….

અનંતરાય વિદ્યાપતિજી

ભાઈ… હવે જો પોપટ… આ સલાહ બલાહનું… જાવા દ્યો ક્હું છું… શું છે… આ સલાહનું છે ને જુલાબ જેવું છે…

વી.પી.સાહેબ

હેં…?

અનંતરાય વિદ્યાપતિજી

હા… જુલાબ જુલાબ… આપનાર માટે આસાન… પણ લેનાર માટે…. ભારે… રેવા દ્યો… એટલે જ કહું છું… જાવા દ્યો…

મંગળા (સરકાર)

ચાલો ચાલો…

વી.પી.સાહેબ

બાય ધ વે… ઇફ આઈ નોટ મિસ્ટેક… તમે પણ તમારા જમાનામાં હેમ્લેટ ભજવ્યું હતું… રાઈટ…?

અનંતરાય વિદ્યાપતિજી

હા ભાઈ હા…. હેં સરકાર યાદ છે ને અમે પણ અમારા જમાનામાં હેમ્લેટ ભજવ્યું હતું…?  હા …

ઘણો તફાવત- લાગ્યો હશે ને અમારા વર્ઝનમાં.,,,?

અનંતરાય વિદ્યાપતિજી

હા ભાઈ બહુ મોટો તફાવત હો પોપટભાઈ….

વી.પી.સાહેબ

બસ…. આ જ છે મારો પોઈન્ટ…. અરે કલાનું તો માનવું છે કે હેમ્લેટને સાચો ન્યાય ક્યારેય મળ્યો જ નથી…

અનંતરાય વિદ્યાપતિજી 

બોલો….

વી.પી.સાહેબ

અને કલાને તો છે ને જુની રંગભૂમિના દેશી નાટકો પ્રત્યે ભારે સૂગ…

અનંતરાય વિદ્યાપતિજી

શું બોલ્યા,…?

વી.પી.સાહેબ

અરે એ જમાનાના કંઈ કલાકાર હતા..? હેં…? આમ હાથ લાંબા કરીન બરાડાઓ પાડે…. હા હા હા ગળું ફાડી ફાડીને ગીતો ગાય….. અરે એક વીંગમાંથી બીજી વીંગમાં કુદકા મારતા જાય… એને નાટક ન કહેવાય… સરકસના ખેલ કહેવાય…

અનંતરાય વિદ્યાપતિજી

બસ કર… બસ કર તારો બકવાસ…. અક્કલના ઓથમીર બુદ્ધિના બારદાન તારી બુદ્ધિનું પ્રદર્શન બંધ કર….

માયા

પપ્પા આ શું બોલો છો…?

મંગળા (સરકાર)

રાયજી ચૂપ રહો…  

અનંતરાય વિદ્યાપતિજી

અરે મને શું કહે છે? આ શું બોલે છે…આ તમારો શેઠિયો શું બકવાસ કરે છે…? ના ના એ કહે છે કે એ સરકસના ખેલ હતા… જુની રંગભૂમિના નાટકો સરકસના ખેલ હતા…? હેં… અમે વાંદરાઓ હતા… કુતરાની જેમ કુદકા ….  અને આ તું…. તારું નામ છે પોપટ…. વાઘજી નાગજી… તને પાંજરામાં ઘાલી દેવા જેવો છે…

વી.પી.સાહેબ

મિસ્ટર દેસાઈ…. વ્હોટ ઇઝ ધીસ…?

અશ્વિનકુમાર

આઈ એમ સો સોરી સર… સોરી…  

માયા

યસ સર…

અનંતરાય વિદ્યાપતિજી

અલ્યા શું તને ભાઈ… કોણે તને ભાઈ તને હક કોણે આપ્યો નાટકો પર બોલવાનો હં…..? હેમ્લેટની તું વાતો કરે મારી સાથે….? અરે સાલા હેમ્લેટમાંથી આમ્લેટ બનાવી નાખ્યું… આમ્લેટ…  અને આની જાડી બાયડી ઊભી સ્ટેજ પર….

વી.પી.સાહેબ

મિસ્ટર દેસાઈ…. તમારા સસરાને રીતભાત આવડે છે કે નહીં…? આ હું નહીં ચલાવું… 

અશ્વિનકુમાર

સર સર હું…

અનંતરાય વિદ્યાપતિજી

અરે તું નહીં ચલાવે…? હું તને નહી ચલાવી લઉં… અરે હું તો નટસમ્રાટ છું કૈં કેટકેટલા નાટકો ભજવ્યા જિંદગી ખર્ચી નાખી આ રંગદેવતા પાછળ… પણ તું કોણ છે સાલા કડિયા…?

વી.પી.સાહેબ

કડિયો…?

અનંતરાય વિદ્યાપતિજી

કડિયા…

વી.પી.સાહેબ

મિસ્ટર દેસાઈ સમજાવી દો આમને … મેનરલેસ  માણસ છે…

અશ્વિનકુમાર

હું એમની સાથે પછી વાત કરીશ   તમે હમણાં અહીંથી જાઓ સર… 

વી.પી.સાહેબ

મને નહીં કાઢવા હોય તો આમને ઘરની બહાર કાઢો…

અનંતરાય વિદ્યાપતિજી

હેં…?

વી.પી.સાહેબ

હા…. સૌથી પહેલા આ બુઢ્ઢાને ઘરની બહાર કાઢો… ને પાર્ટનરશીપ જોઈતી હોય તો… ધેન સી ટુ મી..

અશ્વિનકુમાર

સર…

મંગળા (સરકાર)

સાહેબ… સાહેબ…

માયા

મારી વાત સાંભળો… અશ્વિન જા એમને રોક… જા જલદી…

અશ્વિનકુમાર

સર મારી વાત તો સાંભળો…

માયા

પપ્પા… પપ્પા… તમે શું કર્યું…?

અનંતરાય વિદ્યાપતિજી

તું મને નહીં કહેતી… છોકરી…

માયા

તમને કંઈ સમજાય છે પપ્પા…?

અનંતરાય વિદ્યાપતિજી

સમજાય છે બધું સમજાય છે…

માયા

અશ્વિન… વી.પી.સાહેબ

અનંતરાય વિદ્યાપતિજી

મેં ના પાડી… મેં કહ્યું મારે વાત નથી કરવી..

મંગળા (સરકાર)

રાયજી…

અનંતરાય વિદ્યાપતિજી

હં…

મંગળા (સરકાર)

આખરે તમે તમારો પાઠ ભજવીને જ રહ્યા કેમ…? અરે હજાર વાર કહ્યું છે કે મગજ પર કાબૂ રાખો,,, જીભ પર લગામ રાખો… પણ પથ્થર પર પાણી… અરે જે ડાળ પર બેઠા છીએ એ જ ડાળ કાપવાની મૂર્ખામી શું કામ કરો છો…?

અનંતરાય વિદ્યાપતિજી

આ તમે બોલો છો સરકાર….?

મંગળા (સરકાર)

હા હું બોલું છુ… અરે દીકરી અને જમાઈ આપણું આટઆટલું સાચવે છે એનોય વિચાર ન કર્યો તમે…?

અનંતરાય વિદ્યાપતિજી

સરકાર…. તમારા ભગવાન વિષે કોઈ ગાળો આપે…. તમારા ભગવાનનું આપમાન કરે તો તમે સાંખી લેશો…? એ કડછો મારા રંગદેવતાનું અપમાન કરતો હતો… સરકસના ખેલ કહે છે…

મંગળા (સરકાર)

અરે તમે … તમે એનું અપમાન કરીને તમારા દીકરી જમાઈના હિતને કેટલું નુકસાન પહોંચાડ્યું છે એની કલ્પના છે તમને…?

અનંતરાય વિદ્યાપતિજી

હા….

મંગળા (સરકાર)

અરે તમે તો નિવૃત્ત થઈ ગયા છો પણ તમારી દીકરી અને જમાઈની જિંદગી હજી બાકી છે…  

અનંતરાય વિદ્યાપતિજી

 (હાથ જોડતા…. કહે છે…) શું કરું બોલો હું શું કરું…?

મંગળા (સરકાર)

માફી માગો….

અનંતરાય વિદ્યાપતિજી

માફી….? સરકાર તમે મને માફી માગવાનું કહો છો…? આ… બે બદામના શેઠિયાની હું માફી માંગું…?

મંગળા (સરકાર)

રાયજી…. ગમે તેમ તોય એ એમના બોસ છે… એમના પગે પડો હાથ જોડો… રાયજી… ઘડપણ આવે એટલે માણસે ગમ ખાતા શીખવું જ પડે…

અશ્વિનકુમાર

માયા… માયા… તું પ્લીઝ મારી વાત સાંભળ…

મંગળા (સરકાર)

માયા શું થયું બેટા…?

માયા

થવાનું શું હતું…? ગાડીમાં બેસીને ઉપડી ગયા.,..

અશ્વિનકુમાર

હા ઇટ્સ ઓકે પણ હવે એમાં કયું મોટું આભ તૂટી પડ્યું…? એ તો હું કાલે ઓફિસમાં જઈને એમને મનાવી લઈશ… અને જો બહુ બહુ તો એ મારી નોકરી છીનવી લેશે એટલું જ ને…? મારી આવડત તો નહીં ને…? રિલ્ક્સ ઓકે…?  રિલેક્સ….

અનંતરાય વિદ્યાપતિજી

જમાઈરાજ…. અશ્વિનકુમાર… નહીં ભાઈ તમારે માફી માગવાની જરૂર નથી… માફી હું માગીશ…. તમારી સાથે આવીને તમારા શેઠીયાની હાથ જોડીને હું માફી માગી લઈશ ભાઈ મારી ભૂલ થઈ ગઈ…

અશ્વિનકુમાર

પપ્પાજી આ શું બોલો છો તમે…?

અનંતરાય વિદ્યાપતિજી

નહીં બેટા ભૂલ મારી થઈ…. બેટા માયા માફ કરજે તારા આ બાપને… સરકાર ત્રણ ત્રણ મહિનાથી ઓશિયાળા થઈને આપણે અહીં દીકરીના ઘરમાં પડ્યા છીએ… પણ હજી મારો ઘમંડ જતો નથી… ઘમંડ જતો નથી… બોલ્યા વગર રહી નથી શકતો… અને બોલું એટલે… મને માફ કરી દેજો મને… તમારા સસરાને માફ કરી દેજો… દીકરી… વાંક મારો છે… નહીં બોલું… હવે હું નહીં બોલુ… (બીજા રૂમમાં જતા રહે છે…)

માયા

અશ્વિન આઈ એમ સોરી…

અશ્વિનકુમાર

ફોર વ્હોટ…?

માયા

મેં જ મમ્મી પપ્પાને અહીં રાખ્યા એટલે…

અશ્વિનકુમાર

આ શું બોલે છે તું…? ઈટ્સ અ ડ્યુટિ માયા…

માયા

અશ્વિન પહેલા મને એમ થતું હતું કે વાંક અમર અને જ્યોતિનો છે એમણે મમ્મી પપ્પાને સાચવ્યા નહીં… પણ હવે મને સમજાય છે કે એમને સાચવવા એટલું સહેલું નથી… અમરે પત્રમાં જે કંઈ લખ્યું હતું એ બધું ખોટું નહોતું… 

અશ્વિનકુમાર

માયા મારી એક વાત હમેશા યાદ રાખજે… જો જીવનમાં બીજું બધું પાછું મળશે… પણ મા-બાપ ક્યારેય નહીં મળે… હું અનાથ છું… અનાથાશ્રમમાં ઉછર્યો છું… છતાંય કહું છું તને… અને કદાચ એટલે જ  કહી રહ્યો છું…

માયા

અશ્વિન એમને સંભાળવાની જબ્વાબદારી મારી છે… તો તને સુખી રાખવાની જવાબદારી મારી છે… અને હું મારે બન્ને ફરજો બરાબર બજાવીશ… મેં નિર્ણય લઈ લીધો છે…

અશ્વિનકુમાર

કેવો નિર્ણય…?

માયા

મમ્મી અને પપ્પા પોતાની દુનિયામાં પોતાની રીતે જીવી શકે એવો નિર્ણય…

અશ્વિનકુમાર

એક મિનિટ માયા… એટલે તેં શું કરવા ધારે છે…?

આવતીકાલથી મમ્મી અને પપ્પા આ ઘરમાં નહીં રહે…. આઉટહાઉસમાં રહેશે…

અશ્વિનકુમાર

માયા… માયા મારી વાત સાંભળ…  

(દ્રશ્ય પૂરું)

અનંતરાય વિદ્યાપતિજી

બૂરા જો દેખન મૈં ચલા…બૂરા ન મિલિયા ન કોઈ… જો દિલ દેખા આપના… મુજસે બૂરા ન કોય…  એ… એય…

મંગળા (સરકાર)

હં… હં…

અનંતરાય વિદ્યાપતિજી

એય… તું સાંભળે છે કે ઝોકા ખાય છે…?

મંગળા (સરકાર)

ના સાંભળું છું…

અનંતરાય વિદ્યાપતિજી

હું ક્યારનોય અહીં કબીરવાણી વાંચું છું ને તું ઝોકા ખાય છે…? 

મંગળા (સરકાર)  

ના ના   સાંભળું છું…

અનંતરાય વિદ્યાપતિજી

હા… કબીરજી આગળ કહે છે સરકાર….

મંગળા (સરકાર)  

હં…

અનંતરાય વિદ્યાપતિજી

કે દુ:ખમેં સુમિરન સબ કરે સુખમેં કરે ન કોઈ… પર જો સુખ મેં સુમિરન કરે તો દુ:ખ કહાં સે હોય… ?  હા હા હા… (હસે છે…)

મંગળા (સરકાર)  

કેમ વળી…? અમાં તમને હસવું કેમ આવ્યું?

અનંતરાય વિદ્યાપતિજી

એ કચરાલાલ યાદ આવી ગ્યો … કચરાલાલ…

મંગળા (સરકાર)  

કોણ કચરાલાલ…?

અનંતરાય વિદ્યાપતિજી

અરે તું ભુલી ગઈ…? અમારા નાટકમંડળીવાળો… પેલો જાડિયો કોમેડિયન…

મંગળા (સરકાર)  

હા હા,,,

અનંતરાય વિદ્યાપતિજી

એ મારો બેટો કચરો… હમેશા ચોપાઈ ગાતો પણ જરા જુદી રીતે હેં… કે રામ રામ સબ કરે… દશરથ કરે ન કોઈ… પર દશરથ શાદી ના કરે તો રામ કહાં સે હોય…?

(બન્ને હસીને એકબીજીને તાલી આપે છે…) 

મંગળા (સરકાર)  

તમે તો એવા ના એવા… જ રહ્યા…

અનંતરાય વિદ્યાપતિજી

લે કર વાત સરકાર આ તો પૈસો બોલે છે નાટકની તકિયા કલામ … “તમે તો એવા ને એવા જ રહ્યા….”     ઓ રામ

મંગળા (સરકાર)  

રાયજી…

અનંતરાય વિદ્યાપતિજી

લે જરા રાખ ને આ

મંગળા (સરકાર)  

એક વાત પૂછું…?

અનંતરાય વિદ્યાપતિજી

હા બોલ ને ભાઈ શું પૂછવું છે…/?

મંગળા (સરકાર)  

આ માયાએ આપણને આઉટહાઉસમાં ખસેડ્યા તેથી તમને દુ:ખ તો નથી થયું ને..?

અનંતરાય વિદ્યાપતિજી

અરે દુ:ખ શેનું સરકાર…. હું તો બહુ ….

મંગળા (સરકાર)  

ધીરે… ધીરે…

અનંતરાય વિદ્યાપતિજી

સરકાર ના…. હું તો રાજીના રેડ થઈ ગયો છું …. અરે ભાઈ…. ભલું થયું ભાંગી ઝંઝાળ…. હવે નહીં કોઈની કટકટ અને નહીં કોઈની ટક ટક … હેં સરકાર… હું ને તમે…. ડોસો અને ડોસી બન્ને જણાં નાનકડી ઓરડીમાં એકલા….

મંગળા (સરકાર)  

હાં….

અનંતરાય વિદ્યાપતિજી

પેલું ગીત યાદ આવ્યું મને તો… 

મંગળા (સરકાર)  

કયું…?

અનંતરાય વિદ્યાપતિજી

કે હમ તુમ એક કમરેમેં બંધ હોં ઔર ચાબી ખો જાય…

મંગળા (સરકાર)  

હાં… એમ હસીને વાત નહીં ઉડાવો હોં… રાયજી… મારે મારે … તમારી માફી માગવી છે…

અનંતરાય વિદ્યાપતિજી

શું કામ…?

મંગળા (સરકાર)  

એ દિવસે મેં તમને બહુ કડવા વેણ કહ્યા’તા ને…?  ત્યાં…

અનંતરાય વિદ્યાપતિજી

હવે તું યે ખરી છે… એમાં માફી શું માગવાની હું જાણું છું… એ દિવસે વાંક મારો જ હતો… હું દડ દડ બધું બકી ગ્યો… અને તમે જે કાંઈ પણ કહ્યું એ આપણા ભલા માટે જ હતું સમજું જ છું…  અને તમે માનશો લો… એ બદલ તો હું તમારો આભાર માનવાનો હતો…   

મંગળા (સરકાર)  

બસ બસ રહેવા દો… દાઢમાંથી બોલો છો એ હું સમજું છું હોં….

અનંતરાય વિદ્યાપતિજી

તારી ભલી થાય… એટલે તું દેખાય છે એટલી ડોબી નથી…. કાં…?

મંગળા (સરકાર)  

હં… ડોબી તો ડોબી… પણ મારા વગર તમારો ઉદ્ધાર નથી…

(બન્ને હસે છે)

અનંતરાય વિદ્યાપતિજી

હવે હા જ પાડવી પડશે કારણ કે હવે આ ઉંમરે બીજી કોઈ જડવાની નથી…   

(બન્ને હસે છે…)

મંગળા (સરકાર)  

કહું છું રાયજી…

અનંતરાય વિદ્યાપતિજી

હં…

મંગળા (સરકાર)  

કેટલા વાગ્યા…?

અનંતરાય વિદ્યાપતિજી

વાગ્યા…. શું કરવું છે તારે સમય જાણીને હેં… ઓફિસ જવું છે,…?

મંગળા (સરકાર)  

ના…

અનંતરાય વિદ્યાપતિજી

અરે સરકાર… સમય સાથેનો હવે આપણો સંબંધ પૂરો થયો… ઘડિયાળનો હવે આપણે કોઈ ખપ જ નથી… હવે આપણે કલાકો નહીં દિવસો ગણવાના છે… દિવસો ગણવાના છે…

મંગળા (સરકાર)  

પાછા ઉદાસ થઈ ગયા…?

અનંતરાય વિદ્યાપતિજી

ઉદાસ નથી થઈ ગયો પણ સાચું કહું ને તો હવે કંટાળો આવે છે…. આ સવારથી આપણે બન્ને ડોસાડોસી આ ઓરડીમાં બેઠા બેઠા ટાયલા કરીએ ગપ્પા મારીએ… અરે આ રામાયણ પણં પૂરું કર્યું… તોય કેમે કર્યો સમય ખૂટતો નથી… સરકાર…

મંગળા (સરકાર)  

હં…

અનંતરાય વિદ્યાપતિજી

તમે જો હા પાડો તો મેં એવું વિચાર્યું છે કે હું કંઈક કામ ધંધે વળગું….

મંગળા (સરકાર)  

કામધંધે…?

અનંતરાય વિદ્યાપતિજી

હા…

મંગળા (સરકાર)  

શું…?

અનંતરાય વિદ્યાપતિજી

તને સમજાવું…

મંગળા (સરકાર)  

હં…

અનંતરાય વિદ્યાપતિજી

જો સાંભળ આ આ આજુબાજુમાં બધા બંગલાઓ છે બરાબર…?

મંગળા (સરકાર)  

હા છે…

અનંતરાય વિદ્યાપતિજી

એમાં બધા નાના નાના ટાબરિયાઓ રહે છે…

મંગળા (સરકાર)  

હા…

અનંતરાય વિદ્યાપતિજી

તે મેં એવું વિચાર્યું છે સરકાર… આપણે બધા ટાબરિયાઓને… છોકરાઓને અહીંયાં ભેગા કરીએ..

મંગળા (સરકાર)  

શું કરવા…?

અનંતરાય વિદ્યાપતિજી

એ… હું એમને અભિનય શીખવાડું… સરકાર મને બીજું તો શું આવડે હેં…? એમ સમજ ને નાના ભૂલકાઓ માટે એક અભિનયની તાલીમ શાળા જેવું અહીંયા ચાલુ કરીએ હેં…?   વિચાર કેવો છે…?

મંગળા (સરકાર)  

સરસ…

અનંતરાય વિદ્યાપતિજી

સારું છે ને જો એ બહાને શું થાય કે ઘરમાં અહીં ઓરડીમાં વસ્તીની વસ્તી રહે… જરા વિચાર કર હેં…?

મંગળા (સરકાર)  

હા…

અનંતરાય વિદ્યાપતિજી

આ બધા નાના નાના છોકરાવ આંય થી આંય દોડાદોડી કરે… એ દાદા.. એ દાદી… આમ છે શું આ બધું ભર્યું ભર્યું ઘર લાગે અને સરકાર…

મંગળા (સરકાર)   

હં…

અનંતરાય વિદ્યાપતિજી

કદાચ એમાંથી જ,  એ નાના ભૂલકામાંથી જ  આપણને મળે જાય આપણી છછૂંદરી…

મંગળા (સરકાર)  

છછૂંદરી… ?

અનંતરાય વિદ્યાપતિજી

છછૂંદરી ….

મંગળા (સરકાર)  

આપણી છછૂંદરી

અનંતરાય વિદ્યાપતિજી

અરે પણ એ… શું મંડી રડવા… પૂરી વાત સાંભળતી નથી તું… મેં એમ વિચાર્યું છે આપણે આ જે અભિનયની શાળાઅ ને વર્ગ ચાલુ કરીએ ને એનું ઉદઘાટન કરાવીએ આપણી છછૂંદરી પાસે…

મંગળા (સરકાર)  

હેં…?

અનંતરાય વિદ્યાપતિજી

બરાબર… ? 

મંગળા (સરકાર)  

હા…

અનંતરાય વિદ્યાપતિજી

આપણે શું કરશું… સરસ મજાનું કાર્ડ છપાવશું…. અને  અને એને વિમાનની ટિકિટ મોકલશું છછૂંદરીને…

મંગળા (સરકાર)

અરે વાહ…. આપણે કાર્ડ છપાવીશું… આપણે એને વિમાનની ટિકિટ મોકલાવીશું… અને આપણી છછૂંદરી અહીં આવશે ને દોડાદોડી કરશે… રમશે અહીંયાં…  

અનંતરાય વિદ્યાપતિજી

ચાલ બસ હવે રહેવા દે… બસ બસ રહેવા દે… બસ…  તારી તો દરેક વાતમાં…. હું કાંઈ પણ કહું એટલે હા એ હા કરે… ક્યાંથી આવશે…? બાપના  વહાણ છે તે આવશે…?

મંગળા (સરકાર)

હેં…?

અનંતરાય વિદ્યાપતિજી

અરે કાર્ડ છપાવશું ને ટિકિટ… ફદિયા ક્યાં છે…? ફદિયા છે…. ? 

મંગળા (સરકાર)

કેમ ભૂલી ગયા…?

અનંતરાય વિદ્યાપતિજી

અરે….?

મંગળા (સરકાર)

પેલો હાર વેચ્યો’તો એના પૈસા ટ્રંકમાં પડ્યા છે ને હજુ…? છે છે..

અનંતરાય વિદ્યાપતિજી

અરે તારી ભલી થાય એ તો મારા ધ્યાન બહાર નીકળી ગયું સરકાર…. જો હવે આપણે તો એ પૈસાનો કંઈ ખપ નથી…

મંગળા (સરકાર)

હા…

અનંતરાય વિદ્યાપતિજી

આ જો તને જરા.. તારી તબિયત જરા સારી થાય ને એટલે જઈને ઢગલાબંધ રમકડાં લઈ આવીએ…

મંગળા (સરકાર)

હા…

અનંતરાય વિદ્યાપતિજી

છોકરાઓ રમશે… અને છોકરાઓને ચા પાણી ને નાસ્તો પણ આપણા તરફથી કરાવશું…

મંગળા (સરકાર)

હા ભલે… ભલે.. 

અનંતરાય વિદ્યાપતિજી

હવે હું શું કહું છું…?

મંગળા (સરકાર)

હં…?

અનંતરાય વિદ્યાપતિજી

તારી પેટી કાઢ અને એમાંથી મને જરા પાંચ સો ની નોટ આપ…

મંગળા (સરકાર)

હેં…?

અનંતરાય વિદ્યાપતિજી

પાંચ સો રૂપિયા…

મંગળા (સરકાર)

શું કામ…?

અનંતરાય વિદ્યાપતિજી

આજે જરા મૂડ આવ્યો છે પાર્ટી કરીએ… આ જો આ …. ગલીને નાકે છે ને પેલી હોટલ છે… શું શેરે પંજાબ…

મંગળા (સરકાર)

હં…

અનંતરાય વિદ્યાપતિજી

અરે ચટાકેદાર ખાવાનું મળે છે હોં…?

મંગળા (સરકાર)

હં…

અનંતરાય વિદ્યાપતિજી

તે હું જઈને લઈ આવું ને પછી હું ને તું ડોસો ડોસી આહીં પાર્ટી કરી… બોલ…

મંગળા (સરકાર)

ઓહો..હો..હો… 

અનંતરાય વિદ્યાપતિજી

હા…

મંગળા (સરકાર)

પાંચસો રૂપિયા….?  

અનંતરાય વિદ્યાપતિજી

પાંચસો રૂપિયા…  

મંગળા (સરકાર)

પાર્ટી…?

અનંતરાય વિદ્યાપતિજી

પાટી…

મંગળા (સરકાર)

આપણે બે…?

અનંતરાય વિદ્યાપતિજી

ઓન્લી ટૂ…

મંગળા (સરકાર)

શેરે પંજાબ,…?

અનંતરાય વિદ્યાપતિજી

શેરે પંજાબ…

મંગળા (સરકાર)

આ લો આ કબીરવાણી વાંચો…

અનંતરાય વિદ્યાપતિજી

કબીરવાણી… આ રામ… કોઈ જાતનો રસ નથી આને… સાવ નિરસ…   કહત કબીર સૂનો ભાઈ સાધો…. 

(દ્રશ્ય પૂરું…)

(ઘરની અંદરનું દ્રશ્ય… )

અશ્વિનકુમાર

માયા… માયા….

માયા

શું…?

અશ્વિનકુમાર

માયા શું થયું…? આઈ એમ ગેટીંગ લેટ… જલદી કર… મારુ પૈસાનું કવર મળ્યું કે નહીં…?

અ… ના…

અશ્વિનકુમાર

ના…?

હા…   મારી પર્સમાં પણ નથી કબાટમાં પણ નથી…

અશ્વિનકુમાર

નથી…? પણ જાય ક્યાં…?

અશ્વિનકુમાર

આઈ ડોન્ટ નો…  

અશ્વિનકુમાર

માયા કવરની અંદર મારા કંપનીના વીસ હજર રૂપિયા છે…

માયા

મને ખબર  છે અશ્વિન … મેં અંદર સાચવીને જ મૂક્યા હતા…

અશ્વિનકુમાર

સાચવીને મૂક્યું હતું તો પછી ગયું ક્યાં…? 

માયા

અશ્વિન મને ખબર હોત તો તને આપી ન દીધું હોત…? તેં તારી બેગમાં જોયું…?

અશ્વિનકુમાર

જોયું… નથી એમાં  પણ….

માયા

હે ભગવાન તો જાય ક્યાં….? મોહન મોહન…

મોહન

હા મેડમ…

માયા

તેં સાહેબના પૈસાનું કવર જોયું…? 

મોહન

કૈસા કવર?

માયા

મેં અંદર જ મૂક્યું હતું…

મોહન

લેકિન મૈં તો અંદર ગયા હી નહીં…

માયા

મોહન અમે તારા ભરોસે ઘર છોડીને જઈએ છીએ…

મોહન

યાની આપ મુજ પે શક કર રહી હૈં…?

માયા

તારા સિવાય બીજું કોઈ ઘરમાં હોતું જ નથી તો પછી કવર જાય ક્યાં…? શું એને પગ આવી ગ્યા…? 

મોહન

યાની મૈં ચોર…?  

માયા

મેં એવું નથી કીધું…

અશ્વિનકુમાર

માયા પ્લીઝ… હવે આ બધી વસ્તુનો કોઈ અર્થ નથી… વાંક તારો છે આની અંદર … તું કવર ગોતીને રાખજે આઈ એમ ગોઇંગ…

માયા

પણ અશ્વિન તું મારી વાત તો…. અરે… (અશ્વિન જતો રહે છે…) મોહન હું કાંઈ નથી જાણતી… મને ગમે ત્યાંથી કવર મળવું જ જોઈએ…

મોહન

લેકિન મેડમ મૈં…

માયા

હું બપોરે માર્કેટમાં ગઈ ત્યારે ઘરમાં કોઈ આવ્યું હતું…?

મોહન

નહીં… સિર્ક ગુરુદેવ આયે થે પેપર લેને…

માયા

ઠીક છે તું અંદર જા…

(માયા   મંગળા અને વિદ્યાપતિના રૂમમાં જાય છે… )

અનંતરાય વિદ્યાપતિજી

 (મંગળાને ઉધરસની દવા આપતા વિદ્યાપતિ કહે છે…)  

આ લે લે લે … આ … આ લે પાણી પી… બસ…? ઠીક લાગે છે..? હવે જુઓ સરકાર એટલે જાણે આ અભિનયની શાળા ચાલુ કરવાનો નિર્ણય તો પાકો થયો …  બરાબર છે…?

મંગળા (સરકાર)

હા…

અનંતરાય વિદ્યાપતિજી

આહ… હવે તું આ અભિનયની શાળાની પ્રિન્સિપાલ ને હું હેડ માસ્તર… બરાબર…?

મંગળા (સરકાર)

હેં…? હું પ્રિન્સિપાલ ને તમે હેડમાસ્ટર…?

અનંતરાય વિદ્યાપતિજી

હા તે ખાલી સહી કરવા પૂરતી જ…. અને બીજી સૌથી મોટી જવાબદારી તારી માથે નાખવાની…

મંગળા (સરકાર)

હા…

અનંતરાય વિદ્યાપતિજી

આપણે જે નિર્ણય લીધો તેની જાણ માયા મેડમને કરવાની તમારે…

મંગળા (સરકાર)

હા…

અનંતરાય વિદ્યાપતિજી

સમજી…?

મંગળા (સરકાર)

એ આપણું જમવાનું લઈને આવશે ને એને હું સમજાવી દઈશ હોં…?

અનંતરાય વિદ્યાપતિજી

હા બસ….  પાકું હોં…?

મંગળા (સરકાર)

આ જુઓ આવી… !

અનંતરાય વિદ્યાપતિજી

કોણ આવી…?

મંગળા (સરકાર)

માયા…

અનંતરાય વિદ્યાપતિજી

ઓહ ભલી થાય આ લો થીંક ઓફ ધ ડેવિલ એન્ડ ડેવિલ ઈઝ હીયર…

મંગળા (સરકાર)

માયા બેટા સો વરસની થાજે દીકરા… હમણાં તારી જ વાત કરતા હતા… 

અનંતરાય વિદ્યાપતિજી

હા બરાબર… હું તારી બા ને કહેતો હતો દીકરી કે આ દુનિયાની માયા ખોટી છે…

મંગળા (સરકાર)

હં… અરે… કેટલા દિવસે જોઈ તને દીકરા… હં.. અને અશ્વિનકુમાર ક્યાં છે ? બે દિવસથી દેખાયા નથી…

માયા

અ… હમણાં બહુ બીઝી રહે છે… નવો પ્રોજેક્ટ મળ્યો છે એટલે આજે જ શીરડી ગયો છે…

અનંતરાય વિદ્યાપતિજી

અચ્છા અચ્છા… શું બેટા… ? શું શોધે છે તું…? 

માયા

અ… અશ્વિનના ડોક્યુમેન્ટ્સનું કવર નથી મળતું…

મંગળા (સરકાર)

લે… એ ડોક્યુમેન્ટ્સનું કવર તું આહીં શોધવા આવી…? અહીં ક્યાંથી આવ્યું હોય..? ખરી છે તું

તો…

માયા

કદાચ ભૂલમાં આવી ગયું હોય… ને…?

મંગળા (સરકાર)

અરે પણ બેટા.. બેટા ભૂલમાં અહીંયાં શું કામ આવે હં…? અહીંયા કેવી રીતે આવે હેં…?

માયા

અ… તમે બપોરે છાપું લેવા આવ્યા હતા ને…?

અનંતરાય વિદ્યાપતિજી

હા.. આવ્યો’તો ઘરે…

માયા

ત્યારે જોયું’તું..?

અનંતરાય વિદ્યાપતિજી

મેં…? ના બેટા… કવર મેં કશું જોયું નહીં,.. આ છાપું પડ્યું’તુ ત્યા સોફા પર… લાવો સરકાર… આ છાપું વાંચી લીધું છે લે લઈ જા બેટા…. તારું છાપું… હં… શું થયું પણ… કેમ આમ…?

માયા

અ… અ.. મમ્મી ઈસ્ત્રી કરેલા  કપડા ક્યાં મૂક્યા છે…?

મંગળા (સરકાર)

આ નીચે ટ્રંકમાં છે બેટા… પણ એમાં ક્યાંથી હોવાનું..?

માયા

કદાચ મિક્સ અપ થઈ ગયું હોય…

અનંતરાય વિદ્યાપતિજી

મિક્સ અપ… બોલો… મિક્સ અપ થઈ ગયું… અરે છોકરી… આ મિક્સ અપ તું થઈ ગઈ છે… હા… આની આદત છે આમ ગમે તે વસ્તુ ગમે ત્યાં નાખવાની… કોણ જાણે… આને

માયા

છેલા બાર વર્ષથી ઘર હું જ ચાલાવું છું… આની પહેલા આવું ક્યારેય નથી બન્યું…

મંગળા (સરકાર)

સારુ સારુ તું શોધી લે બેટા… કદાચમાં ભૂલમાં આવી પણ ગ્યુ હોય… તમે શાંતિ રાખો ને ભાઈસાબ…

અનંતરાય વિદ્યાપતિજી

અર ર ર પણ મારા ધોતિયાની ઈસ્ત્રી બધી ચૂંથી નાખી… ખરી છે છોકરી… આ મૂકે માણાવદર અને શોધે મહેસાણા… એમાંની છે આ… હંહ… 

માયા

મમ્મી…

મંગળા (સરકાર)

હં…

માયા

આ આટલા બધા પૈસા શેના છે…?

અનંતરાય વિદ્યાપતિજી

એ તો… મારા…

હા…

મંગળા (સરકાર)

બેટા અમારા છે…

માયા

અહં…

અનંતરાય વિદ્યાપતિજી

એ ભાઈ…

માયા

ઠીક છે હું મારી પાસે સાચવીને મુકું છું…

અનંતરાય વિદ્યાપતિજી

અરે ભાઈ… આ સાચવવાના નથી હવે આ પૈસા વાપરવાના છે… હવે કહી દે ઓલી વાત…

માયા

હું જાઉં છું… મોહન જમવાનું લાવશે…

અનંતરાય વિદ્યાપતિજી

અરે પણ તું સાંભળ તો ખરી… અરે તમે કહેતા નથી આપણી પેલી વાત…  

મંગળા (સરકાર)

પણ…

અનંતરાય વિદ્યાપતિજી

તારાથી એક કામ ન થાય… ને જો દોડી ગઈ છોકરી… બાપ આમ વાતો કરે છે સાંભળવા ય… ફટ્ દઈને દોડી ગઈ …  આ તારા પર ગઈ છે… આ છોકરી…

મંગળા (સરકાર)

હા પણ સ્વભાવ તો અસલ તમારા જેવો ઉકરો છે હં… લવિંગિયા મરચા જેવો…   

અનંતરાય વિદ્યાપતિજી

હમણાં કહું તે… કવિંગિયા મરચામાંથી મને તો સિમલા મિર્ચી જેવો બનાવી દીધો છે…

મંગળા (સરકાર)

ઉધરસ ખાય છે…

અનંતરાય વિદ્યાપતિજી

અરે પણ કાંઈ…

મંગળા (સરકાર)

કહું છું રાયજી… તમને ઠંડી લાગે છે…?

અનંતરાય વિદ્યાપતિજી

ના… 

મંગળા (સરકાર)

મને ટાઢ ચડી છે…

અનંતરાય વિદ્યાપતિજી

લે વળી પાછી… તને ટાઢ ચડી…. આ લે લે લે ઓઢી લે આ ઓઢી લે… આ સાંજ પડે છે અને તને આ ઉભી રે… લે… આ ઓઢી લે જોઉં…

મંગળા (સરકાર)

આહ…

અનંતરાય વિદ્યાપતિજી

આ જરા આને કહીને બીજા બે ગરમ ઓઢવાના મંગાવી લેતી હોય તું… આ તારી…. આ ઉભી રે ઉભી રે જરા… મને માપવા દે જોઉં તાવ કેટલો છે પાછો…? આ… આ ડાક્ટરે છે ને ખોટેખોટા કંઈ હમજ્યા વગર… આ લે… તને કહું…? આ મેલેરિયા છે મેલેરિયા… આ મચ્છરા એટલા ઘરી જાય છે ને ઘરમાં… લે જરા માપી જો તાવ જોવા દે મને … ચાલ મુક મોઢામાં મુક… અરે શું કરે તું…? આ થર્મામીટર છે … દાતણ નથી…. હું મંડી આમ કરવા… પકડી રાખ બરાબર… હા…

અને જો રેવા દે ચાલ…. એક કામ કર… આ તને બહુ ટાઢ ચડી છે ને…?

મંગળા (સરકાર)

હા…

અનંતરાય વિદ્યાપતિજી

આ દવાથી કાંઈ નહીં થાય… એક કામ કર જરા બ્રાન્ડી પી….

મંગળા (સરકાર)

એમ…?

અનંતરાય વિદ્યાપતિજી

શું સમજી..? બ્રાન્ડી બ્રાન્ડી..  ગરમાટો આવી જશે શું…? એક નાનકડી બાટલી લઈ આવું છું તું એક અડધી

ચમચી પી…

મંગળા (સરકાર)

હા… અને પછી બાકીની તમે ગટગટાવી જશો… કાં…?

અનંતરાય વિદ્યાપતિજી

અરે ભગવાન…

મંગળા (સરકાર)

ઓહ…

અનંતરાય વિદ્યાપતિજી

તારી…  આ લો શાહરુખખાન આવી ગ્યો ભાઈ… આવ… ભાઈ આવ…આવ.. આવ… દીકરા… આવ

મોહન પ્યારે

ગુરુદેવ ખાના ખા લીજીયે…

અનંતરાય વિદ્યાપતિજી

હાં ભઈ ખાતે હૈં… હં…?

મોહન પ્યારે

મેરે હાથ કા ખાના આખરી બાર…

અનંતરાય વિદ્યાપતિજી

ક્યા ભાઈ સુનાઈ નહીં દિયા…  ક્યા બોલા ?

મોહન પ્યારે

મેરે હાથકા ખાના આખરી બાર…

મંગળા (સરકાર)

હેં…?

અનંતરાય વિદ્યાપતિજી

ક્યોં  આખરી બાર બોલે તો ક્યા ખાના છોડ કે કુછ ઓર રાંધને વાલા હૈ…?

મંગળા (સરકાર)

હં… લાગે છે કે ફરી પાછુ ફિલમનું ભૂત સવાર થયું છે…?

અનંતરાય વિદ્યાપતિજી

એય છોટીયા શેનો રોલ કરવો છે  તારે બોલ… ? હીરો નો કે વિલનનો… ?

મોહન પ્યારે

ચોર નો…

અનંતરાય વિદ્યાપતિજી

ચોરનો રોલ કરવાનો છે તું…? કોઈ રાજકીય પિક્ચર લાગે છે…

મોહન પ્યારે

ફિલ્મમેં નહીં દાદામુનિ રીયલ મેં… 

મંગળા (સરકાર)

હેં…?

માયા મેમસાબને અપુન કો ચોર ઠહરાયા…

અરે અનંતરાય વિદ્યાપતિજી

હેં…?

મોહન પ્યારે

દાદામુનિ અપુન પાંચ સાલ સે નોકરી કર રહા હૈ… ગરીબ હૈ લેકિન ઇમાનદારી પુરી હૈ… લેકીન આજ સબ ખતમ… 

મંગળા (સરકાર)

પણ … અરે થયું છે શું…?

 અનંતરાય વિદ્યાપતિજી

માયા એ આને ચોર કહ્યો તે શું થયું શું દીકરા…? માંડીને વાત કર ભઈ શું બોલે છે તું હેં…?

મોહન પ્યારે

અશ્વિનસાબ કા બીસ હજાર રૂપિયા ચોરી હો ગયા ઔર માયા મેમસાબને અપુન પે ઇલ્ઝામ લગાયા….. અપુન પે ઇલઝામ લગાયા… દાદામુનિ અપુન કસમ ખા કે બોલતા હૈ અપુન કો કુછ નહીં માલુમ હૈ… કુછ માલુમ નહીં હૈ અપને કો

અનંતરાય વિદ્યાપતિજી

હા… એય એય નહીં ભાઈ નહીં,,,  દીકરા જો રડતો નહીં… અરે તારે  કાંઈ સમ ખાવાની જરૂર નથી હું જાણું છું… હું જાણું છું…  તું નિર્દોષ છે છોકરા… એય…

મોહન પ્યારે

નહીં દાદામુનિ અભી અપુન કો નોકરી નહીં કરના હૈ…

મંગળા (સરકાર)

અરે અરે તું ઉભો તો રે જો હું જઈને માયાને સમજાવીશ…

મોહન પ્યારે

નહીં માજી આપ બૈઠીયે… ગરીબ આદમી કી ભી ઇજ્જત હોતી હૈ… દાદામુનિ… મૈં  આપ સે મિલને ગાર્ડન મેં આઉંગા…  

અનંતરાય વિદ્યાપતિજી

અરે…  

મોહન પ્યારે

અપને શિષ્ય કો ભૂલ મત જાના…

 (મોહન ને ગળે લગાડે છે)

મંગળા (સરકાર)

અરે તું સાંભળ… અરે ગાંડિયા ઉભો રે… રાયજી રોકો એને તમે રોકો… રાયજી…

અનંતરાય વિદ્યાપતિજી

છૂટ્યો… હું તો કહું છું સરકાર… છૂટ્યો બિચારો છૂટ્યો…

મંગળા (સરકાર)

આ મોટા બંગલાઓની આ જ મોકાણ હોય છે… ખુલ્લા બારી બારણામાંથી કોણ ક્યારે ક્યાંથી આવી જાય….

અનંતરાય વિદ્યાપતિજી

મોકાણ મોટા બંગલાની નથી સરકાર… મોકાણ તમારી દીકરીના સ્વભાવની મોકાણ છે આ… 

એવું…. નહીં નહીં આ છોકરીને નાનપણથી આદત છે ગમે તે વસ્તુ ગમે ત્યાં મુકવાની અને પછી ધડ દઈને દોષનો ટોપલો ઢોળી દેવાનો… અરે આ છોકરો ચોર…? (વિચારમાં પડી જાય છે) સરકાર… કંઈ સમજાય છે તમને…?

મંગળા (સરકાર)

શું…?

અનંતરાય વિદ્યાપતિજી

કાંઈ સમજાય છે તમને સરકાર…?

મંગળા (સરકાર)

શું પણ શું…?

અનંતરાય વિદ્યાપતિજી

આ માયાએ માયાએ આપણી આ ઓરડીની ઝડતી લીધી…

મંગળા (સરકાર)

આ શું ?

અનંતરાય વિદ્યાપતિજી

હા એણે જડતી લીધી અહીં આવીને ….

મંગળા (સરકાર)

આ શું બોલો છો તમે…?

અનંતરાય વિદ્યાપતિજી

અરે શું બોલો છો શું…? તારા ભેજામાં કેમ નથી ઉતરતું…? છોકરી અહીં આવી હમણાં હેં…? કોઈ દિવસ નહીં ને આજે અહીંયા આવી… આ ખાના ખંખોળ્યા… આ તારી પેટી ઉઘાડી આ પૈસાની થપ્પી જોઈને પાછી ચાલી ગઈ…. આ બધું શું કામ…? મને કહો ને… તમે મને કહો…

મંગળા (સરકાર)

જુઓ જુઓ…

અનંતરાય વિદ્યાપતિજી

ચોર ઠર્યા સરકાર… અરે આ ઉંમરે હું અને તમે ચોર ઠર્યા.. આપણી છોકરીની…. આંખમાં….

મંગળા (સરકાર)

જુઓ જુઓ તમે કારણ વગર આડુંઅવળું ન વિચારો…

અનંતરાય વિદ્યાપતિજી

શેનું કારણ… કયું કારણ શોધવું છે તમારે…? અરે તમારી નજર સામે  છોકરી અહીં આવી આજે આટલા દિવસે પહેલી વાર… આ ખાના ખોલ્યા… આ કાગળિયા ફેંદયા. આ પેટી ઉઘાડી  આ બધી જડતી લીધી એ શેને માટે…? કહો મને…

મંગળા (સરકાર)

અરે છોકરી બિચારી બેબાકળી થઈ ગઈ હશે….

અનંતરાય વિદ્યાપતિજી

બસ કરો સરકાર…. તમારી દીકરીને છાવરવાનું રહેવા દો… એક વાત યાદ રાખજો… આગ ઉપર લાકડાનું આવરણ ઢાંકવાથી આગ ઓલવાતી નથી… આવરણ બળીને ભસ્મ થઈ જાય છે ભસ્મ…. 

માયા

પપ્પા… પપ્પા… મોહન નોકરી છોડીને ચાલી ગયો… શેને કારણે સમજાય છે તમને…? તમારા કારણે…

અનંતરાય વિદ્યાપતિજી

એટલે એટલે તું એમ કહેવા માંગે છોકરી… કે તારા પૈસા મેં ચોર્યા છે…? 

માયા

હા…

અનંતરાય વિદ્યાપતિજી

હા પાડે છે

મંગળા (સરકાર)

અરે નહીં રાયજી નહીં…. રાયજી… રહેવા દો… રહેવા દો…

અનંતરાય વિદ્યાપતિજી

હા પાડે છે આ છોકરી…

મંગળા (સરકાર)

છોકરી તું શું બોલે છે એનું તને ભાન છે…? આ પૈસા ટ્રંકમાંથી મળ્યા એટલે…? અરે બેટા એ પૈસા તો મારો હાર વેચ્યો હતો એના હતા… માફી માંગ માફી માંગ તારા પપ્પાની એને કહી દે કે આ બધું ખોટું છે…

માયા

સોરી… પણ ખોટું બોલવાની આદત મારી નથી… (જતી રહે છે….)

મંગળા (સરકાર)

માયા માયા…. ઉભી રે દીકરી…

અનંતરાય વિદ્યાપતિજી

જવાદો એને સરકાર જવા દો… નહીં રોકતા એને…. આજે મારા હૃદય ઉપર વજ્રાઘાત થયો છે…. સંબંધોનો શિરચ્છેદ થઈ ગયો આજે…. અરે આ અબુધ છોકરીએ સંશયનું ખંજર  ભોંકીને આ વૃદ્ધ બાપની લાગણીઓને લોહીલુહાણ કરી નાખી… પણ હું રડીશ નહીં સરકાર… રડીશ નહીં… મારી આ વૃધ્ધ આંખોમાંથી આંસુનું એક ટીપુ પણ હું નહીં ટપકવા દઉં આ કૃતઘ્ની છોકરી માટે હું હરગિજ નહીં રડું… અરે જાવ જઈને એને કહો કે નટસમ્રાટના તો આંસુની પણ કિમ્મત….  (બન્ને રડે છે…. વિદ્યાપતિ સ્તબ્ધ થઈને બેસી રહે છે…) 

મંગળા (સરકાર)

છોકરી…

અનંતરાય વિદ્યાપતિજી

બાપ ચોર,,,,? જિંદગી આખી આપણે પૈસાની કોઈ તમા નથી રાખી… આજે આપણી છોકરીએ આપણને ચોર ગણી લીધા… સરકાર… અરે આવું કહેતા પહેલા એણે આપણને મારી કેમ ન નાખ્યા… અરે આ ખાવાનામાં ઝેર ભેળવીને મોકલ્યું હોત તો આપણો છૂટકારો થઈ જાત. (ઉધરસ ખાય છે…)

મંગળા (સરકાર)

ચુપ થઈ જાવ રાયજી…. હું તમારું દુ:ખ સમજું છું… અરે અને હું એ પણ સમજું છું કે હવે દુનિયામાં આપણું કોઈ રહ્યું નથી…

અનંતરાય વિદ્યાપતિજી

હા….

મંગળા (સરકાર)

ફક્ત આપણે બે જ રહ્યાં છીએ… એકબીજા માટે… જુઓ રાયજી… હું જે તમને કહું ને એ જરા શાંતિથી સાંભળજો હોં… જુઓ, આપણે આપણે આજની રાત અહીંયા કાઢી નાખીએ…   આપણે અહીંયાથી ચાલી જશું… કોઈ પણ મંદિરના પગથિયે… કોઈ પણ ધરમશાળાના ઓટલે … હું તમારી સાથે છું રાયજી,… (ખભે માથુ મુકીને રડે છે…)

અનંતરાય વિદ્યાપતિજી

સરકાર… સાથે રહેવાનું વચન આપો છો…?

મંગળા (સરકાર)

હા…

અનંતરાય વિદ્યાપતિજી

બસ,.. બસ…

મંગળા (સરકાર)

વચન… તમે

મંગળા (સરકાર)

પણ એ પહેલા જઈને હું માયાને એકવાર મળી આવું…

અનંતરાય વિદ્યાપતિજી

હવે એ છોકરીનું મોઢું જોવાની યે જરૂર નથી,,,

મંગળા (સરકાર)

ના…

અનંતરાય વિદ્યાપતિજી

શા માટે મળવું છે તમારે… 

મંગળા (સરકાર)

મારે જઈને એને કહેવું છે કે કે આપણને તું કયા પાપની સજા આપી રહી છે… અમે આ ઘરમાંથી નીકળી જવા રાજી છીએ પણ ઘરની બહાર નીકાળીને અમારા કપાળે કલંકની આવી કાળી તીલી ના લગાડ… હા…

અનંતરાય વિદ્યાપતિજી

રહેવા દો સરકાર… રહેવા દો ક્યાંય જવાની જરૂર નથી…

મંગળા (સરકાર)

મને રોકો નહીં રાયજી તમને મારા સમ…  (ઉધરસ ખાતા જાય છે…)

અનંતરાય વિદ્યાપતિજી

ટુ બી ઓર નોટ ટુ બી…ધેટ ઇઝ ધ ક્વેશ્ચન… જીવવું કે મરવું બસ હવે એ જ એક પ્રાણ પ્રશ્ન છે,… હે જગતનિયંતા… ગજબ છે તારો ન્યાય… અરે ઉપરવાળા…  અમે તો તારા હિસાબે ને જોખમે આ ધરતી પર અવતર્યા… પણ તેં હેં… ? તેં હિસાબ તારી પાસે રાખ્યો અને જોખમ અમારા શિરે…? ટુ બી ઓર નોટ ટુબી… ધેટ ઇઝ ધ ક્વેશ્ચન… જીવવું કે મરવું બસ હવે એ જ એક પ્રાણપ્રશ્ન છે…  (બારીના સળિયા પકડીને માથુ નમાવી દે છે…)

(દ્રશ્ય બદલાય છે…. ) 

(વિદ્યાપતિ બેઠા બેઠા ઉંઘી ગયા છે… મંગળા અને માયા રૂમમાં આંસુ લૂછતા આવે છે)  

મંગળા (સરકાર)

રાયજી… જુઓ તો કોણ આવ્યું છે…? તમારી માફી માગવા આવી છે… પૈસાનું કવર મળી ગયું…

માયા

 (માયા પગે લાગવા જાય છે…) પપ્પા… 

અનંતરાય વિદ્યાપતિજી

સ્પર્શ નહીં કરતી છોકરી… સ્પર્શ નહીં… નાલેશી કર્યા પછી નમન કરવાનો કોઈ જ અર્થ નથી… ચાલી જા મહેરબાની કરીને ચાલી જા તું મારો ક્રોધ જાણે છે… હું મગજ પરનો કાબૂ ગુમાવી દઉં એ કરતા ચાલી જા…

મંગળા (સરકાર)

આવું… આવું ના કરો રાયજી…. છોકરીને માફ કરી દો… બિચારી બેબાકળી થઈ ગઈ હતી… પૈસા ગાદલા નીચેથી મળ્યા… આવડી મોટી રકમ હતી એટલે…

અનંતરાય વિદ્યાપતિજી

એટલે એણે માની લીધું કે એ પૈસા એના બાપે ચોર્યા…? હેં…?

માયા

પપ્પા પ્લીઝ મને માફ કરી દો…

અનંતરાય વિદ્યાપતિજી

અરે હટ્… મનમેળ તૂટ્યા એ તૂટ્યા જ રહો એના સિવણ સાંધણ હોય નહીં… ને ઉર આરસીના ટૂકડા જ રહો એને રેવણ ના રસ હોય નહીં… સંબધો તો અરીસા જેવા છે… છોકરી… હસો તો હસે ને રડે તો રડે… પણ તેં આજે અરીસાના ટૂકડે ટૂકડા કરી નાખ્યા… હવે આ કચ્ચરો ભેગી કરવાના વ્યર્થ પ્રયત્નો રહેવા દે…

માયા

મમ્મી… મમ્મી પ્લીઝ તું પપ્પાને સમજાવ ને… પહેલી ભૂલ તો ભગવાન પણ માફ કરી દે છે…

અનંતરાય વિદ્યાપતિજી

અરે પણ હું ભગવાન નથી,,, માણસ છું…માણસ… લાગણીઓથી ધબકતો સામાન્ય માણસ છું… અને માણસ હોવાની તો આ સજા ભોગવી રહ્યો છું છોકરી… સજા છે સરકાર… આ સંતાનો આપણે માથે શ્રાપ છે… શ્રાપ…

મંગળા (સરકાર)

રાયજી… બસ…

અનંતરાય વિદ્યાપતિજી

અરે… કેટલા લાડકોડથી તમને અમે ઉછેરીને મોટ… અને આજે આ જ સંતાનો આપણને હડધૂત્ કરે છે … શા માટે…? કારણ કે હવે આપણે ઘરડા થઈ ગયા છીએ…? એ મોટા થઈ ગયા… એમને હવે કોઈનો ખપ નથી રહ્યો… આપણે ઓશિયાળા થઈ ગયા… એમના દરવાજે આવીને ઉભા રહ્યા એટલે… અરે ઢોર માની લીધા… એમના મોઢા પર એંઠવાડ ફેંકીએ તો ય શું કરવાના બિચારા…? આવા પામર સંતાનો પાસેથી મારે માફી જોઈતી નથી… અને મારે માફી આપવી પણ નથી…

મંગળા (સરકાર)

રાયજી બસ કરો… વાતનો નિવેડો લાવો…

અનંતરાય વિદ્યાપતિજી

કોણે…? કોને તેં ચોર કહ્યો? તેં છોકરી કોને ચોર કહ્યો…? નટસમ્રાટ… અનંતરાય વિદ્યાપતિને તેં ચોર ઠેરવ્યો…? અરે કરોડો પ્રેક્ષકોના હૃદય ઉપર એકચક્રી રાજ કર્યું જેણે… જેમના પ્રેમ થકી કુબેરથી ય વધારે શ્રીમંત હતો એ માણસને તેં આજે ચોર ઠેરવ્યો…? શા માટે… હેં…? કારણ કે આ અભાગિયો તારો બાપ મુઓ છે માટે…? તારો બાપ મુઓ છે…

માયા

પપ્પા…. હું શું કરું પપ્પા… હું શું કરું…?

અનંતરાય વિદ્યાપતિજી

આજથી પપ્પા શબ્દ બોલવાનું બંધ કરી દે…. કારણ કે તારો એ અધિકાર હું છીનવી રહ્યો છું…

માયા

નહીં…

અનંતરાય વિદ્યાપતિજી

આજથી આપણા બાપ દીકરીના સંબંધો પૂરા થયા… હતી… હતી અમારે એક નાનકડી ગભરુ વાછરડી જેવી દીકરી હતી…  હા… ગજુ કાઢ્યું વાત્સલ્યની વાડ કુદાવીને…. અમારે તો પારેવા જેવો એક દીકરો ય હતો પણ એને પાંખો આવીને એ ઉડી ગયો… અમારો માળો વીખાઈ ગયો… જીવતર… વેરણછેરણ થઈ ગયું અમારું…

મંગળા (સરકાર)

બસ કરો રાયજી બસ કરો…. મારાથી હવે સહન નથી થતું…

અનંતરાય વિદ્યાપતિજી

સરકાર… કોઈ કોઈનું નથી આ દુનિયામાં કોઈ કોઈનું નથી… અરે બ્રહ્માંડમાં ભટકતો એકાદો આત્મા… આપણી વાસનાની નિસરણી દ્વારા ધરતી ઉપર પગલાં પાડે…. અને આપણે માની લઈએ… કે આપણે… મા બન્યા ને બાપ બન્યા….  હા હા હા(હસે છે…) નથી આ દુનિયામાં કોઇ કોઈનું નથી… અરે નિસરણી છીએ… આપણે ફક્ત એક નિસરણી છીએ… સીડી છીએ… રમત ચાલી રહી છે… સંબંધોની સાપસીડી રમવાની રમત ચાલી રહી છે… ધસી જવાની… ગળી જવાની રમત રમાય છે સરકાર… અરે આ દુનિયા તો સ્વાર્થનું ખેતર છે… અહીંયા લાગણીઓના બીજ વાવશું તો ય કશું ઉગવાનું નથી… અહીંયા જીવવું હોય તો માણસ બનીને નહીં… ચાડિયા બનીને જીવો… બની જાવ ચાડિયા…. પછી નહીં રહે કોઈ વેદના કે નહીં રહે કોઈ સંવેદના…

માયા

પપ્પા… પપ્પા હું એક્વાર માફી માંગું છું પ્લીઝ મને માફ કરી દો ને પપ્પા પ્લીઝ…

અનંતરાય વિદ્યાપતિજી

અમે માફ કરનારા કોણ છીએ છોકરી…? તારે માફી માગવી જ હોય તો તારા અંત:કરણની માફી માગજે… ચાલો સરકાર… નીકળીએ આપણે વળી એક નવી દુનિયાની શોધમાં નીકળી ચાલો…

માયા

નહીં… નહીં…. હું તમને લોકોને નહીં જવા દઉં… મમ્મી પ્લીઝ પપ્પાને રોક ને મમ્મી પ્લીઝ… 

અનંતરાય વિદ્યાપતિજી

અનારે સવાર સુધી પણ રાહ નથી જોવી… બસ બહુ થયું ચાલો સરકાર… ચાલો કહું છું સરકાર ઉભા થાવ…

માયા

મમ્મી… મમ્મી… મમ્મી ઉઠને મમ્મી… મમ્મી… મમ્મી ઉઠને મમ્મી… મમ્મી ઉઠ…. 

અનંતરાય વિદ્યાપતિજી

શ્શ્શ્શ્શ… ચુપ થઈ જા છોકરી ચુપ… (નાક પર આંગળી મુકીને ચુપ થવા ઇશારો કરે છે…) સરકાર સૂતા છે… એમની જાગૃતિ તો બગાડી હવે એમની નિદ્રા શા માટે બગાડે છે…? ચાલી જા…. ચાલી જા…. અહીંથી ચાલી જા…. છોકરી… પૈસા જોઈ છે ને તારે…? હં…? તું તો પૈસા લેવા આવી છે ને આ લે… આ લે તારા પૈસા… જા અહીંથી… ઉપાડ તારા પૈસા   નીકળ જા… નીકળ અહીંથી કહું છું… જા …. જા…    સરકાર…. સરકાર… સરકાર… સરકાર…(મહ્ગળાનો હાથ પકડીને હલાવે છે… રડે છે…)

(દ્રશ્ય પૂરું…)

અનંતરાય વિદ્યાપતિજી

એ ભાઈ… એ એ એ ભાઈ…. કોઈ કહેશો મને…? અરે કોઈ મને ગોતી આપો ભાઈ… મારી આંખોનું મોતી ખોવાઈ ગયું છે… મારી આંખોનું મોતા ખોવાઈ ગયું ભાઈ… મને કોઈ ગોતી આપો ભાઈ… મારું મંદિર ધ્વસ્ત થઈ ગયું છે… એનો મને વસવસો નથી પણ મારી મારી મૂર્તિ ખોવાઈ ગઈ છે… મને મારી… મને મારી મૂર્તિ ગોતી આપો ભાઈ… એ ભાઈ….. છે કોઈને ખબર…? કોઈ ગોતી આપો ભાઈ… હવે મને જીવવાના ભ્રમમાં જકડી ન રાખો… હું જાણું છું મારો ધબકારો ખોવાઈ ગયો… મને મારો ધબકારો ગોતી આપો… મને મારા સરકાર ગોતી આપો… મારા સરકાર… સરકાર… (બૂમ પાડે છે…) સરકાર… ચાલ્યા ગયા…? તમે પણ મને વચન આપીને ચાલ્યા ગયા સરકાર…? સરકાર… મને છોડીને…. અરે કોઈ ગોતી આપો ભાઈ…. (બેભાન થઈને બેંચ પર પડી જાય છે…)

રાજુ પાલીશવાલા

એ બાબા… ક્યા હુઆ રે બાબા… ઉઠ રે બાબા… ઉઠ બાબા ઉઠ બાબા આજા  આજા બાબા આજા… આરામ સે બાબા આરામ સે … આરામ સે… (પોતાની સાથે લઈ જાય છે…) હાં…

(દ્રશ્ય પૂરું… )

રાજુ પાલીશવાલા

ચલ એ ચલ રામુ… જલદી કર જલદી કર… ફટાફટ કર… યાર ફટાફટ… યે લે યે ચાદર ઇધર બીછા દે… હાં… યે બિછા ચલ આ જા… એકદમ ચકાચક હોના મંગતા હૈ ક્યા…

રામુ

ક્યા બાવા શાદી વાદી બનાયેલા હૈ ક્યા…?

રાજુ પાલીશવાલા

શાદી નહીં બનાયા હૈ રે … અપના બાબા આયા હૈ… 

રામુ

યા… માયલા… પન શાદી કે પહેલે બાબા…?

રાજુ પાલીશવાલા

અબે ઢક્કન બાબા યાને બાપ… ફાધર… પિતાજી… તુ રુક અભી તેરેકો દિખાતા હૈ…

રામુ

હાં…

અરે બાબા કિધર રહ ગયા…? અરે બાબા ઇધર આને કા… આજા આજા… અપુન ઇધર હૈ ના… આજા આજા… આરામ સે હં બાબા…  હાં…  યે દેખ રે રામુ…

રામુ

પન તુ તો બોલતા થા – મેરા બાપ હી ચ નહીં હૈ…

રાજુ પાલીશવાલા

અભી બાજાર સે ખરીદ કે લાયા… તુ પીટર પીટર કરના છોડ ના… એક કામ કર… ઇધર એક પાની કા મટકા લાકર રખ દે ગ્લાસ કે સાથ… બાબા કો પ્યાસ લગા તો…? અંદર તક કૌન જાયેગા…?

રામુ

અભી લાતા હું…

રાજુ પાલીશવાલા

ચલ નીકલ નીકલ… હાં…  અરે બાબા આ ના આ ના આરામ સે આને કા… હાં…? ઇધર બૈઠને કા… અરે આરામ સે આરામ સે બાબા… બિલકુલ ડરને કા નહીં બિલકુલ ગભરાને કા નહીં… ટોટલ અપના ઇલાકા હૈ… રાજુ પાલીશવાલે કા ઇલાકા હૈ ક્યા…? ઇધર બૈઠ જા બાબા આરામ સે બૈઠ જા… બૈઠ ના બાબા… હાં..  તેરેકો માલુમ હૈ બાબા..? તેરેકો ભૂખ લગેગા ના..? સેન્ડવિચ ખાને કા હૈ વો સામને ના અબ્દુલ હૈ… ઉસને પાસ સેન્ડવિચ ખાને કા… ચાય પીને કા..? ઉસકે પાસ મેં હૈ ના કલ્યાન હૈ વહાં ચાય પીને કા… જો ખાને કા હૈ ના ખાને કા… જો પીને કા હૈ પીને કા… બિન્દાસ ઓડર દેને કા ક્યા…?  યા માયલા… તુ કહાં સે કુછ બોલેગા…? તુ તો ગૂંગા હૈ રે… એ બાબા બચપન સે હૈ ક્યા…? ચલ છોડ છોડ બાબા… ઔર બાબા તેરે કો માલુમ હૈ…? ઔર ઇધર પીછે ક્યા હૈ..? થેટર હૈ થેટર… ડ્રામે કા… અરે બાબા… એ બાબા… તુ કભી ડ્રામા દેખા હૈ ડ્રામા…? તુ બોલ નહીં સકતા ના… સૂન તો સકતા હૈ ના…? દેખ બાબા તેરેકો કભી ભી ડ્રામા દેખને કા મન હો ના અપુન કો બોલને કા… ફોકટ મેં એન્ટ્રી દિલાયેગા… ઇધર કા મેનેજર હૈ ના મહેશભાઈ… વો અપનેકો અચ્છી તરહ સે પહેચાનતા હૈ… ઉસકો બોલ કે જ ઇધર રહેને કા મૈને સેટિંગ કિયેલા હૈ…  યે માયલા… ઇન્ટરવલ હો ગયા બાબા… બેલ બજા ના અભી…    અપુન અભી ધંધા કર કે આતા હૈ… તુ ઇધર હી બૈઠને કા. .. સોને કા હૈ તો સોને કા… અપુન ધંધા કર કે આતા હૈ… એ ય પાલીશ… બૂટ પાલીશ… 

 

અનંતરાય વિદ્યાપતિજી

શહેનશાહ અકબર… શહેનશાહ જલાલુદ્દીન અકબર… સલીમ… સલીમ તુ મહાબલિનો શાહજાદો નથી…. તુ એક મામુલી ઇશ્કબાજ છે… તું એક ગુમરાહ નૌજવાન છે સલીમ… તને બાપ નહીં જોઈએ… તને બાપની મહોબ્બત નહીં જોઈએ… તને હિન્દુસ્તાનનો તખ્ત નહીં જોઈએ… તને જોઈએ છે સિર્ફ અનારકલી… હાં… સિર્ફ અનારકલી… બે ટકાની એ નાચીજ લોંડી… લેકિન લેકિન તમારી આ નાપાક મોહબ્બતમાંથી સારી મોગલાઈની લાશની બૂ આવે છે… તેં જે રીતે તારા બાપના અરમાનોને કચડી નાખ્યા છે… એ જ રીતે એ જ રીતે હું તારી માશૂકાના જિસ્મની કચ્ચર કચ્ચર કરી નાખીશ… જાવ લઈ જાવ… લઈ જાવ આ ખૂબસુરત કયામતને અને ચણી દો દિવાલમાં જીવતી ને જાગતી… કોઈ આમ જ મત સૂનો કોઈ ફરિયાદ મત સૂનો… હિ%દના શહેનશાહનો હુકમ છે… સલીમના વાલીદનો હુકમ છે… મૌત… સજા એ મૌત… હરગિજ માફ નહીં કરાય એને… મારા અરમાનોને કચડી નાખનાર મારા સંતાનોને પણ હું હરગિજ માફ નહીં કરું…

રાજુ પાલીશવાલા

બોલતા હૈ… અરે વાહ વાહ તુ તો બોલતા હૈ… હા હા હા (હસે છે..) મતલબ ઇતના ટાઈમ સે અપુઅન કો શેન્ડી લગાયા… યેડા બન કે પેડા ખા રહા થા… હા હા હા… લેકિન બાબા… બહોત અચ્છા લગા… તુ બોલતા હૈ જાનકર બહોત અચ્છા લગા… લેકિન સાલા તુ ક્યા બોલતા હૈ… નાના પાટેકર કી માફિક… કટ કટ કટ… યે સલીમ કૌન? સલીમ લંગડા…? કિ સલીમ તલવાર… એય… છોડ છોડ બાબા છોડ… યે લે… યે લે… ભજીયે ખા… તેરેકો ભજીયે બહોત પસન્દ હૈ ના બાબા… હાં બોલ ના… અરે હાં બોલ ના.. બાબા…  અભી બોલતા હૈ તો મુંહ સે હા બોલ ના…

અનંતરાય વિદ્યાપતિજી

હાં…

રાજુ પાલીશવાલા

બોલા … એ સુનતે હૈ ક્યા…? મેરા બાબા બોલા… એ બાબા… અભી રાજા બોલ ના… રાજા…

અનંતરાય વિદ્યાપતિજી

રાજા…

રાજુ પાલીશવાલા

એ… એ… રાજા બોલા રે મેરા બાબા…. (સીટી મારે છે…) હા હા હા … મજા આ ગયા રે બાબા… બાબા… મેરેકો એક બાત બતા રે… તેરી લાઈફ મેં ઐસા ક્યા હુઆ… કિ તુ અપના જબાન હિ જ બંધ કર ડાલા…? 

અનંતરાય વિદ્યાપતિજી

 (ખાતા અટકી જાય છે…) સમયના ખેલ છે ભાઈ બધા … સમયના ખેલ છે…

રાજુ પાલીશવાલા

નહીં બાબા… સબ પૈસે કા ખેલ હૈ પૈસે કા… યે પૈસા બહોત જાલીમ ચીજ હૈ… લેકિન તુ ફિકર નહીં કરને કા… અપને પાસ પૈસે નહીં હૈ તો ક્યા હુઆ બાબા…? દિલ હૈ ના દિલ હૈ ના…?

અનંતરાય વિદ્યાપતિજી

એક વાત મને સમજાવીશ,,,? માણસાઈ…! માણસાઈ આ શબ્દ આવ્યો છે માણસ પરથી… પણ માણસોમાં જ કેમ ભાગ્યે જ જોવા મળે છે હેં…?

રાજુ પાલીશવાલા

 (માથે હાથ મૂકે છે …) જબ નહીં બોલતા થા… તબ સબ સમજ મેં આતા થા… અબ બોલતા હૈ તો સાલા કુછ ખોપડીમેં ઘૂસતા હી નહીં,… સબ ઉપર સે જાતા હૈ…

અનંતરાય વિદ્યાપતિજી

હા હા.. હા…

રાજુ પાલીશવાલા

એ બાબા… એક બાત બતા… રે… તેરેકો ફેમેલી હૈ ક્યા…? બચ્ચા લોગ…? નિકાલ દિયા… ઘર સે નિકાલ દીયા… બરાબર…? જમેગા બાબા… અપના જોડી ખૂબ જમેગા… અપના ભી સેમ સ્ટોરી હૈ… તેરેકુ તેર બચ્ચા લોગ ને ઘર સે નિકાલ ડાલા… મેરેકો મેરા મા-બાપ ને ઘર સે નિકાલ ડાલા… એ બાબા… આજ સે તુ મેરા બાપ હં… હાં બાબા…? અપુન તેરે લિયે જાન ભી દે સકતા હૈ… કસમ સે બાબા કસમ સે ….  એ બાબા…

અનંતરાય વિદ્યાપતિજી

નહીં ભાઈ નહીં આ ડોસાને આટલો બધો પ્રેમ નહીં કર ભાઈ… મારે હવે…

રાજુ પાલીશવાલા

છોડ બાબા છોડ… તુ યે લે… ભજીયે ખા તુ… યે લે બાબા… લે…

મોહન પ્યારે

ગુરુદેવ પહેચાના…? મૈં મોહન પ્યારે…

અનંતરાય વિદ્યાપતિજી

એ… એય…

મોહન પ્યારે

ગુરુદેવ મૈંને આપકો પહેલી નજર મેં પહેચાન લિયા… એક એક્ટર હી દુસરે એક્ટર કો ઢૂંઢ સકતા હૈ… અપુન કો માલુમ થા કિ આપ મેરે કો થીયેટર કે બાહર હી ચ મિલેંગે… મૈંને પરસોં હી આપ કો… આપ કો ગલી કે  નાકે પે દેખા આવાજ ભી દીયા… લેકિન મિલને કે લિયે આઉં  ઉસકે પહેલે આપ ગાયબ હો ગયે…

અનંતરાય વિદ્યાપતિજી

હા..

મોહન પ્યારે

મૈને માયા મેમસાબ કો ફોન કર દિયા થા… મૈં મૈં… દાદા આપ ઇધર હે રુકના હાં…? મૈં ઉન લોગોં કો બુલા કે લાતા હું… બુલા કે લાતા હું…

રાજુ પાલીશવાલા

અ બાબા… બાબા કૌન થા યે…?  યે કિસકો બુલાને ગયા તેરે ફેમિલિ કો…? એ બાબા… તુ મેરે કો છોડ કે જાયેગા બાબા…? નહીં બાબા યે દેખ યે યે સબ મૈં તેરે લિયે કિયા… યે ચદ્દર યે તકિયા… બાબા મેરા ઇસ દુનિયામેં કોઈ નહીં હૈ બાબા…. નહીં બાબા મૈં તેરે કો છોડ કે નહીં જાને દેગા… નહીં બાબા… તુ મેરે કો બેટા બોલા ના બાબા… મૈં તેરા બેટા હૈ ના બાબા… નહીં બાબા… તુ નહીં જાયેગા ના બાબા…? 

રિંકુ

દાદાજી…?

અનંતરાય વિદ્યાપતિજી

છછુંદરી… મારી દીકરી… મારી દીકરી… (રડે છે…)

રિંકુ

દાદાજી… તમે જલદી ભાગી જાવ એ લોકો તમને લેવા આવે છે… તમને પાછો ત્રાસ આપશે… હું તમને અહીં રોજ મળવા આવીશ… પણ દાદાજી…

અનંતરાય વિદ્યાપતિજી

હાં…

રિંકુ

જલદી તમે છૂપાઈ જાવ ક્યાંક સંતાઈ જાવ… જાવ જલદી…

રાજુ પાલીશવાલા

હાં બાબા… આ જા બાબા… આરામ સે બાબા…

અમર

એક મિનિટ પપ્પા…  પપ્પા… પપ્પા… અમને  અમને માફ કરો… પ્લીઝ પપ્પા… પ્લીઝ પપ્પા તમે પાછા ઘરે ચાલો પ્લીઝ પપ્પા… તમારે તમારે જ્યાં આગળ રહેવું હોય ત્યાં રહેજો…તમને કોઈ ત્રાસ નહીં આપે… પણ પ્લીઝ પપ્પા તમે ઘરે ચાલો પ્લીઝ…

રાજુ પાલીશવાલા

એય… યે મેરા બાપ હૈ… તુમ લોગને ખોયા… મેરકુ મિલા… હાં…? અભી હમલોગને અપના નયા દુનિયા બસાયા હૈ… અબ યે તુમારી દુનિયામેં આનેવાલા નહીં હૈ… ચલ નીકલ…

અમર

એય…  

રાજુ પાલીશવાલા

એય… તેરી તો….

અમર

ઇન્સ્પેક્ટર…

અનંતરાય વિદ્યાપતિજી

નહીં…

રાજુ પાલીશવાલા

ઇન્સ્પેક્ટર તો ક્યા ઉસકે બાપ કો ભી બુલા… અપુન કિસી સે ડરતા નહીં હૈ…  એ બાબા તુ ડર મત હં…

ઇન્સ્પેક્ટર

વ્હોટ્સ ધ પ્રોબ્લેમ…?

અમર

ઇન્સ્પેક્ટર… આ માણસ મારા ફાધરને કિડનેપ કરીને લઈ આવ્યો છે…

ઇન્સ્પેક્ટર

એ શાણે… ક્યા પ્રોબ્લેમ હૈ રે તેરે કો….?

રાજુ પાલીશવાલા

સાબ… સાબ ઐસા નહીં હૈ…

ઇન્સ્પેક્ટર

ચુપ… બહોત ચરબી ચડ ગઈ હૈ તેરે કો… 

રાજુ પાલીશવાલા

નહીં સાબ… અરે સાબ પહેલે બાબા સે પૂછો ના… ઉસકો જાને કા હૈ કિ નહીં… એ  બાબા યે લોગ તેરેકો પિંજરેમેં બંધ કરકે રખેગા…. કુત્તે કી માફિક ઘસીટ કે લેકે જાયેગા….

ઇન્સ્પેક્ટર

કુત્તા કિસકો બોલતા હૈ… સાલે…

રાજુ પાલીશવાલા

નહીં સાબ… નહીં સાબ…

અનંતરાય વિદ્યાપતિજી

નહીં… નહીં મારો.. નહીં મારો. ઇન્સ્પેક્ટર એને નહીં મારતા… નહીં મારતા એને.. અહીં રંગમંચ છે… રંગભૂમિ છે અહીં… અહીં મારી હકુમત ચાલશે… તમારી નહીં… અને હું તમને હુકમ કરું છું કે ચાલ્યા જાવ,… ચાલ્યા જાવ ઇન્સ્પેક્ટર… હું આ લોકોને નથી ઓળખતો…

માયા

પપ્પા…

અમર

પપ્પા…

અનંતરાય વિદ્યાપતિજી

કોણ છો તમે…? હં…? અને શું કામ આવ્યા છો…?

અમર

હું … અમર…

અનંતરાય વિદ્યાપતિજી

તમે સંબંધોની તલવાર લઈને લાગણીઓના તાતણા તોડવા આવ્યા છો નહીં…. જાણું છું તમે તોડનારા છો પણ આ અજોડનારો છે…. અને તોડનારા કરતા જોડનારાનો હક વિશેષ હોય છે… ઇન્સ્પેક્ટર સાહેબ હું નથી ઓળખતો આમને… મારે કોઇ સંતાનો નથી…. તમારી કૈંક ગેરસમજ થાય છે… મને માફ કરો… જાવ અહીંથી…  ચાલ્યા જાવ… હું નથી ઓળખતો આ લોકો ને….   (રિંકુને પાસે બોલાવી વહાલ કરે છે…) બેટા મને માફ કરી દેજે… પણ મને મળવા આવજે દીકરા… હાં…?

રિંકુ

હં…

અનંતરાય વિદ્યાપતિજી

જા બેટા જા… એ રાજા…. ઉઠ દીકરા… મૈં નહીં ગયા….

રાજુ પાલીશવાલા

બાબા તુમ નહીં ગયા… ?

અનંતરાય વિદ્યાપતિજી

મૈં તેરા બાપ હું ના…? મૈં તેરેકો છોડ કર કૈસે જા સકતા હું…

રાજુ પાલીશવાલા

બાબા….

અનંતરાય વિદ્યાપતિજી

બૈઠ બૈઠ બૈઠ… મૈં તેરે સાથ હી રહુંગા…. હાં બાબા હમ સાથ હી રહેંગે…  લે યે લે..

મોહન પ્યારે

ગુરુદેવ મેરેકો ભી…

(બન્નેને ખવડાવે છે…)

 

Posted in Uncategorized.
Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.